યુવરાજસિંહનો ઇન્ટરવ્યુ:ઇટાલિયા અને ઇસુદાન ગઢવીથી યુવરાજસિંહનું ‘ડિસ્ટન્સ’, હવે વિધાનસભામાં જવાના પણ અભરખા

અમદાવાદએક મહિનો પહેલાલેખક: મયંક વ્યાસ
  • કાં તો કોઈ છાવરી રહ્યું છે અથવા તો ચોકીદાર જ ચોર છે
  • મારી ઊલટતપાસ કરવામાં આવે તોપણ હું તૈયાર છું
  • મને મળેલી બાતમી ખોટી હોય તો મારા પર પણ એક્શન લેવાય, પણ તપાસ તો કરો

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 12 ડિસેમ્બરે લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપરલીક થવાની ઘટનાથી રાજ્યના 88 હજાર બેરોજગારોનું ભવિષ્ય બગડ્યું છે. આ પેપરલીક થયું હોવાનો સૌથી પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ઘટસ્ફોટ કર્યો હતો તેમજ યુવરાજસિંહે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ પરમાર સાહેબને પુરાવાઓ પણ આપ્યા હતા. આમ છતાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા પુરાવા ન હોવાનું કહી લૂલો બચાવ કરી રહ્યા હતા. જોકે બીજા દિવસે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જ પેપર ફૂટ્યું હોવાનો સ્વીકાર કર્યો હતો.

ત્યાર બાદ યુવરાજસિંહે અસિત વોરાને જો ચેરમેનપદેથી હટાવવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. હંમેશાં વિદ્યાર્થીઓના પ્રશ્ને આંદોલન કરવા માટે જાણીતા યુવરાજસિંહ હાલ ચર્ચામાં છે, જેને પગલે DivyaBhaskarએ યુવરાજસિંહનો ઇન્ટરવ્યુ કર્યો છે. આ ઇન્ટરવ્યુમાં તેમણે અસિત વોરા પર નિશાન સાધી કહ્યું હતું કે અમે નિષ્પક્ષ તપાસ ઈચ્છીએ છીએ. આ તો કેવું છે- બિલાડીને જ કહીએ કે તું દૂધનું ધ્યાન રાખજે એના જેવું છે.

દિવ્યભાસ્કરઃ પેપરલીક થવાની સૌથી પહેલા તમને જ કેવી રીતે જાણ થઈ?

યુવરાજસિંહ જાડેજાઃ મને વિદ્યાર્થીઓ દ્વારા જ જાણ થઈ. એક-બે વિદ્યાર્થીના ફોન આવ્યા ને મેં ક્રોસ ચેક કર્યું. પેપર ફૂટી જવાનો ખ્યાલ આવ્યો એટલે મેં જવાબદાર સંસ્થા એવી ગૌણ સેવાને જાણ કરી. ગૌણ સેવાના સચિવ પરમાર સાહેબને કહ્યું કે તમે યોગ્ય તપાસ કરો.

દિવ્યભાસ્કરઃ શું આ મામલે સરકાર તમારી કોઈ ક્રોસ ઇન્કવાયરી કરી રહી છે?

યુવરાજસિંહ જાડેજાઃ ક્રોસ ઇન્કવાયરી ચાલી નથી ને ચાલે તોપણ મને વાંધો નથી. મારી ઊલટતપાસ કરવામાં આવે તો પણ હું તૈયાર છું. હું આધાર-પુરાવા આપવા પણ તૈયાર છું.

દિવ્યભાસ્કરઃ પેપરલીક કાંડમાં ભાજપના કોઈ નેતા સંડોવાયેલા હોવાની તમારી પાસે લિંક કે પુરાવા છે?

