કોરોના સંક્રમણ:AMTS-BRTS બસ, બગીચા અને AMCની તમામ બિલ્ડિંગમાં કોવિડ વેક્સિનેશન સર્ટી ફરજિયાત કરાતા ક્યાંક ઘર્ષણ તો ક્યાંક ચેકિંગ જ નહીં

અમદાવાદ2 મહિનો પહેલા
એએમટીએસ બસમાં કોઈ ચેકિંગ નહીં જ્યારે ગાર્ડનમાં ચેકિંગ થયું
  • શહેરમાં 9 લાખ લોકોને બીજો ડોઝ લેવાની સમય મર્યાદા પૂરી થઈ પણ બીજો ડોઝ લીધો નથી
  • તમામ અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હૉલ, શાળાઓ, સ્લમ વિસ્તારમાં વેક્સિનેશનની કામગીરી ચાલુ

દિવાળીના તહેવારો બાદ કેસો વધતા મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ સક્રિય બની ગયું છે. આજથી AMTS , BRTS, બગીચા અને કોર્પોરેશનની તમામ બિલ્ડિંગ-જગ્યામાં પ્રવેશ પહેલા કોવિડ વેક્સિનેશનના સર્ટિફિકેટ તપાસવાની શરૂઆત કરવામાં આવી છે. જો કે આ નિયમનો ક્યાંય પૂરતો અમલ થતો જણાતો નથી. AMTSમાં મોટાભાગે ક્યાંય ચેકિંગ જોવા મળતું નથી. વાડજ બસ સ્ટેન્ડ પર કે બસમાં બેસનાર કોઈપણનું વેક્સિન સર્ટિફિકેટ માગવામાં આવ્યું ન હતું. બસમાં લોકો બેસી અને ઉતરી જતા હતા. જ્યારે કેટલાક BRTS બસ સ્ટેન્ડ પર પણ બપોરના સમયે કોઈ ચેકિંગ હતું નહીં. જ્યારે મોર્નિંગ વોક કરનારે ગાર્ડન વિભાગના અધિકારીઓ સાથે સર્ટિફિકેટ બાબતે ઘર્ષણમાં ઉતરતા દેખાયા હતા.

લોકો અને ગાર્ડન અધિકારીઓ વચ્ચે બોલાચાલી
કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સિનેશનના બંને ડોઝ લેવા જરૂરી છે. પરંતુ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ 9 લાખ લોકોને બીજો ડોઝ લેવાની સમય મર્યાદા થઈ ચૂકી છે. છતાં હજી બીજો ડોઝ લીધો નથી. ત્યારે ગાર્ડન વિભાગની ટીમો ગાર્ડન પર પહોંચી ગઈ હતી અને મોર્નિંગ વોક માટે આવેલા લોકો પાસે વેક્સિનેશન સર્ટિફિકેટ માગ્યું હતું. જો કે કેટલાક સ્થળોએ લોકો સર્ટિફિકેટ બતાવતા ન હતા. જેના કારણે અધિકારીઓ સાથે લોકો બોલાચાલી કરવા લાગ્યા હતા. વેક્સિન સર્ટિફિકેટ ચેક કરવા માટે શું છે એમ કહી અને અધિકારીઓ સાથે ચડભડ પર ઉતરી આવ્યા હતા.

ગાર્ડન વિભાગના અધિકારીઓ મોર્નિંગ વોક કરનાર પાસે સર્ટિફિકેટ માગતા રકઝક થઈ
ગાર્ડન વિભાગના અધિકારીઓ મોર્નિંગ વોક કરનાર પાસે સર્ટિફિકેટ માગતા રકઝક થઈ

એક મહિના પહેલા નિર્ણય લેવાયો હતો પરંતુ અમલ ન હતો
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિયમ એક મહિના પહેલા લેવાયો હતો પરંતુ બે દિવસમાં જ આ નિયમોને ખુદ કોર્પોરેશન ઘોળીને પી ગયું હતું અને ક્યાંય ચેકિંગ કરાતું ન હતું. ફરી એકવાર આ નિયમ લાવ્યા છે. જેનો મોટાભાગે ક્યાંય અમલ જોવા મળતો નથી હવે આ નિયમ કેટલા દિવસ ચેકિંગ થશે તેના પર સવાલ છે.

આજે 12 નવેમ્બરથી અમદાવાદમાં જાહેર સ્થળે અને બસોમાં વેક્સિન સર્ટી ફરજિયાત
12 નવેમ્બરથી વેક્સિનેશન માટે લાયકાત ધરાવતા 18 વર્ષથી વધુ ઉંમરના જે લોકોએ પ્રથમ ડોઝ લીધેલ ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય છે. તેમ છતાં પણ બીજો ડોઝ ન લીધો હોય તેવા વ્યકિતઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યરત AMTS, BRTS, કાંકરિયા લેકફ્રન્ટ, કાંકરિયા ઝૂ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઇબ્રેરી, જિમખાના, સ્વિમિંગ પુલ, એ.એમ.સી.સ્પોર્ટ્સ કોમ્લેક્સ, સિટી સિવિક સેન્ટર અને કોર્પોરેશનની તમામ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા કોવિડ વેક્સિનેશનના સર્ટિફિકેટ તપાસવામાં આવશે તેવી જાહેરાત કોર્પોરેશનના આરોગ્ય વિભાગે કરી છે.

એએમટીએસ બસમાં મુસાફરોના પાસે કોઈ જવાબદાર વ્યક્તિ દ્વારા સર્ફિકિકેટ ચેક ન કરાયા
એએમટીએસ બસમાં મુસાફરોના પાસે કોઈ જવાબદાર વ્યક્તિ દ્વારા સર્ફિકિકેટ ચેક ન કરાયા

અમદાવાદ શહેરમાં કુલ 73,84,693 ડોઝ અપાયા
ગુજરાત રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં કોરોનાથી રક્ષણ મળે તે માટે વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ 73,84,693 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 46,91,647 લોકોને પ્રથમ ડોઝ અને 26,93,046 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ લોકોને વેક્સિન મળી રહે તે માટે તમામ અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હૉલ, શાળાઓમાં, સ્લમ વિસ્તારમાં જઈને વેક્સિનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...