તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMTSના પાસ ધારકોને રાહત:કોરોનાના કારણે સિટી બસો બંધ રહેતા પાસનો ઉપયોગ ન કરી શકનારા પાસ ધારકોને AMTS પાસની મુદત વધારી આપશે

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
AMTS બસની ફાઈલ તસવીર - Divya Bhaskar
AMTS બસની ફાઈલ તસવીર
  • શહેરમાં 18 માર્ચથી 6 જૂન સુધી AMTSની બસ સેવા બંધ હતી.
  • બસો બંધ રહેતા પાસ ધારકો માસિક/ત્રિમાસિક પાસનો ઉપયોગ કરી શક્યા નહોતા.

શહેરમાં 82 દિવસો બાદ ગત સોમવારથી AMTS બસો ફરીથી શરૂ કરવામાં આવી છે. જેમાં 50 ટકા પેસેન્જરની કેપેસિટી સાથે સવારે 6 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી બસો દોડાવવામાં આવી રહી છે. જોકે સિટી બસમાં રોજ મુસાફરી કરનારા ઘણા લોકોએ માસિક, ત્રિમાસિક જેવા પાસ કઢાવ્યા હતા, અને બસો બંધ કરવામાં આવતા તેમને પાસનો લાભ નહોતો મળ્યો. એવામાં AMC અને AMTS દ્વારા આવા લોકોને પાસની મુદત વધારી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પાસની મુદત વધારી આપવામાં આવશે
શહેરમાં કોરોનાની બીજી લહેરના કારણે તારીખ 18 માર્ચથી 6 જૂન સુધી શહેરમાં સિટી બસ સેવાઓ બંધ હતી. આ સમય દરમિયાન બસમાં મુસાફરીને લગતા માસિક/ત્રિમાસિક પાસ ધારકોને બસ બંધ રહી તેટલા સમય દરમિયાન પાસનો ઉપયોગ ન કરી શક્યા નહોતા. એવામાં AMCની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ તથા ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન વલ્લભ પટેલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, પાસની બાકીની વેલિડિટી મુજબના દિવસની મુદત પાસમાં વધારી આપવામાં આવશે. આ માટેની પ્રક્રિયા 15 જૂનથી 24 જૂન દરમિયાન સવારે 8.30થી બપોરના 3 સુધી કરી આપવામાં આવશે.

પાસ કઈ કઈ જગ્યાએ બનાવી અપાશે?

  • રીટ્ઝ હોટલ (લાલ દરવાજા)
  • વાડજ ટર્મિનસ
  • સારંગપુર ટર્મિનસ
ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

બસો શરૂ થતા મુસાફરોનો સમય બચ્યો
​​​​​​​​​​​​​
​લાંબા સમય બાદ બસો શરૂ થતા પેસેન્જર દીપિકાબેને જણાવ્યું હતું કે, બસો બંધ હોવાથી ત્રણ રીક્ષા બદલી અને નોકરીના સ્થળે પહોંચવુ પડતું હતું. સમયનો બગાડ થતો હતો. જેના કારણે મોડું થતું હતું. આજથી બસો શરૂ થતાં રાહત થઈ છે. બસમાં મુસાફરો ઓછા હોય છે. જ્યારે રૂપલબેને જણાવ્યું હતું કે, બસમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ઓછા મુસાફરો હોય છે. રીક્ષામાં પેસેન્જરો વધુ હોય છે. બસ ચાલુ થવાના કારણે સમયસર ઘરે પહોંચી જવાય છે અને રીક્ષાના ભાડા અત્યારે મિડલ કલાસ લોકોને પોસાય તેમ નથી જેથી તેમાં રાહત મળશે.

આ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે

  • મુસાફરોને નક્કી કરેલા સ્ટેજની જ ટિકીટ આપવામાં આવશે
  • દરેક મુસાફરે માસ્ક ફરજીયાત પણે પહેરવાનું રહેશે
  • કોઈપણ કર્મચારી થૂંકતા કે માસ્ક વિના પકડાશે તો 200 રૂપિયા દંડ લેવાશે
  • કર્મચારીને ફરજ પર લેતા પહેલા થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે
  • બસની અંદર તથા બહારની બાજુએ દરરોજ સેનિટાઈઝેશન કરવાનું રહેશે

​​​​​​​AMCને કરોડો રૂપિયાની આવક ગુમાવવી પડી
અમદાવાદમાં નોકરિયાત, કોલેજ સ્ટુડન્ટ તેમજ ધંધાદારીઓ સૌથી વધુ AMTS અને BRTSનો ઉપયોગ કરે છે. સામાન્ય દિવસોમાં AMTSમાં અંદાજે 5 લાખ લોકો મુસાફરી કરતા હતા. જેથી તેની આવક રોજની 25 લાખની આસપાસ થતી હતી. કોરોના મહામારી શરૂ થતા મુસાફરોની સંખ્યામાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. જેથી દૈનિક માત્ર 3 લાખની આસપાસ લોકો સિટી બસનો ઉપયોગ કરતા હતા. AMTSને આશરે 12 કરોડ જ્યારે BRTSને 9 કરોડની આસપાસ નુકસાન થયું છે.