યુવરાજસિંહ જાડેજાઃ આ એક તપાસનો વિષય છે. પેપર ફૂટવું અને કોઈ સુધી પહોંચવું એ અલગ અલગ બાબત છે. પેપર ખરીદનાર છે તેની આર્થિક ક્ષમતા વધુ છે એટલે તેમણે પેપર ખરીદ્યું હોય. પેપર ફૂટ્યું એ સરકારે સ્વીકારી લીધું છે. હવે પેપર ફોડનારા કોણ છે ત્યાં સુધી પહોંચવું જરૂરી છે. રાજકીય છત્રછાયા વિના આ બાબત શક્ય નથી. આ એક કોન્ફિડેન્શિયલ બાબત છે. આ પેપર ક્યાંથી બહાર નીકળ્યું? જ્યાં સુધી તપાસ ચાલે ત્યાં સુધી અસિત વોરાને દૂર કરી દેવામાં આવે. ગૌણ સેવામાં દર વખતે હાલ જે ભરતી બોર્ડના ચેરમેન છે(પેપર ફૂટવા સમયે) તે જ રહ્યા છે. હું હોય તો સામે ચાલીને રાજીનામું આપી દઉં. કાં તો કોઈ છાવરી રહ્યું છે અથવા તો ચોકીદાર જ ચોર છે. જે કોઈ સામે આવે તો તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ.

દિવ્યભાસ્કરઃ 72 કલાકમાં અસિત વોરાને નહીં હટાવો તો આંદોલન કરીશું એનું શું થયું?

યુવરાજસિંહ જાડેજાઃ મને કોઈપણ વ્યક્તિ પ્રત્યે રાગ, દ્વેષ કે પૂર્વાગ્રહ નથી, અમે નિષ્પક્ષ તપાસ ઈચ્છીએ છીએ. આ તો કેવું છે- બિલાડીને જ કહીએ કે તું દૂધનું ધ્યાન રાખજે એના જેવું છે. અત્યારે એના પર બધાને શંકા છે. તમામ કોન્ફિડેન્શિયલ માહિતી તેમની દેખરેખ હેઠળ છે. ભરતી બોર્ડ સાથે કોઈ સંલગ્ન હોય ને તો જ આ ઘટના બહાર આવે. સ્ટ્રોંગરૂમમાંથી કાગળની ચબરખી પણ બહાર ન આવે, પણ નીતિ સાફ હોવી જોઈએ. તમામ વિદ્યાર્થી વર્ગ આ માગણી કરે છે.

દિવ્યભાસ્કરઃ આ કેસમાં ગુજસીટોક લગાવી સરકાર શું કરવા માગે છે?, બરાબર કર્યું કે કોઈ બીજો ઉદ્દેશ છે?

યુવરાજસિંહ જાડેજાઃ કોઈપણ કાયદો લગાવી દો, પણ સાબિત કોણ કરશે? કાયદો સાબિત થાય તો સજા થાયને? સાબિત થશે ખરું?

દિવ્યભાસ્કરઃ તમારું વલણ અચાનક કેમ ઢીલું પડી ગયું? સરકાર તમને દબાવે છે કે સરકાર સાથે કોઈ સમજૂતી છે?

યુવરાજસિંહ જાડેજાઃ તપાસ ચાલુ છે. મારી પાસે જે પુરાવા છે એ રજૂ કર્યા છે. મને મળેલી બાતમી ખોટી હોય તો મને બાતમી આપનાર અને મારા પર પણ એક્શન લેવાય પણ તપાસ તો કરો.

દિવ્યભાસ્કરઃ હર્ષ સંઘવીને જ મળવાનો કેમ હઠાગ્રહ રાખ્યો? તમારી પાસે પુરાવા હતા તો અસિત વોરાને કેમ ન આપ્યા?

યુવરાજસિંહ જાડેજાઃ ભવ્ય ભૂતકાળ રહ્યો છે. બિનસચિવાલયમાં ઘટના બની એ લોકો તો સ્વીકારવા જ તૈયાર નહોતા. કેટલો વખત વિશ્વાસ કરવો.

દિવ્યભાસ્કરઃ તમારી પાર્ટી સપોર્ટ કરી રહી છે?

