વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ:AMTS પર 3870 કરોડનું દેવું, નવી 100 ઈલેક્ટ્રીક બસો ખરીદવામાં આવશે

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કમિટી (AMTS)નું વર્ષ 2023-24નું રૂ. 567 કરોડનું ડ્રાફ્ટ બજેટ આજે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહે રજુ કર્યું હતું. જેમાં મુખ્ય ખર્ચા 559 કરોડના છે. 57 ટકા ખર્ચ પગાર પાછળ થાય છે. AMTSમાં કુલ 2009 કર્મચારી હતા જેમાંથી 961 કર્મચારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પરત મૂકવામાં આવ્યા છે જેથી તેટલા કર્મચારીઓનો પગાર કરવો નહીં પડે અને AMTS પર ઓછો બોજો પડશે. આગામી વર્ષે શહેરમાં નવી 100 ઈલેક્ટ્રીક બસ ખાનગી ઓપરેટરો દ્વારા ખરીદવામાં આવશે અને તેઓ બસ ઓપરેટ કરશે. આગામી વર્ષે પ્રથમ 6 મહિનામાં જાહેર રજા સિવાયના દિવોસમાં 706 બસો રોડ અને પછીના 6 મહિનામાં 802 બસો રોડ પર મૂકવાનું આયોજન છે. આમ, શહેરમાં સરેરાશ 754 બસ દોડાવાશે. AMTS પર દર વર્ષે દેવું વધી રહ્યું છે અને ચાલુ વર્ષે 3,870 કરોડ દેવું પહોંચ્યું છે.

AMTS દ્વારા આગામી વર્ષનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું
AMTS મેનેજર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહે આગામી વર્ષનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરતાં જણાવ્યું કે, AMTSના વર્ષ 2023-24ના બજેટમાં પગાર, પેન્શન અને એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચ પાછળ 319 કરોડ, જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી 398 કરોડની લોન લેવામાં આવશે. રાજ્ય સરકાર પાસેથી 57.54 કરોડની ગ્રાન્ટ અને ઔડા પાસેથી 10 કરોડની ગ્રાન્ટ મેળવાશે. 300 મીડી ડેકોરેટિવ બસ શેલ્ટરમાંથી 2 કરોડની જાહેરખબરની આવક મેળવવા તેમજ બસ ટર્મિનસ અને ડેપોમાં એટ્રી અને એક્ઝીટ ગેટ પર ગેન્ટ્રી ઉભી કરીને 1 કરોડની ગ્રાન્ટ મેળવવામાં આવશે.

સૌથી વધારે પગાર અને પેન્શન પાછળ ખર્ચ
AMTSની બસનો પ્રતિ કિલોમીટર ખર્ચ કર્મચારી સાથે રૂપિયા 118 થાય છે. જ્યારે ખાલી બસનો ખર્ચ 45.50 રૂપિયા પડે છે. સૌથી વધારે પગાર અને પેન્શન પાછળ ખર્ચ થાય છે. નવરંગપુરા બસ ટર્મિનસ ખાતે પ્રવાસીઓ માટે સારી સગવડ ધરાવતું બસ ટર્મિનલ ઉભું કરાશે અને PPP ધોરણે ઈલેક્ટ્રીક ચાર્જીંગ સ્ટેશન તૈયાર કરાશે. લાલ દરવાજાના મુખ્ય બસ ટર્મિનસને હેરિટેજ લુક આપવા સહિતના નવીનીકરણની કામગીરી માર્ચના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. મેમનગર બસ ટર્મિનસમાં RCCના રોડ બનાવવા સહિત નવીનીકરણની કામગીરી પૂરી કરાશે. ચાંદખેડામાં સારથી બંગલોઝ નજીક નવું બસ ટર્મિનસ બનાવાશે. શહેરના વિવિધ વિસ્તારોમાં ડેકોરેટિવ બસ શેલ્ટર તૈયાર ક૨વા માટે 35 કોર્પોરેટરોએ રજુઆતો કરી છે.

અન્ય સમાચારો પણ છે...