અમદાવાદમાં ધૂળની ડમરીઓ ઉડી:હોલિકાદહનના કલાક પહેલાં ભારે પવન ફૂંકાયો, પછી S G હાઈવે, બોપલ, સેટેલાઈટ, મણિનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાઈટો ચાલી રાખીને લોકોએ વાહન ચલાવવા પડ્યા

અમદાવાદમાં હોલિકા દહનના એક કલાક પહેલા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક જ ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. ધૂળની ડમરીઓ ફૂંકાઈ હતી. ત્યારબાદ S G હાઈવે, બોપલ, સેટેલાઈટ, મણિનગર, બાપુનગર, બોડકદેવ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

આ પહેલાં ધૂૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાતા વાહનચાલકોને રોડ પર વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી. લાઈટ ચાલુ રાખી અને વાહન ચલાવવું પડ્યું હતું જ્યારે ટુ-વ્હીલર ચાલકોએ તો રોડની સાઈડમાં થોડી જ વાર ઊભા રહી જવાની ફરજ પડી હતી. ઠંડા પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. જેના કારણે કેટલીક જગ્યાએ તો હોલિકાદહન માટેની તૈયારી પર પાણી ફરી ગયું હતું.

છેલ્લા 3 દિવસથી રાજ્યમાં અષાઢી માહોલ
રાજ્યમાં ઉનાળાની શરૂઆત થાય તેની પહેલા જ ચોમાસું શરૂ થયું હોય તેમ લાગી રહ્યું છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદની સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ પંથકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને પગલે ખેડૂતોના પાકને મોટું નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

જશોદાનગર વિસ્તારમાં અમી છાંટણા
જશોદાનગર વિસ્તારમાં અમી છાંટણા

30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર સહિતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવેથી મધ્યમ વરસાદ પડી શકે છે અને 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં તાપી, ડાંગ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં હિંમતનગર, સાબરકાંઠા બનાસકાંઠા પંથકમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં પણ ગઈકાલે રાત્રિના સમયે વાતાવરણ પલટાયું
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સન અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફને કારણે રાજ્યભરમાં ઠેર-ઠેર કમોસમી વરસાદ પડ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઇંડ્યુઝ સાઈઝર સક્રિય છે. ઈંડ્યુઝ સાઇઝર સિસ્ટમ વરસાદી વાદળો બનાવે છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વાતાવરણમાં ભેજ વધશે. રાજ્યમાં દિવસ દરમિયાન ભારે બફારો અનુભવાશે. માવઠાંની સાથે ગરમીનો પણ અહેસાસ થશે. આગાહી પ્રમાણે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ તેમજ પવનની ગતિ વધુ નોંધાઇ છે. ભારે પવન શરૂ થતા પદયાત્રીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા. કમોસમી વરસાદને પગલે ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. તૈયાર થયેલા ઘઉં, ધાણા, સૂકા મરચાં અને જીરાના પાકને લઈ ખેડૂતમાં ભાગદોડ મચી જવા પામી છે. જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને જરૂરી માહિતી આપવા માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રમાં માવઠું થાય તેવી સંભાવના
6 માર્ચના રોજ અમરેલી, ભાવનગરમાં માવઠું થાય તેવી સંભાવના હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. તેમજ સૂકા પવનો ફૂંકાશે. રાજકોટમાં સવારે ભેજનું પ્રમાણ 54 ટકા હતું અને પવનની ઝડપ 8 કિ.મી. રહી હતી. જ્યારે સાંજે 10 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. 9 માર્ચ સુધીમાં રાજકોટમાં 39 કે તેથી વધુ ઊંચું તાપમાન પહોંચવાની સંભાવના છે. હાલમાં દિવસે ગરમી અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થાય છે.

યાર્ડમાં આવતી તમામ જણસીને ઢાંકીને લાવવા ખેડૂતોને તાકીદ
માવઠાની આગાહીને પગલે યાર્ડના સત્તાધીશો પણ સતર્ક થયા છે. શુક્રવારે જાહેરાત કરવામાં આવી હતી કે, માવઠાની આગાહીને કારણે જે ખેડૂતો યાર્ડમાં જણસી લઈને આવે છે તેને ઢાંકીને લાવવાની રહેશે. તેમજ ખુલ્લા ગ્રાઉન્ડમાં જે જણસી ઉતરશે તેને કમિશન એજન્ટોએ ઢાંકવાની રહેશે. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એપીએમસીમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ સૂકા મરચાં, ધાણાની આવક સંપૂર્ણ પણે બંધ કરવામાં આવી છે. જ્યારે અન્ય જણસીની આવક રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી છે. માવઠાની આગાહીને પગલે શુક્રવારે આવકમાં તેની અસર જોવા મળી હતી.

માવઠાને કારણે ધાણા, ઘઉંને અસર થશે
હાલ ઘઉં, ધાણા, સૂકા મરચાંમાં નવી સિઝન શરૂ થઈ ગઈ છે. ખેતરમાં ઊભો પાક જોવા નથી મળતો. ખેડૂતોએ પાક ઉતારી લીધો છે. જો માવઠું થશે તો સૌથી વધુ અસર ધાણા અને ઘઉંને થશે. જો જણસી પલળી જશે તો તેનું લેવાલ કોઇ તૈયાર ન થાય. જોકે ભેજવાળા કે પલળેલા ઘઉં હોય તો તે મિલમાં ખપી જાય તેમ રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી અશોક સોજીત્રા જણાવે છે.

ટોલ ફ્રી નંબર જાહેર કરાયો
જાણકારી આપના વિસ્તારના ગ્રામ સેવક -વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક (તા.મુ.) જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), કેવીકે અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર 1800-1801-551 ઉપર સંપર્ક કરવો તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી પી.આર દવેએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...