કેફી પીણું પી ડ્રાઈવિંગ!:AMTSના રૂટ 49ના ડ્રાઈવરે દારૂ પી બસ ચલાવતાં સસ્પેન્ડ, ઓપરેટરને હેવી પેનલ્ટી કરાશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS બસના મુસાફરો બેફામ ડ્રાઇવિંગ અને નશો કરી અને ડ્રાઇવ કરતા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આજે 49 નંબરની આદિનાથનગરથી ઘુમા ગામની AMTS બસનો ડ્રાઇવર દારૂ પી અને ડ્રાઇવ કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ખાનગી ઓપરેટર દ્વારા ચલાવતી AMTSની મુસાફરો ભરેલી બસ ડ્રાઇવર દારૂ પી અને ચલાવતો હતો અને લોકોના ધ્યાને આવતા જમાલપુર સીએનજી પમ્પ પાસે બસ રોકી અને ડ્રાઇવરને નીચે ઉતારી લોકોએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો.

ખાનગી ઓપરેટર બસનું સંચાલન કરે છે
AMTS કમિટીના ચેરમેન વલ્લભ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ મામલે હું તપાસ કરાવી લઉં છું જ્યારે ટ્રાન્સપોર્ટ મેનેજર આર એલ પાંડેએ જણાવ્યું હતું કે આજે રૂટ નં 49 બસ નં ABP. 8ના પ્રાઈવેટ ડ્રાઈવર અંકિત કુમાર અશોક કુમાર ઉપાધ્યાય બેઝ નં 0057 ચાલુ ફરજે નશાકારક હાલતમાં ડ્રાઈવિંગ કરતા પકડાયા છે. તેઓની ઉપર કાયદેસર પોલીસ ફરિયાદની કાર્યવાહી ચાલુ છે. આ બસના પ્રાઈવેટ ઓપરેટરને હેવી પેનલ્ટી કરવામાં આવશે તેમજ ઉપરોક્ત પ્રાઈવેટ ડ્રાઈવર ને કાયમી ધોરણે ફરજ પરથી મોકૂફ કરવાની કાર્યવાહી ચાલુ છે. આદિનાથ બલ્ક કેરિયર પ્રાઇવેટ લિમિટેડ નામના ખાનગી ઓપરેટરની આ બસનો ડ્રાઇવર હતો.

વીડિયો વાઈરલ કરીને કાર્યવાહીની માગ
સોશિયલ મીડિયામાં આજે એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં AMTSની 49 નંબરની આદિનાથનગરથી ઘુમા ગામ રૂટની ABP 8 નંબરની બસનો ડ્રાઇવર 50 થી 60 જેટલા પેસેન્જર ભરેલી બસ લઈને નીકળ્યો હતો અને ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં હતો. જમાલપુર ઊંટવાળી ચાલી નજીક સીએનજી પંપ પાસે જ્યારે બસ પહોંચી ત્યારે લોકોને ખબર પડી હતી કે ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં છે. જેથી બસ ત્યાં જ રોકાવી દેવામાં આવી હતી. લોકોએ આ બાબતનો વીડિયો ઉતારી અને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો કે AMTS બસના ડ્રાઇવર દારૂ પી અને બસ ચલાવે છે. જેથી આવા વ્યક્તિને નોકરીમાંથી બરખાસ્ત કરવા માટે જનકભાઈને વિનંતી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...