તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેન્દ્રમાં ગુજરાત:ભાજપની મિશન 2022ની તૈયારી? અમિત શાહ આજે સવારે જ દિલ્હી રવાના થયા, હવે 16મી જુલાઈએ PM મોદી ગુજરાત આવશે

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતની ફાઈલ તસવીર. - Divya Bhaskar
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતની ફાઈલ તસવીર.
  • વડાપ્રધાન મોદી સાયન્સ સિટી અને ગાંધીનગરમાં નવા રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરશે
  • કોરોનાની બીજી ઘાતક લહેર બાદ ગુજરાતથી PM જાહેર મુલાકાતો અને પ્રવાસ શરૂ કરશે

આજે સવારે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ બાદ દિલ્હી રવાના થયા, અને 16મી જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી અમદાવાદના સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલરી, નેચર પાર્ક કેટલા પ્રકલ્પનું લોકાર્પણ કરશે અને ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર નવનિર્મિત હોટલ અને રેલવે સ્ટેશન ખુલ્લાં મૂકશે. ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને 'આમઆદમી પાર્ટી'ની સક્રિયતાને કારણે ભાજપે પણ તૈયારીઓ આરંભી દીધી હોય એમ જણાઈ રહ્યું છે.

વડાપ્રધાને એપ્રિલમાં જાહેર મુલાકાતો, પ્રવાસ અટકાવ્યા હતા
એપ્રિલમાં કોરોનાની બીજી ઘાતક અસર ચાલી રહી હતી એ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળની વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં ચૂંટણીપ્રચાર અટકાવી દીધા હતા, એ પછી પહેલી વખત ગુજરાતથી જાહેર મુલાકાતો અને પ્રવાસનો પ્રારભં કરી રહ્યા છે.

સાયન્સ સિટી ખાતે તૈયાર થઈ રહેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કરતા CM રૂપાણી.
સાયન્સ સિટી ખાતે તૈયાર થઈ રહેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કરતા CM રૂપાણી.

PM સાયન્સ સિટીમાં કેટલાક પ્રોજેક્ટ્સ ખુલ્લા મૂકશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાયન્સ સિટી ખાતે કેટલાક પ્રોજેકટને ખુલ્લા મૂકશે. સાયન્સ સિટી ખાતે તૈયાર કરવામાં આવેલી ગેલરીમાં કૅમ શો પ્રકારનાં જળચર પ્રાણીઓ છે, જ્યાં શની પહેલી ગેલરી બની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લી મુકાનારી રોબોટિક ગેલરી, જેમાં માનવીની દૈનિક ક્રિયાઓમાં રોબોટનો ઉપયોગ કેટલો અને ક્યાં થઈ શકશે એનું નિદર્શન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એક વિશાળ નેચર પાર્ક પણ ઊભો કરવામાં આવ્યો છે.

ગાંધીનગર રેલવે સ્ટેશન પર તૈયાર સાત માળની હોટલ.
ગાંધીનગર રેલવે સ્ટેશન પર તૈયાર સાત માળની હોટલ.

ગાંધીનગર રેલવે સ્ટેશનનું પણ ઉદઘાટન કરશે
ગાંધીનગર રેલવે સ્ટેશનના વિકાસની સાથે એક અધતન હોટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર રેલવે સ્ટેશનના વિકાસની સાથે સાત માળની ચાર પ્રેસિડેન્ટ સ્યૂટ સાથે બનેલી હોટલ પાછળ રૂપિયા 330 કરોડની ખર્ચ કરવામાં આવ્યો છે, જેનું ઉદઘાટન પણ નરેન્દ્ર મોદી કરશે. આ ઉપરાંત ભારત સરકારનાં વિવિધ મંત્રાલયના પ્રોજેકટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.

PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ફાઈલ તસવીર.
PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ફાઈલ તસવીર.

કેન્દ્રમાં ગુજરાતનું વધતું કદ
નોંધનીય છે કે ગુજરાતથી દિલ્હી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની બીજી ટર્મના મંત્રીમંડળ વિસ્તરણમાં ગુજરાતના ચારેય ઝોનને મંત્રીપદ મળ્યું છે. ગુજરાતની તમામ 26 સંસદની બેઠકો પર ભાજપનો વિજય થયો છે, ત્યારે ગુજરાતના 26માંથી 4 સાંસદો અને રાજ્યસભાના 3 સભ્યોને મંત્રીપદની ભેટ મળી છે, જેમાં ઉત્તર ગુજરાતમાંથી કી પોસ્ટ, એટલે કે કેન્દ્રીય ગૃહમંત્રીપદ અમિત શાહને આપવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રમાંથી પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને ડો. મહેન્દ્ર મુંજપરાનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ રૂપાલા અને માંડવિયાને મેરિટના આધારે પ્રમોટ કરીને કેબિનેટ મંત્રી બનાવ્યા છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી મહિલા સાંસદ દર્શનાબેન જરદોશ તથા મધ્ય ગુજરાતમાંથી દેવુસિંહ ચૌહાણને કેન્દ્રીય મંત્રીપદની ગિફ્ટ મળી છે. ગુજરાતની આગામી 2022ની ચૂંટણીને અનુલક્ષીને કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવાયેલા મંત્રીઓનું જ્ઞાતિ સમીકરણ પણ જોવા આવ્યું છે. જેમાં બે પાટીદાર તથા ત્રણ ઓબીસીને સ્થાન મળ્યું છે.

ગુજરાતમાં 'આપ'ની એન્ટ્રીથી ભાજપ સક્રિય
ગુજરાતમાં જૂન મહિનાથી રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ખાસ કરીને આમઆદમી પાર્ટી સક્રિય થતાં જ ભાજપ પણ 2022ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયો છે. જૂનમાં અરવિંદ કેજરીવાલની મુલાકાત બાદ આમઆદમી પાર્ટીના કાર્યકરો ગુજરાત ખૂંદવા લાગ્યા છે, જ્યારે ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ ભાજપના સંગઠનના આગેવાનો, કાર્યકરો, ધારાસભ્યો અને મંત્રીઓને પ્રજા વચ્ચે જવાના આદેશો કરવામાં આવ્યા હતા. માત્ર એટલું જ નહીં, સરકારે એક બાદ એક 113 વિકાસકાર્યોનાં લોકાર્પણો, ખાતમુહૂર્ત અને મંજૂરીઓ શરૂ કરી છે.