મોટો ફટકો:70 દિવસથી AMTS-BRTS બંધ રહેતાં AMCએ કરોડોની આવક ગુમાવી, ડ્રાઇવર્સ-કંડકટર્સની રોજગારી છીનવાઈ

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • AMTSને આશરે 12 કરોડ જ્યારે BRTSને 9 કરોડની આસપાસ નુકસાન
  • AMC દ્વારા કોરોનાની સ્થિતિ કાબુમાં ન આવે ત્યાં સુધી બસો બંધ રાખવાનો નિર્ણય

રાજ્યમાં ધીરે-ધીરે કોરોનાની સ્થિતિ કાબુમાં આવતા સરકાર દ્વારા તમામ વેપાર ધંધા ચાલુ કરાવવામાં આવ્યા છે. પરંતુ અમદાવાદની AMTS અને BRTS સિટી સેવા અંદાજે 2 મહિનાથી વધુ સમયથી બંધ રહેતા આવકમાં મોટી અસર જોવા મળી છે. 70 દિવસમાં AMTSને આશરે 12 કરોડ જ્યારે BRTSને 9 કરોડની આસપાસ નુકસાન થયું છે. સાથે જ કોન્ટ્રાક્ટ પર કામ કરતા ડ્રાઇવર્સ-કંડકટર્સની પણ રોજગારી બંધ પડી ગઈ છે.

70 દિવસથી AMTS અને BRTS બસ બંધ
અમદાવાદમાં સંક્રમણને ધ્યાનમાં રાખીને અંદાજે 70 દિવસથી AMTS અને BRTS બસ બંધ છે. જેના કારણે સામાન્ય દિવસોમાં રોજની 25 લાખની આસપાસ કમાણી કરતી સિટી બસો આજે મોટો ફટકો પડી રહ્યો છે. તાજેતરમાં જ સિટી બસ સેવા ફરી ચાલુ કરાવવા માટે માગ કરવામાં આવી હતી. પરંતુ AMC દ્વારા જ્યાં સુધી કોરોનાની સ્થિતિ કાબુમાં ન આવે ત્યાં સુધી બસો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

AMCને કરોડો રૂપિયાની આવક ગુમાવવી પડી
અમદાવાદમાં નોકરિયાત, કોલેજ સ્ટુડન્ટ તેમજ ધંધાદારીઓ સૌથી વધુ AMTS અને BRTSનો ઉપયોગ કરે છે. સામાન્ય દિવસોમાં AMTSમાં અંદાજે 5 લાખ લોકો મુસાફરી કરતા હતા. જેથી તેની આવક રોજની 25 લાખની આસપાસ થતી હતી. કોરોના મહામારી શરૂ થતા મુસાફરોની સંખ્યામાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. જેથી દૈનિક માત્ર 3 લાખની આસપાસ લોકો સિટી બસનો ઉપયોગ કરતા હતા. ત્યારે છેલ્લા 70 દિવસમાંથી સિટી બસ સેવા સંપૂર્ણપણે બંધ છે. જેના કારણે AMCને કરોડો રૂપિયાની આવક ગુમાવવી પડી છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(AMTS) ડો. આર્જવ શાહે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે AMTS બસ સેવા શરૂ કરવા મામલે કોઇ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. બેઠકમાં ચર્ચા થઈ હતી પરંતુ ક્યારથી શરૂ કરવી તે નક્કી નથી. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (BRTS) વિશાલ ખનામાએ જણાવ્યું હતું કે BRTS સેવા હાલમાં શરૂ નહીં થાય. બસ સેવા ચાલુ કરવામાં આવશે તેવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. કમિશનર સાહેબ સાથે મીટીંગ અને તેમના નિર્ણય બાદ જાહેરાત કરવામાં આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...