કોરોના રસીકરણ:જિલ્લાનાં 15-18 વર્ષનાં અંદાજિત 1.05 લાખ બાળકોને આજથી રસી અપાશે

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદની સ્કૂલો, પીએચસી સેન્ટર, સબ સેન્ટર પર પણ વેક્સિન અપાશે

અમદાવાદ જિલ્લાના 15-18 વર્ષના અંદાજિત 1,05,568 બાળકોને આજથી કોવેક્સિનની રસી આપવામાં આવશે. સ્કૂલો, પીએચએસી સેન્ટર, સબ સેન્ટર પર પણ બાળકોને વેક્સિન આપવાનું આયોજન કરાયું છે. આરબીએસકે ટીમ અને શિક્ષકોની ટીમ કાઉન્સેલિંગ કરીને બાળકોને વેક્સિન અપાવવા વાલીઓ તૈયાર થાય તે રીતે સમજાવાશે. પીએચસી સેન્ટર પર તારીખ-સમય ફાળવાશે. સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી રસી આપવામાં આવશે.

અમદાવાદ જિલ્લાના સીડીએચઓ ડો.શૈલેષ પરમારે કહ્યું કે, જિલ્લાના બાળકોની સંખ્યાનો ટાર્ગેટ સરકારી તંત્ર તરફથી પ્રાપ્ત થયો છે. આ સિવાય પણ બાળકો 15-18 વર્ષની મર્યાદામાં આવતા હશે તો સ્થળ પર જ બાળકોનું રજિસ્ટ્રેશન કરીને રસી અપાશે. આ કામગીરીમાં જિલ્લાનો 350 આરોગ્ય સ્ટાફ અને શિક્ષકો મળી અંદાજે 800નો સ્ટાફ કાર્યરત રહેશે. આરસીએચઓ ડો.ગૌતમ નાયકે કહ્યુંકે, આગામી 3થી 7 જાન્યુઆરી દરમિયાન બાળકોને જિલ્લાની 204 સરકારી અને 78 ખાનગી મળી કુલ 282 સ્કૂલો સહિત અન્ય સ્થળોએ રસી આપવા આયોજન કરાયું છે.

રસીનો એક જ ડોઝ આપવામાં આવશે. આ પછી 8 અને 9મી જાન્યુઆરીના દિવસે જાહેર સ્થળોએ કેમ્પ યોજીને બાકી રહી ગયેલા બાળકોને રસી અપાશે. શિક્ષણ વિભાગ સાથે મળીને બાળકોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. કોઇ પણ વાલીને રસીને લઇને મુઝવણ હોય તો પોતાના શિક્ષક ઉપરાંત સ્થાનિક આરોગ્ય અધિકારીનું માર્ગદર્શન લઇ શકે છે. વાલીઓ ભય રાખ્યા વગર બાળકોને રસી અપાવવા તૈયાર થાય તેવા પ્રયાસ જિલ્લા આરોગ્ય અને શિક્ષણ વિભાગ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લામાં 7મી જાન્યુઆરીના રોજ મેઘા ડ્રાઇવ હાથ ધરવામાં આવશે. બાકી રહી ગયેલા બાળકોને રસી આપવામાં આવશે.

7મી જાન્યુઆરીના રોજ મેઘા ડ્રાઇવ
અમદાવાદ જિલ્લામાં આગામી 7મી જાન્યુઆરીના રોજ બાળકોને રસી આપવા માટેની મેઘા ડ્રાઇવ યોજાશે. જેમાં જિલ્લાના નવ તાલુકામાં વિવિધ જાહેર સ્થળોએ રસી કેન્દ્રો ઉભા કરીને બાકી રહી ગયેલા બાળકોને રસી આપવામાં આવશે. વાલીઓ પોતાના બાળકોને રસી લેવડાવે તે માટે પણ સમજાવાશે. મેઘા ડ્રાઇવમાં નવ તાલુકાના મોટાભાગના બાળકોનો રસી લેવામાં સમાવેશ થઇ જવાની આરોગ્ય વિભાગે આશા વ્યક્ત કરી છે.

શાળામાં વેક્સિનેશન કેવી રીતે થશે?
શાળાઓમાં વેક્સિનેશન પ્રક્રિયા સોમવારથી શરૂ થઈ રહી છે, આ માટે ઘણી સ્કૂલોએ અત્યારથી વાલીઓ પાસેથી સંમતિ પત્રક મગાવવાનું શરૂ કરી દીધું છે. શાળામાંથી વેક્સિને લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓનું ત્યાં જ રજીસ્ટ્રેશન કરાશે અને રસી અપાશે. આ માટે સ્કૂલના 3-4 રૂમનો ઉપયોગ કરાશે. જેમાં એક રૂમમાં રજીસ્ટ્રેશનની પ્રોસેસ રહેશે. બીજા રૂમમાં વેક્સિન અપાશે અને અન્ય રૂમમાં વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...