કરચોરી કર્યાની આશંકા:અમોલ શેઠનો 50થી 60 કરોડનો ગોટાળો; ભૂતકાળમાં અનિલ સ્ટાર્ચના માલિક અને AMCના અધિકારીઓની મિલીભગતથી મિલકતોની ઓછી આકારણી કરાયાનો ઘટસ્ફોટ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેક્સની ભૂલ ભરેલી આકારણી કરી કંપનીને ફાયદો કરાવી દેવાયો, જેના કારણે મ્યુનિ.ની તિજોરીને 2 કરોડથી વધુનું નુકસાન થયું હતું
  • ટેક્સ ઇન્સ્પેક્ટરે હેરાનગતિથી કંટાળી રાજીનામું આપ્યું હતું

અનિલ સ્ટાર્ચ લિમિટેડ કંપનીના ચેરમેન અને સંચાલક અમોલ શેઠે તેમના ભાગીદારો સાથે મળી 800થી વધુ લોકો સાથે છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે, પરંતુ જો અનિલ સ્ટાર્ચની મિલકતોની આકારણી મામલે તપાસ કરવામાં આવે તો તેમની પાસેથી 50થી 60 કરોડનો ટેક્સ લેવો પડે તેમ છે. ભૂતકાળમાં અમદાવાદ મ્યુનિ.ના ટેક્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓની મિલીભગતથી અનિલ સ્ટાર્ચની મિલકતોની છ વખત આકારણી કરી ટેક્સ ઓછો કરી દેવાયો હોવાની વિગતો સાંપડી છે.

આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, જે તે સમયે અનિલ સ્ટાર્ચ લિમિટેડની ટેક્સની આકારણી કરવાની હતી ત્યારે ઉત્તર ઝોનમાં પ્રોપર્ટી ટેક્સ ખાતાના જવાબદાર અધિકારીઓએ નવી ફોર્મ્યૂલાના ફેક્ટરો અને નીતિનિયમ મુજબ પ્રોપર્ટી ટેક્સની આકારણી કરવાની થતી હતી. આ સમયે જે તે સમયે છ વાર આકારણી કરીને મિલકતધારકોને ફાયદો થાય તેમ મનફાવે તે રીતે મિલકતના ક્ષેત્રફળનું અર્થઘટન કરીને ટેક્સની ભૂલ ભરેલી આકારણી કરી અનિલ સ્ટાર્ચને ફાયદો કરાવી દેવાયો હતો, જેના કારણે મ્યુનિ.ની તિજોરીને પર બે કરોડથી વધુ રકમના ટેક્સનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આ બાબતે મ્યુનિ.ના ભૂતપૂર્વ ટેક્સ ઇન્સ્પેક્ટર પૂનમચંદ પરમારે 2 નવેમ્બર, 2018ના રોજ કમિશનરને અરજી કરી આ મામલે તપાસની માગણી કરી હતી.

આ અંગે પૂનમચંદ પરમારે જણાવ્યું હતું કે, મેં જે તે સમયે અનિલ સ્ટાર્ચની મિલકતની આકારણી કરવા માટે તજવીજ હાથ ધરી હતી ત્યારે કંપનીના માણસો દ્વારા મને પ્રલોભન આપી કામ અટકાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે મેં તે સમયે પાછીપાની નહીં કરી ઉચ્ચ કક્ષાએથી મંજૂરી મેળવી અનિલ સ્ટાર્ચની આકારણી કરવાના મારા નિર્ણય પર અડગ રહેતા અનિલ સ્ટાર્ચના સંચાલકો દ્વારા 15 દિવસનો સમય માગવામાં આવ્યો હતો ત્યાર બાદ તેમણે અમને મિલકતની આકારણી કરવા દીધી હતી. જોકે અમારી આકારણી બાદ કોર્પોરેશનના અમુક અધિકારીઓના મેળાપીપણાંમાં ફરી આકારણી કરીને અનિલ સ્ટાર્ચની ઓછી આકારણી કરી દેવાઈ હતી. આજના સમયે જો આ આકારણીની રકમની ગણતરી કરવામાં આવે તો અનિલ સ્ટાર્ચની મિલકતો પેટે તેમની પાસેથી 50થી 60 કરોડનો ટેક્સ વસૂલવો પડે તેમ છે.’

અનિલ ટ્રેડકોમ લિમિટેડના માલિક અમોલ શ્રીપાલભાઈ શેઠે અત્યાર સુધીમાં કેટલા લોકો પાસેથી પૈસા લીધા અને તેનું શું કર્યું તે જાણવા માટે ક્રાઈમ બ્રાંચે શરૂ કરેલી તપાસમાં આરોપી સામે મજબૂત પુરાવા એકત્ર કરવા માટે કંપનીના દસ્તાવેજોનું ફોરેન્સિક ઓડિટ કરવામાં આવનાર હોવાનું ક્રાઈમ બ્રાંચના સૂત્રોમાંથી જાણવા મળે છે. તેમણે અલગ અલગ રાજ્યોના ખેડૂતો પાસેથી મકાઈ મગાવી પૈસા નહીં ચૂકવી તેમનાં નાણાં ડૂબાડ્યાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આકારણી કરી તો 2 ઇન્ક્રિમેન્ટ અટકાવ્યાં
ભૂતપૂર્વ ટેક્સ ઇન્સ્પેક્ટર પૂનમચંદ પરમારે જે તે સમયે અનિલ સ્ટાર્ચની મિલકતની સાચી આકારણી કરવા માટે કમર કસી ઉચ્ચ કક્ષાએથી મંજૂરી મેળવી આકારણી તો કરાવી હતી. પૂનમચંદ પરમારની આકારણી બાદ વિજિલન્સે ટેક્સ ઘટાડી દીધો હતો અને તેમનાં બે ઇન્ક્રિમેન્ટ રોકી દેવાયાં હતાં. આ સંજોગોમાં કંટાળીને તેમણે નોકરીમાંથી રાજીનામંુ આપી દીધું હતું.

અમોલ શેઠને 2 દિવસના રિમાન્ડ મળ્યા
અનિલ સ્ટાર્ચના માલિક અમોલ શેઠ સામે કરોડો ઉઘરાવી છેતરપિંડી આચરવાની ફરિયાદ નોંધાયા બાદ વધુ એક ફરિયાદ ક્રાઇમ બ્રાંચમાં નોંધાઈ હતી. આ કેસમાં શનિવારે ક્રાઈમ બ્રાંચે અમોલ શેઠને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જેમાં બંને પક્ષોની દલીલોના અંતે કોર્ટે અમોલ શેઠને બે દિવસના પોલીસ રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યો હતો.

1.55 કરોડથી વધુ રોકાણ લઈ ઠગાઈ કરી
ક્રાઈમ બ્રાંચમાં અમોલ શેઠ સામે થયેલી બીજી ફરિયાદની તપાસ કરતા અમોલ શેઠ અને તેમના ભાગીદારોએ આ કેસમાં 1,55,86,294નું લોકો પાસેથી રોકાણ કરાવીને તે મૂડી તથા તેનંુ વળતર નહીં આપીને ગુનો કર્યો હોવાનંુ બહાર આવ્યંુ હતું. નોંધનીય છે કે આ સિવાય તેમની સામે અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 9 ગુના દાખલ થયા છે.

અન્ય સમાચારો પણ છે...