ઉમેદવારોના નામ માટે મેરેથોન મિટિંગ:દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટિની મિટિંગમાં 78 નામ પર મનોમંથન; અમિત શાહ આજે ભાજપના વધુ 58 ઉમેદવાર નક્કી કરશે

અમદાવાદએક મહિનો પહેલા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકીય ગરમાવો આવી ગયો છે. અત્યારસુધી ધીમી ગતિએ ચાલતી ઉમેદવારની પસંદગી, પ્રચાર સહિતની કામગીરીમાં વેગ આવ્યો છે. ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીપ્રક્રિયા બુલેટ ટ્રેનની સ્પીડે શરૂ થઈ ગઈ હતી. આમ આદમી પાર્ટીએ વધુ 10 ઉમેદવાર જાહેર કરતાં હવે કુલ 118 ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. બીજી બાજુ, ગઈકાલે અમિત શાહની હાજરીમાં ભાજપના 47 ઉમેદવાર અંગે મંથન થયું હતું. જ્યારે આજે વધુ 58 ઉમેદવારો અંગે મંથન થશે. એ ઉપરાંત કોંગ્રેસમાં હજી પણ મામલો ગૂંચવાયેલો છે. આજે દિલ્હીમાં સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં ગુજરાતના ઉમેદવારો અંગે મંથન થશે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનું પણ આયોજન થઈ રહ્યું છે, જ્યારે વડાપ્રધાન 6 નવેમ્બરે ગુજરાત આવી રહ્યા છે.

બીજી તરફ દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટિની મિટિંગ ચાલી રહી છે જેમાં ગુજરાતના 78 નામ પર મનોમંથન ચાલી રહ્યું છે. આગામી ચારેક દિવસમાં જ પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી શકે છે.

આજે ભાજપના 58 ઉમેદવાર અંગે ચર્ચાઓ થશે
ગુજરાત ભાજપ ચૂંટણી સમિતિની પહેલા દિવસની ચર્ચામાં 13 જિલ્લાની 47 બેઠકના ઉમેદવારો અંગે મંથન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અમિત શાહ, સી.આર. પાટીલ, CM ભૂપેન્દ્ર પટેલની બંધબારણે બેઠક પણ થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે બીજા દિવસે પણ પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠક મળશે, જેમાં 58 બેઠકની ઉમેદવારો માટે મંથન કરવામાં આવશે. ગાંધીનગરની 5, મહેસાણાની 7, અમરેલીની 5 બેઠક, બોટાદની 2 બેઠક, અમદાવાદમાં 5 બેઠક, ભાવનગરની 7, ખેડાની 6 બેઠક, જામનગરની 5 બેઠક પંચમહાલની 5, નવસારીની 4, ભરૂચની 5 બેઠક માટે ચર્ચા થશે.

ગાંધીનગર ખાતે કમલમમાં ગુજરાત ભાજપ ચૂંટણી સમિતિની બેઠક
ગાંધીનગર ખાતે કમલમમાં ગુજરાત ભાજપ ચૂંટણી સમિતિની બેઠક

રાહુલ ગાંધી નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાત આવશે
વડાપ્રધાન મોદીના સતત પ્રવાસોને લઈ કોંગ્રેસમાં રાહુલ ગાંધીના પ્રવાસો અંગે પણ અટકળો વહેતી થઈ હતી. ત્યારે હવે ભારત જોડો યાત્રામાંથી સમય કાઢી રાહુલ ગાંધી 3 દિવસ માટે ગુજરાત આવશે. રાહુલ ગાંધીના કાર્યક્રમને લઈને ગુજરાત કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે. તેઓ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાત આવીને ચારથી પાંચ સભાઓ ગજવી શકે એવું આયોજન કરવામાં આવ્યું હોવાનું કોંગ્રેસનાં સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. સૂત્રોના મતે રાહુલ ગાંધી મધ્ય ગુજરાતમાં સભાઓ સંબોધી શકે છે. એ ઉપરાંત પ્રિયંકા ગાંધી પણ ગુજરાત આવે એવી શક્યતા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 નવેમ્બરે ગુજરાત આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી 6 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ વલસાડ અને સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધશે. આ સિવાય તેઓ આ જ દિવસે ભાવનગરમાં સમૂહલગ્નના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. મોરબીની દુર્ઘટના બાદ PM મોદીએ મુલાકાત લઇને અસરગ્રસ્તોને સાંત્વના આપી હતી. ચૂંટણી જાહેરાત બાદ પીએમ મોદીનો આ પહેલો ગુજરાત પ્રવાસ હશે, જેમાં તેઓ ભાવનગરમાં સમૂહલગ્નના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ સુરેન્દ્રનગર અને વલસાડમાં સભા સંબોધશે.

