રથયાત્રાની તૈયારી:અમદાવાદમાં જગન્નાથ મંદિર પોલીસ-છાવણીમાં ફેરવાયું, ગૃહમંત્રી, ડીજીપીએ સમગ્ર રૂટની સમીક્ષા કરી, દરિયાપુરમાં ફૂટ માર્ચ કરી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રદીપસિંહે પ્રેમ દરવાજાથી દરિયાપુર સુધી રથયાત્રા રૂટ પર ફૂટ માર્ચ કરી હતી. - Divya Bhaskar
પ્રદીપસિંહે પ્રેમ દરવાજાથી દરિયાપુર સુધી રથયાત્રા રૂટ પર ફૂટ માર્ચ કરી હતી.
  • પ્રદીપસિંહ જાડેજાએ પ્રેમ દરવાજાથી દરિયાપુર પોલીસ સ્ટેશન સુધી રૂટ પર ફૂટ માર્ચ કરી
  • સરસપુર રણછોડજી મંદિરમાં પહોંચી ગૃહમંત્રીએ ભગવાનનાં દર્શન કર્યા હતા

અમદાવાદમાં રથયાત્રા યોજવાની સરકારે મંજૂરી આપી છે. આ અંગે ગઈકાલે જ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી હતી. રથયાત્રા પહેલાં જગન્નાથ મંદિર હાલમાં પોલીસ-છાવણીમાં ફેરવાઈ ગયું છે. આજે પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ-કોન્ફરન્સ યોજીને રથયાત્રાના આયોજન વિશે વધુ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સવારે 7 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મંગળા આરતી અને 7 વાગ્યે મુખ્યમંત્રી પહિંદવિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. પોલીસવડા આશિષ ભાટિયા, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, તમામ ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓએ મળી 50 ગાડીના કાફલા સાથે રૂટ પર નિરીક્ષણ કર્યું.

જમાલપુર મંદિરમાં રથયાત્રાની તૈયારીની સમીક્ષા.
જમાલપુર મંદિરમાં રથયાત્રાની તૈયારીની સમીક્ષા.

ગૃહમંત્રીએ જાતે સરસપુર સુધીના રૂટની સમીક્ષા કરી
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ડીજીપી આશિષ ભાટિયા અને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના અધિકારીઓએ સરસપુર ખાતે રણછોડજી મંદિરમાં દર્શન કરીને રૂટનું નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિક આગેવાનો સાથે પણ રથયાત્રા મામલે ચર્ચા કરી પ્રેમદરવાજા અને દરિયાપુર પહોંચ્યા છે. અહીંથી તેમણે મોસાળ સરસપુરમાં પણ રણછોડજી મંદિરમાં દર્શન કરીને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.

ગૃહમંત્રીએ સરસપુર મંદિરમાં રણછોડજીનાં દર્શન કર્યા.
ગૃહમંત્રીએ સરસપુર મંદિરમાં રણછોડજીનાં દર્શન કર્યા.

20 ખલાસી એક રથ સાથે હશે
આ પહેલાં ગૃહમંત્રીએ શુક્રવારે સવારે પ્રેસ-કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે,'ભૂતકાળમાં ન થઈ હોય તેવી આ વર્ષે પરિસ્થિતિ થતાં મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે ચર્ચા કરી નવી વ્યવસ્થા વચ્ચે રથયાત્રા યોજાશે. જગન્નાથજીના રથ, મહંત અને ટ્રસ્ટીઓ અને પાંચ વાહન તેમજ એક રથમાં 20 ખલાસી સાથે સરસપુર મોસાળમાં વિધિ પૂર્ણ કરી પરત ફરશે. તમામ ભક્તોને દર્શનનો લાભ મળશે. મહંત અને મુખ્યમંત્રી તેમજ અમારા દ્વારા અપીલ છે કે કોરોના વચ્ચે ગાઇડલાઇન્સનું પાલન કરી લાઈવ દર્શન લોકો કરે. તેમણે વધુમાં કહ્યું હતું કે આજે સમગ્ર વ્યવસ્થાના ભાગરૂપે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી, મહંત દિલીપદાસજી સાથે ડીજીપી આશિષ ભાટિયા સહિત અધિકારીઓ સાથે ચર્ચા કરી છે અને સંકલન કરવામાં આવી રહ્યું છે.

રથયાત્રા રૂટ પર સવારે 7થી 2 સુધી કર્ફ્યૂ
રાજ્ય સરકારે ગુરુવારે કરેલી જાહેરાત મુજબ, રથયાત્રાના માર્ગના તમામ વિસ્તારોમાં સવારે સાતથી બપોરે બે વાગ્યા સુધી ચૂસ્ત કર્ફ્યૂ રહેશે અને પાંચેક કલાકમાં રથ નિજમંદિરે પરત લાવી દેવાશે. આ દરમિયાન લોકોએ તો ભગવાનનાં દર્શન ટીવી અને મોબાઇલમાં જ કરવાં પડશે. રથયાત્રાના દિવસે અમદાવાદ શહેરના 19 કિ.મી. લાંબા રૂટ પર કર્ફ્યૂ રહેશે. સંક્રમણ વધે નહીં એ માટે પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ રહેશે.

12 જુલાઈએ સવારે 7 કલાકે રથયાત્રા પ્રસ્થાન કરશે.
12 જુલાઈએ સવારે 7 કલાકે રથયાત્રા પ્રસ્થાન કરશે.

ગુરુપૂર્ણિમા સુધી રથયાત્રાનો પ્રસાદ વહેંચાશે
જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા આજે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અલગ રીતે યોજાશે. મંદિર તરફથી અપીલ છે કે લોકો ઘરમાં બેસી રથયાત્રાનો લાભ લે. રથ નિયત કરેલા સમયમાં પરત આવશે. રસ્તામાં કોઈપણ પ્રસાદની વહેંચણી કરવામાં આવશે નહી. રથ નિજમંદિર પરત ફરશે. ત્યાર બાદ મંદિરમાં મગ, જાબું, ખીચડાનો પ્રસાદ આપવામાં આવશે. બપોરે ભગવાન રથમાં પરત આવે ત્યારે લોકો મંદિરમાં આવીને દર્શન કરી પ્રસાદનો લાભ લઇ શકશે. ગુરુપૂર્ણિમા સુધી રથયાત્રાનો મગનો પ્રસાદ વહેંચવામાં આવશે.

એક રથમાં 20 ખલાસી સાથે સરસપુર મોસાળમાં વિધિ પૂર્ણ કરી પરત ફરશે.
એક રથમાં 20 ખલાસી સાથે સરસપુર મોસાળમાં વિધિ પૂર્ણ કરી પરત ફરશે.