આંશિક લૉકડાઉનની તૈયારી:અમદાવાદમાં AMTS, BRTS બસ સેવા, બગીચા, જિમ, ગેમ ઝોન અને સ્પોર્ટ્સ ક્લબ ગુરુવારથી અચોક્કસ મુદત માટે બંધ

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
AMTS બસની ફાઈલ તસવીર. - Divya Bhaskar
AMTS બસની ફાઈલ તસવીર.
  • ભાસ્કર અપીલ: આ માત્ર તકેદારીનાં પગલાં છે, જીવનજરૂરી ચીજો ખરીદવા ધસારો કરશો નહીં
  • મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આજે કેસની સંખ્યા અમદાવાદમાં 270ને પાર થઈ છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલ એટલે કે ગુરુવારે સવારથી જ તમામ AMTS અને BRTS બસો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એકપણ રૂટ પર AMTS અને BRTS બસ જ્યાં સુધી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે તેમજ ખાનગી અને સરકારી જિમ, ગેમ ઝોન, સ્પોર્ટ્સ કલબ વગેરે પણ ગુરુવારથી અચોક્કસ મુદત સુધી બંધ રહેશે

શહેરમાં 270થી વધુ કેસ નોંધાયા
એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલા અમદાવાદમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે અને એમાં પણ કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 271 નવા કેસ નોંધાયા અને 208 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેર વિસ્તારમાં એક દર્દીના મોત સાથે મૃત્યુઆંક 2,326 પર પહોંચ્યો છે. શહેરમાં 264 અને જિલ્લામાં 7 નવા કેસ નોંધાયા છે તેમજ શહેરમાં 205 અને જિલ્લામાં 3 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 65,363 થયો છે, જ્યારે 61,970 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

અમદાવાદ શહેરમાં 90 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન
મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. 60 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલી હતા. ત્યારે 35 નવા માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે અને 5 માઇક્રો કન્ટેન્મેન્ટ દૂર કરાતાં હવે કુલ 90 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલી બન્યા છે.

અમદાવાદમાં બાગ-બગીચા, કાંકરિયા તળાવ અને પ્રાણીસંગ્રહાલય બંધ
કોરોનાની બીજી લહેરની એન્ટ્રી વચ્ચે ચાર મહાનગરપાલિકામાં નાઈટ કર્ફ્યૂનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે. કોરોનાના કેસ બેકાબૂ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં કોરોનાના ખૌફને કારણે ગુરુવારથી શહેરના તમામ બાગ-બગીચા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદના કાંકરિયા લેક તેમજ ઝૂ પણ બંધ કરવામાં આવ્યાં છે. કોર્પોરેશનના 273 ગાર્ડન આજથી બંધ કરી દેવાયા છે, જેથી હવે મોર્નિંગ વૉક કરનાર પણ હેરાન થશે.

રાતના 10 પછી ખાણી-પીણીના સ્ટોલ બંધ
આ પહેલાં અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તારમાં રાતે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરાં, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો કે જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરાં બંધ રહેશે તેમજ શહેરમાં માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.

લૉ ગાર્ડન-વસ્ત્રાપુર કર્ણાવતી પગરખાં બજાર બંધ કરાવાયું
સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં થતું હોવાથી મ્યુનિ. ટીમે લૉ-ગાર્ડનનું કપડાંબજાર અને વસ્ત્રાપુરમાં માનસી સર્કલ પાસે આવેલા કર્ણાવતી પગરખાંબજારને બંધ કરાવી દીધું હતું. મ્યુનિ. 255 ટીમોએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતું.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે વિવિધ વિસ્તારમાં મોલ, મલ્ટિપ્લેક્સ, પાર્ટી પ્લોટમાં તપાસ કરી લોકોના સોશિયલ ડિસ્ટન્સ માસ્ક પહેરવા માટે સમજાવ્યા હતા. દરમિયાન રાત્રે લૉ ગાર્ડન ખાતે કાપડ સહિતની ચીજોના વેચાણ સ્થળે મોટી સંખ્યામાં નાગરિકોની ભીડ જોવા મળી હતી. એને ધ્યાનમાં લેતાં મ્યુનિ. તંત્ર દ્વારા આ જગ્યાઓ બંધ કરાવી હતી.

માનસી સર્કલ નજીક આવેલા કર્ણાવતી પગરખાંમાં પણ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી તેમજ કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન નહીં થતું હોવાનું જોવા મળ્યું હતું, જેથી એને પણ બંધ કરાવવામાં આવ્યું હતું. અગાઉ સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાથી મ્યુનિ.એ લૉ-ગાર્ડન, માણેકચોક, રાયપુર સહિતના ખાણીપીણી બજારમાં કાર્યવાહી કરી હતી.

ચાર મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ
રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે આજે 17 માર્ચ 2021થી ચાર મહાનગર- અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કર્ફ્યૂની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકારે આ ચારેય મહાનગરમાં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કર્ફ્યૂના સમયની અગાઉની વ્યવસ્થા, એટલે કે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યારે સરકારના નિર્ણયને પગલે ST દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે ચારેય શહેરમાં બસ રાતના 10 વાગ્યા બાદ પ્રવેશ નહિ કરે, જ્યારે રિંગ રોડથી બસ સિટીમાં નહીં પ્રવેશે અને સિટીમાં લઈ જવા માટે રિંગ રોડથી કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા કરશે.