યુવરાજસિંહ જાડેજાઃ મેં સપોર્ટ માગ્યો નથી. મીડિયાએ ઘણો સપોર્ટ કર્યો છે. આ નોન-પોલિટિકલ મુદ્દો છે અને નોન-પોલિટિકલ જ રહેવો જોઈએ. આપની, ભાજપની કે કોંગ્રેસની જે કોઈ વ્યક્તિ સંડોવાયેલો હોય તેને સજા થવી જોઈએ.

દિવ્યભાસ્કરઃ આપના એક વર્તુળમાં એવી પણ ચર્ચા છે કે તમે ભાજપમાં જોડાવાની કોશિશ કરી રહ્યા છો, સાચું છે?

યુવરાજસિંહ જાડેજાઃ કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના. સત્ય સામે આવે એ મારી પ્રાથમિકતા છે. ગુજરાતના યુવાઓ માટે લડવું જરૂરી છે. ખુમારીથી લડું છું અને ખુમારીથી લડીશ. ભાજપમાંથી હજુ કોઈનો ફોન આવ્યો નથી. હું નીતિમત્તાથી ચાલુ છું. નરેન્દ્ર મોદીએ જે જગ્યાએ સારું કામ કર્યું હોય તો તેને અભિનંદન આપવા જ જોઈએ, પણ ક્યાંક ખામી રહી હોય તો એ ઉજાગર કરવી પણ નાગરિક તરીકે જરૂરી છે.

દિવ્યભાસ્કરઃ ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી કેમ તમારા સમર્થનમાં ના આવ્યા?

યુવરાજસિંહ જાડેજાઃ મારા વિદ્યાર્થી જ મારા સપોર્ટર્સ છે, પાર્ટી તેમની રીતે ચાલતી હોય કે વ્યક્તિગત નિર્ણય પણ હોઈ શકે. આ મુદ્દો વિદ્યાર્થીઓનો છે, રાજકારણ ભળી જાય તો ટલ્લે ચડી જાય. આ યુવાનોનો પ્રશ્ન છે. જિજ્ઞેશ મેવાણી કહે કે, ABVP, NSUI તમામ સપોર્ટ કરે તોપણ મંજૂર છે.

દિવ્યભાસ્કરઃ તમારી આગળની રણનીતિ શી છે? સરકારની સિસ્ટમમાં તમને શું ખામીઓ લાગે છે?

યુવરાજસિંહ જાડેજાઃ આપણી પાસે 4 ભરતી બોર્ડ છે. GPSC(ગુજરાત પબ્લિક સર્વિસ) સારું કામ કરે છે. GPR(ગુજરાત પોલીસ રિક્રૂટમેન્ટ બોર્ડ) પણ સારું કામ કરે છે. આ ભરતી બોર્ડ કેમ સારું કામ કરે છે, કારણ કે તેના અધ્યક્ષ અધિકારી છે. ગૌણ સેવા અને GPSSB (ગુજરાત પંચાયત સેવા સિલેક્શન બોર્ડ) સૌથી વધુ ભરતી કૌભાંડમાં આ બોર્ડના જ નામ દેખાય. તેના અધ્યક્ષ કોણ? પોલિટિશિયન. આ રાજકીય પદ નથી, આ પદ પરથી તેમને દૂર કરો અને અમારી ઈચ્છા છે કે ત્યાં અધિકારી બેસે.

દિવ્યભાસ્કરઃ ગુજરાતના બેરોજગારો જો તમને હાકલ કરે તો તેમના પ્રશ્નોને લઈને તમે વિધાનસભામાં જવા તૈયાર છો?

યુવરાજસિંહ જાડેજાઃ નેતાનું કામ શું છે? ફ્લોર પર બેરોજગારીના મુદ્દા ઉપાડવા. પાયાગત સુવિધાના પ્રશ્નોની ચર્ચા કરવી. નેતા તરીકે જો આ જ કરવાનું હોય તો ત્યાં જવા પણ તૈયાર છું. હું લડવૈયો છું.