નેતા કે બૂટલેગર!:અમદાવાદના અમરાઈવાડીમાં પોલીસે ભાજપના યુવા નેતાને 24 પેટી દારૂ સાથે ઝડપ્યો, 2 સાથીદારો પણ ગિરફ્તમાં

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
દલપત પરમાર નામના યુવા નેતાની પોલીસે ધરપકડ કરી છે - Divya Bhaskar
દલપત પરમાર નામના યુવા નેતાની પોલીસે ધરપકડ કરી છે
  • પોલીસે આરોપી પાસેથી 24 પેટી દારૂ, મોબાઇલ ફોન અને એક દ્વીચક્રીય વાહન કબ્જે કર્યું
  • પકડાયેલા ત્રણ પૈકી દલપત પરમાર ભાજપના યુવા મોર્ચાનો નેતા હોવાનું બહાર આવ્યું

અમરાઈવાડી પોલીસે ભાજપના એક યુવા નેતાની ધરપકડ કરી છે. યુવા નેતાના અન્ય બે સાથી કાર્યકર્તાઓ પણ સાથે પકડાયા છે. તેમની પાસેથી 24 પેટી ઇંગ્લિશ દારૂ સાથે 3.28 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કરાયો છે. આ યુવા નેતાના ફોટા ગુજરાત ભાજપના સિનિયર નેતાઓ સાથે છે.

કડક દારૂબંધીની સરકારની સૂચના
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંધવી ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવામાં માને છે. તેઓ ગુજરાતનું યુવાધન નશાથી બરબાદ ન થઇ જાય તે માટે તેઓ સતત ચિંતા કરતા હોય છે અને અધિકારીઓને પણ કડક સૂચના આપી રાખી છે કે, દારૂ કે નશીલા પદાર્થ મુદ્દે કોઇનું પણ શેહ શરમ ન રાખવામાં આવે.

યુવા નેતા સ્થાનિક સ્તરે દારૂનો ધંધો કરતો
અમરાઇવાડી વોર્ડના ભાજપના યુવા મોર્ચાના યુવા નેતા નશાના કારોબાર સાથે જોડાયેલા છે. તેવો પોલીસનો આરોપ છે, પોલીસની એફઆઇઆર પ્રમાણે માનીએ તો દલપત પરમાર, દલપત ચાવડા, સંજય પરમારને બાતમીના આધારે પકડ્યો છે. જેઓ લોકલ સ્તરે ઇંગ્લિશ દારૂના ધંધો કરતા હતા. તેમની પાસેથી 24 પેટી દારૂ, મોબાઇલ ફોન અને એક દ્વીચક્રીય વાહન કબ્જે કરાયું છે. પકડાયેલા ત્રણ પૈકી દલપત પરમાર ભાજપના યુવા મોર્ચાનો નેતા હોવાનુ જાણવા મળે છે.

યુવા નેતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અન્ય નેતા સાથે તસવીરો
દલપત પરમારના સોશિયલ મીડિયા ફેસબુકની પ્રોફાઇલ જોઇએ તે તેમાં સ્પષ્ટપણે ભાજપ સાથે સકંળાયેલા હોવાનુ જોવા મળે છે. તેઓ ભાજપના સિનિયર નેતાઓ સાથે ફોટા જોવા મળે છે, જે બતાવે છે કે, તેમના આવા નેતાઓ સાથે અંગત ઘરોબો હોવાનું જણાય છે. ખાસ કરીને દલપત પરમારના ફેસબુક ઉપર ભાજપના ટોચના નેતાઓના પ્રચાર કરતા ફોટા મૂકાયા છે.

અન્ય રાજ્યમાંથી અમદાવાદ સુધી દારૂ પહોંચ્યો
ગુજરાતની તમામ સરહદો ઉપર પોલીસ ચાંપતો બંદોબસ્ત રાખે છે. અન્ય રાજ્યોમાંથી આવતા વાહનોની ચુસ્ત પણે તપાસ કરાતી હોય છે. ગુજરાતમાં દારૂની કોઇ ફેક્ટરી નથી. મતલબ એ થાય છે કે, આ દારૂ અન્ય રાજ્યોમાંથી આવે છે, અને સરહદ સંભાળવાની જે પોલીસ અધિકારીઓની આવે છે. દલપત પરમાર તો માત્ર મહોરું છે. તેની પાછળ અનેક મોટા માથાઓ હશે જેના ઇશારે દારૂ અમદાવાદ સુધી પહોંચ્યો. પણ સવાલ થાય છે કે દલપત પરમાર જેવા યુવા નેતાઓને દારૂ વેચવાની જરૂર કેમ પડે છે?

અન્ય સમાચારો પણ છે...