તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અધિકારીઓ-ધારાસભ્યો સાથે બેઠક:ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ જિલ્લા-શહેરના કામોની સમીક્ષા કરી, ગાંધીનગર લોકસભા વિસ્તારોમાં રૂ.5443 કરોડના ખર્ચે 400 વિકાસ કાર્યો થશે

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિકાસ કાર્યોની સમીક્ષા કરી રહેલા અમિત શાહ - Divya Bhaskar
વિકાસ કાર્યોની સમીક્ષા કરી રહેલા અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે આજે(29 ઓગસ્ટ) તેમના મતવિસ્તારમાં સમાવિષ્ટ અમદાવાદ શહેર-જિલ્લાના કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં વિભિન્ન પ્રશ્નો વિશે વિગતવાર ચર્ચા-વિમર્શ કરી લોકોને સ્પર્શતા પ્રશ્નોનો ઝડપથી નિકાલ લાવવાની તાકીદ કરી મંત્રીએ જણાવ્યું હતું કે, શહેરના તળાવો વધુ આકર્ષક બને તે માટે કામો કરવા અનિવાર્ય છે.સાથે સાથે તેમણે શહેરના તળાવોમાં બારેમાસ પાણી રહે તેવું આયોજન કરવા માટે તાકીદ કરી હતી.

શહેરના 21 જેટલા તળાવોને વધુ આકર્ષક બનાવવા માટે અસરકારક નાંણાકીય આયોજન કરવા તેમજ તેમાં ગટર પાણી ન ભળે તેની તાકીદ કરી આ માટે તજજ્ઞનું માર્ગદર્શન મેળવી કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવા પણ સુચન કર્યું હતું.

લોકોનું ઘરનું ઘર બનાવવાનું સ્વપ્ન સાકાર થવું જોઈએ
શહેરી ગરીબો અને જરૂરિયાતમંદો માટે આવાસો એ સમયની માંગ છે ત્યારે હાઉસિંગ પોલીસીમાં ગરીબોને સત્વરે આવાસો મળે તે માટે તેમને પ્રાથમિકતા આપવા જણાવી અમિત શાહે કહ્યું કે, દરેક માનવીને પોતાનું ઘરનું ઘર બનાવવાનું સ્વપ્ન હોય છે એ સ્વપ્ન સાકાર થવું જોઈએ.

મ્યુનિ. કમિશનરે પ્રેઝન્ટેશન રજૂ કર્યું
મ્યુનિ. કમિશનરે પ્રેઝન્ટેશન રજૂ કર્યું

232 કામો પૂર્ણ, 168 કામોનું આયોજન
ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયેલા કામોની સમીક્ષામાં જણાવાયું હતું કે, વર્ષ 2019-20 તથા 2020-21માં રૂ. 768.20 કરોડના ખર્ચે પાણી, ડ્રેનેજ, હાઉસિંગ, રોડ, બ્રિજ, અંડરપાસ, બગીચા બનાવવા સહિત 232 જેટલા કામો પૂર્ણ થયા છે. જ્યારે વર્ષ 2021-22માં અંદાજે રૂ. 2873.44 કરોડના 186 કામો હાલ પ્રગતિમાં છે અને રૂ. 1801.68 કરોડના ખર્ચે વધુ 168 કામો આયોજન હેઠળ છે. આમ, ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ વિસ્તારોમાં કુલ મળીને રૂ. 5443.20 કરોડના ખર્ચે જન સુવિધાના કામો ઉભા કરાનાર છે.

ચાર વિધાનસભા વિસ્તારોમાં ચાલુ વર્ષે 3.44 લાખ વૃક્ષોનું વાવેતર
આ ઉપરાંત ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ નારણપુરા, સાબરમતી, ઘાટલોડીયા અને વેજલપુર વિધાનસભા વિસ્તારમાં રસીકરણ અંતર્ગત લગભગ 87 % લોકોને પ્રથમ ડોઝ અપાયો છે, તે અંગેનું પ્રેઝન્ટેશન પણ મ્યુનિ. કમિશનરે રજૂ કર્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં વૃક્ષારોપણનો ચિતાર આપતા જણાવવામાં આવ્યું હતું કે, ચાર વિધાનસભા વિસ્તારોમાં કુલ ચાલુ વર્ષે 3.44 લાખ વૃક્ષોનું વાવેતર કરાયું છે. અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાઈ રહેલા સ્પેશિયલ પ્રોજેક્ટમાં પણ વિશેષ રૂચિ દાખવી હતી.

આ તમામ કામો સમયમર્યાદામાં પુરા કરવા સૂચના આપી
તેમણે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, પલ્લવ-પ્રગતિનગર સ્પ્લીટ ફ્લાય ઓવર બ્રીજ, સિંધુ ભુવન પાસે નિર્માણાધિન મલ્ટીલેવલ પાર્કીંગ, જાસપૂર ખાતે બનતા 200 એમ.એલ.ડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સીમ્સ હોસ્પિટલ ફોર લેન ઓવરબ્રીજ, છારોડી તળાવ, બોપલ ઈકોલોજી પાર્ક જેવા પ્રોજેક્ટની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ તમામ કામો સમયમર્યાદામાં પુરા થાય તેવી અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં મહેસુલ મંત્રી અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા
આ બેઠકમાં મહેસુલ મંત્રી કૌશિક પટેલ, ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ, અરવિંદ પટેલ, કિશોર ચૌહાણ, અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, અગ્રણી ધર્મેન્દ્ર શાહ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર, સહિત અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...