સોનાના નામે ઠગાઈ:અમદાવાદમાં 15 લાખમાં બે કિલો સોનુ આપવાનું કહી AMTSના ટાઈમ કિપર સાથે છેતરપિંડી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નિકોલ પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
નિકોલ પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
  • કાગળમાં નળીમાં લપેટી લિકવીડ આપ્યું પછી નષ્ટ થઈ ગયું હોવાથી સોનું નહી બને તેમ જણાવ્યું
  • નિકોલ પોલીસે ઠગ ટોળકીના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદના સિંગરવામાં રહેતા અને એએમટીએસના ટાઈમ કિપરને ચાર લોકોએ 15 લાખમાં બે કિલો સોનુ આપવાનું કહીને વિશ્વાસમાં કેળવ્યા અને એક સોનાનો ટુકડો આપ્યો હતો. જે 24 કેરેટ ગોલ્ડનો હોવાનું જણાવ્યું હતું. જેથી ટાઈમ કિપરને વિશ્વાસ આવ્યો હોવાથી તેઓ 15 લાખમાં સોનુ લેવા પહોંચ્યા ત્યારે ઠગોએ તેમને એક કાગળમાં નળીમાં લપેટી લિકવીડ આપી બે કલાક પછી આવવાનું કહ્યું હતુ. જોકે બે કલાક બાદ નળીનું લિકવીડ નષ્ટ થઈ ગયું હોવાનુ કહી પૈસા લઈ ઠગાઈ કરી હતી. જે અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચાર ઠગના સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સાથે કામ કરતા કર્મચારીએ ઠગો સાથે મુલાકાત કરાવી હતી
શહેરના છેવાડે આવેલા સિંગરવા ખાતે અમૃતભાઇ સોમાભાઇ દેસાઇ પરિવાર સાથે રહે છે અને મ્યુનિ. કોર્પોરેશના ટ્રાન્સપોર્ટ વિભાગમાં ટાઇમ કિપર તરીકે ફરજ બજાવે છે. એએમટીએસમાં તેમની સાથે સોમા દાનાભાઇ ખાંટ કામ કરતા હોવાથી અમૃતભાઇ તેમને વર્ષોથી ઓળખે છે. જુલાઇ 2020માં સોમાભાઇએ અમૃતભાઇને તેમના ઘરે બોલાવ્યા હતા અને કહ્યું હતું કે, મારા ગુરુજી રણજીત પન્નાભાઇ વણઝારા સોનુ બનાવે છે. તમારે સોનાની જરૂર હોય તો સસ્તા ભાવે બનાવી આપશે. જો મારા પર વિશ્વાસ ન હોય તો મારી સાથે ચાલો તમને મુલાકાત કરાવી દઉં. જેથી અમૃતભાઇ પંચમહાલના માતરીયા વ્યાસ ગામે ગયા હતા.

પહેલાં એક સોનાનો ટુકડો કાઢી આપ્યો હતો
સોમા ખાંટે તેમના ગુરુ રણજત તથા પ્રભાત વણઝારા સાથે મુલાકાત કરાવી હતી. તે સમયે ત્રણેએ ભેગા થઇ એક ભઠ્ઠી સળગાવી હતી અને તેમાંથી એક સોનાનો ટુકડો કાઢી અમૃતભાઇને ચેક કરવા માટે આપ્યો હતો અને કહ્યું હતું કે, ચેક કરાવી લેજો અને પછી અમારા ઉપર વિશ્વાસ બેસે તો તમે અમને 15 લાખ રૂપિયા આપજો અમે બે કિલો સોનુ બનાવી આપીશું. ત્યાંથી સોનુ લઇ અમૃતભાઇ તથા સોમા ખાંટ અમદાવાદ આવ્યા હતા અને માણેકચોક પહોંચ્યા હતા. જ્યાં સોનુ ચેક કરાવતા તે 24 કેરેટનું પ્યોર ગોલ્ડ હોવાનું સામે આવ્યું હતું. જેથી અમૃતભાઇને તેમની ઉપર વિશ્વાસ થયો હતો.

બે કિલો સોનુ માટે 15 લાખ રૂપિયા લીધા હતા
અમૃતભાઇ તેમના મોટા ભાઇ રાજુભાઇને કરી હતી. પછી રાજુભાઇ, સોમા ખાંટ અને અમૃતભાઇ ગુરુજી રણજીત વણઝારાના ઘરે 15 લાખ લઇ પહોંચી ગયા હતા. જ્યાં તેમણે બે કિલો સોનુ માટે 15 લાખ રૂપિયા માગ્યા હતા. જેથી 15 લાખ રૂપિયા અમૃતભાઇએ તેમને આપ્યા હતા. આ દરમિયાન રણજીત વણઝારાએ એક કાગળમાં પ્રવાહી ભરેલી બે નળીઓ લપેટી આપી હતી અને કહ્યું હતું કે, તમને બે કલાક પછી બોલાવીએ ત્યારે આવી જોજ પછી આપણે સોનુ બનાવીશ. બે કલાક પછી તેઓ ગયા ત્યારે રણજીતે જણાવ્યું હતું કે, આ નળીઓમાંથી લિકવીડ બહાર નિકળી ગયું છે તેથી હવે સોનુ નહીં બને પરંતુ કાગળમાં રહેલા લિકવીડ અમે ફાર્મસીમાં લઇ જઇએ તો 50 ટકા વળતર મળશે તેમ કહ્યું હતું.

બીજા લોકો પણ ભોગ બન્યા હોવાની જાણ થતા ફરિયાદ નોંધાવી
અમૃતભાઇને તેમની પર વિશ્વાસ થયો હતો. પછી રણજીત અને પ્રભાતે અમૃતભાઇને જણાવ્યું હતું કે, અમે ફાર્મશી કંપનીમાં ચેક કરાવતા લિકવીડ નષ્ટ થઇ ગયું છે. બીજા 7.50 લાખ તૈયાર રાખો તો નવું લિકવીડ લાવી તમને સોનું બનાવી આપીશું. જો કે, તે સમયે પૈસાની સગવડ ન હોવાથી તેમણે પૈસા આપ્યા ન હતા. જોકે, 12 ઓક્ટોબરના રોજ તેઓ પ્રભાતના ત્યાં ગયા હતા. ત્યારે તેમને બીજા લોકો પણ આ રીતે ભોગ બન્યા હોવાની જાણ થઇ હતી. જેથી આ મામલે અમૃતભાઇએ નિકોલ પોલીસ મથકમાં સોમા ખાંટ, રણજીત વણઝારા, પ્રભાત વણઝારા સહિતના સામે ઠગાઇની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.