આપનો આજે મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર થશે.
આપનો આજે મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર થશે.

15 દિવસમાં 50 લાખ હિન્દુઓને VHPમાં જોડાશે
6 નવેમ્બરથી વિશ્વ હિન્દુ પરિષદનું હિતચિંતક અભિયાન શરૂ થશે. આ અભિયાનમાં ગુજરાતના 10 હજાર ગામડાઓમાં જઈને 50 લાખ હિન્દુઓને જોડવામાં આવશે. દર ત્રણ વર્ષે અભિયાન યોજાય છે. દેશભરમાં અભિયાન ચાલી રહ્યું છે.ત્યારે ગુજરાતમાં પણ આ અભિયાન ચાલુ થશે. વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય નેતા કૌશિક મહેતાએ જણાવ્યું હતું કે 2024માં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને 60 વર્ષ પૂરા થશે. ત્યારે 6 નવેમ્બરથી 20 નવેમ્બર સુધીના અવસર પર દેશભરમાં હિન્દુઓ સુધી પહોંચવા માટે વિશ્વ હિન્દુ પરિષદનું રાષ્ટ્રવ્યાપી હિત ચિંતક અભિયાન ચલાવશે.ગુજરાતભરમાં આ અભિયાન ચલાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદના 25,000 થી વધુ કાર્યકરો કામે લાગશે.

કોંગ્રેસના સાંસદ શક્તિસંહના ચૂંટણીપંચ અને ભાજપ પર શાબ્દિક પ્રહાર
કોંગ્રેસની પરિવર્તન સંકલ્પયાત્રા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાં પહોંચી હતી, જેમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ચૂંટણીપંચ તેમજ વડાપ્રધાન સહિત ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા તેમજ દાવો કર્યો હતો કે આગામી દિવસોમાં કોંગ્રેસની સરકાર બને તો લોકોનાં અધૂરાં કામ પૂરાં થશે. તેમણે જણાવ્યું હતું કે લોકો ભાજપની જોડતોડવાળી રાજનીતિમાંથી બહાર આવે એ જરૂરી છે. ભાજપ પોતાને ભરોસાની સરકાર કહે છે, પરંતુ આ ભરોસાની ભેંસે પાડો જણ્યો અને વિકાસની રાજનીતિ કરી છે, સાથે જ મતો માટે રાજનીતિ થાય, પરંતુ લોકોના મોત પર રાજનીતિ ન થવી જોઈએ.

જામનગરમાં કોંગ્રેસની પરિવર્તનયાત્રામાં સાંસદ શક્તિસિંહ ગોહિલ.
જામનગરમાં કોંગ્રેસની પરિવર્તનયાત્રામાં સાંસદ શક્તિસિંહ ગોહિલ.

ભાજપે 20 જિલ્લામાં રાષ્ટ્રીય નેતાઓને સોંપી મોટી જવાબદારી
વિધાનસભા ચૂંટણી માટે ભાજપની કવાયત તેજ થઈ ગઈ છે, જેમાં 20 જિલ્લામાં રાષ્ટ્રીય નેતાઓને આપી જવાબદારી સોંપવામાં આવી છે. એ માટે ભાજપે રાષ્ટ્રીય હોદ્દેદારો, સાંસદો, અન્ય રાજ્યોના મંત્રીઓને જવાબદારી સોંપી છે, જે અનુસંધાને શહેરી વિસ્તારો સિવાય તમામ જિલ્લાઓમાં નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. એ તમામ નેતાઓ જે-તે જિલ્લામાં ચૂંટણી સુધી હાજર રહેશે અને ચૂંટણી જીતનાં સમીકરણો રચશે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને બનાસકાંઠાની જવાબદારી સોંપાઈ છે. વિનોદ તાવડેને વડોદરાની જવાબદારી, સીટી રવિને આણંદની જવાબદારી સોંપાઈ છે. તરુણ ચુગને જામનગર જિલ્લો સોંપાયો તો સ્વતંત્રદેવ સિંહને કચ્છ જિલ્લાની જવાબદારી અપાઈ છે. ઈંદર પરમારને ખેડા જિલ્લો, અરવિંદ ભદોરિયાને ભરૂચ જિલ્લો સોંપાયો છે. નીતિન નવીનને સુરત જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...