બોટાદ જિલ્લાના જગવિખ્યાત સૌના આસ્થાના પ્રતીક એવા સાળંગપુર ધામના આંગણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ પહેલી વખત આજે 11 વાગ્યે કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનાં દર્શન તેમજ પૂજન કરવા આવશે. અમિત શાહ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં અંદાજે 30 મિનિટ સુધી રોકાશે. આ દરમિયાન ગૃહમંત્રી મંદિરમાં હનુમાનજીની વિશેષ પૂજા-અર્ચના કરશે. ત્યાર બાદ અમિત શાહ હનુમાનજીને વાઘા અને મુગટ અર્પણ કરીને ષોડશોપચાર પૂજન પણ કરશે. આ ઉપરાંત અમિત શાહ ધજાનું પણ પૂજન કરશે, જે હનુમાનજી મંદિર પર સંતો દ્વારા ચઢાવવામાં આવશે. મહત્ત્વનું છે કે અમિત શાહ જે વાઘા, મુગટ અને ધજા શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને અર્પણ કરશે એની એક્સક્લૂઝિવ તસવીર દિવ્ય ભાસ્કર સૌથી પહેલા તમને બતાવી રહ્યું છે.
અમિત શાહ દ્વારા કષ્ટભંજન દેવને જે વાઘા અર્પણ કરાશે એ જરદોશી ભરતના હેન્ડવર્કના વાઘા છે. આ વાઘા વૃંદાવનમાં તૈયાર કરાયા છે. મોરપીંછ ડિઝાઇન વિશેષ લુક આપીને બનાવવામાં આવ્યા છે. આ વાઘાનું કામ એક મહિનો ચાલ્યું હતું. વાઘામાં ઇમિટેશન ડાયમંડ લગાડવામાં આવ્યા છે. આ વાઘા અમિત શાહ આજે અર્પણ કરશે. એને બીજા દિવસે એટલે કે, મંગળવારે આ વાઘા દાદાને ચઢાવવામાં આવશે. જોકે ધજા આજે જ ચઢાવી દેવામાં આવશે.
સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગર દાસે જણાવ્યું હતું કે કષ્ટભંજન હનુમાનજી મહારાજ પર અમિત શાહ વિશેષ આસ્થા ધરાવે છે. તેમના ઘર, કાર્યાલયમાં પણ કષ્ટભંજન દાદાની મૂર્તિ રાખવામાં આવી છે. અમિત શાહ અવારનવાર દર્શન કરવા આવે છે અને વાઘા પણ અર્પણ કરે છે. ભારતના ગૃહમંત્રી બન્યા પછી પહેલીવાર અમિત શાહ દાદા સમક્ષ શીશ ઝુકાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.