ભાજપે ચિંતન શિબિરમાં ખાસ તો કોંગ્રેસ કરતાં ય ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પ્રભાવ વધે નહીં તે માટે કઈ રીતે વ્યૂહ ગોઠવવો જોઇએ તેવી ચર્ચાઓ થઈ હોવાનું જાણવા મળે છે. પાર્ટીના જ સૂત્રો કહે છે કે આનું ખાસ કારણ છેલ્લે રાજકોટમાં થયેલી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની જાહેર સભા છે. જાહેર સભામાં એકત્રિત થયેલી ભીડ ભાજપ માટે આંચકારૂપ જ હતી. ભાજપને બિલકુલ અંદાજ ન હતો કે આ રેલીમાં આટલી મોટી સંખ્યામાં લોકો ભેગાં થશે. હવે પાર્ટી અને સરકાર કાન ખુલ્લા રાખીને ગુપ્તચર વિભાગના ઇનપુટ્સને સાંભળી રહ્યા છે. કેજરીવાલની આ રેલીમાં ભૂતપૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ જબરદસ્ત મહેનત કરી હોવાનું જાણવા મળે છે. ભાજપ માટે બીજો ચિંતાનો વિષય છે આપને મળી રહેલું નાણાંકીય ભંડોળ. પંજાબની ચૂંટણી જીત્યા પછી વિદેશોમાંથી આપને મોટું એવું ફંડ મળી રહ્યું છે, જેનો મોટો ઉપયોગ ગુજરાત માટે કરાઇ રહ્યો છે. આવા કારણોસર ભાજપની રાજકીય ગણતરીઓ ખોટી પડી છે.
અમિત શાહ ઝાઝી ટિકિટો કાપી આડેધડ રાજકીય પ્રયોગ કરવાના મૂડમાં નથી
ગુજરાત ભાજપની ચિંતન શિબિર શરૂ થઇ ગઇ છે . અમિત શાહની આ શિબિરમાં હાજરીથી એ પણ સ્પષ્ટ થઇ ગયું છે કે ગુજરાતની વિધાનસભા ચૂંટણી માટે અમિત શાહ નિર્ણય લેવાની પ્રક્રિયામાં આગળ પડતી ભૂમિકા ભજવશે. આ બેઠકમાં ભાજપે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સામે કઇ રણનીતિ અપનાવવી તે તો નક્કી કર્યું જ છે, પરંતુ પાર્ટીમાં એ વાત પણ બહાર આવી છે કે અમિત શાહ વિધાનસભા ચૂંટણીમાં વર્તમાન ધારાસભ્યોના નામમાં મોટી કાપકૂપ કરવાના મૂડમાં નથી. અલબત્ત અમુક ચહેરા ચોક્કસ બદલાઈ જશે પરંતુ પાર્ટીના સૂત્રો જણાવે છે કે અમિત શાહ આડેધડ રાજકીય પ્રયોગ કરવાના મૂડમાં નથી. ભાજપના જે ચહેરા સામે વ્યક્તિગત એન્ટી ઇન્કમ્બન્સી ન હોય તેમને બદલવા ન જોઇએ. આ તરફ પાર્ટીમાંથી ચાર વખતથી વધુ વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા અને 65થી વધુ વયના નેતાઓને હવે ટિકિટ નહીં મળે તેવી જાણકારી મળી રહી છે. આ બધા મતમતાંતરનું મંથન આ ચિંતન શિબિરમાં થયું છે. હવે જોઇએ કોનું ચાલે છે..!
ભાજપને 86, ‘આપ’ને 61, કોંગ્રેસને 33 અને અન્યને 2 સીટ મળે તેવો સરવે કોણે કરાવ્યો..?
થોડાં સમય પહેલાં એક પોલિટિકલ સરવેને લગતાં કાગળનો ફોટોગ્રાફ વહેતો થયો હતો. આ સરવેમાં આશ્ચર્યજનક રીતે ભાજપને 86 એટલે કે સરકાર બનાવવા માટે જરૂરી એવી 92 કરતાં છ સીટ ઓછી, કોંગ્રેસને 33 જ્યારે આપને 61 તથા અન્યને 2 બેઠકો મળે તેવું દર્શાવાયું છે. તે પૈકી ભાજપને માત્ર 37 ટકા મતો જ્યારે આપને 31 ટકા જેટલાં મત મળી શકે તેવું પણ જણાવાયું છે. એટલું જ નહીં, ભાજપને મળનારી 86 પૈકી 38 બેઠકો ખૂબ ઓછાં માર્જિને મળે, 31 બેઠકો મધ્યમ માર્જિન તથા માત્ર 17 બેઠકો જ મોટા માર્જિનથી મળે તેવું દર્શાવાયું છે. આ ઉપરાંત તેમાં એક એવી શક્યતા પણ વ્યક્ત કરાઇ છે કે જો બીજા સંજોગો ચકાસાય તો આપને 98 કોંગ્રેસને 21 તથા ભાજપને 62 બેઠકો મળે જ્યારે ત્રીજી શક્યતા તરીકે કોંગ્રેસને 125 બેઠકો સાથે વિજયી દર્શાવી ભાજપને 32 તથા આપને 23 બેઠકો પર વિજયી બતાવવામાં આવી છે.
ભાજપમાં હાર્દિકના આગમન આડે કોણ?
હાર્દિક પટેલ આમ તો ક્યારના ય ભાજપમાં જોડાઇ ગયા હોય, પરંતુ હજુ ભાજપ હાઇ કમાન્ડ આ બાબતે કોઇ હોંકારો ભણી રહ્યું નથી. ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હાર્દિકે અગાઉ ભાજપના સંગઠન મહામંત્રી બી એલ સંતોષ સાથે એક ગુપ્ત મુલાકાત કરી હતી અને કૈલાશવિજય વર્ગીય પણ આ માટે ગુજરાત આવી ગયા છે, પરંતુ ભાજપના એક મોટા નેતાને હાર્દિક ભાજપમાં આવે તે પસંદ નથી. આ મોટા નેતાને હાર્દિકને કારણે ખૂબ મોટું રાજકીય નુક્સાન ગયું હતું. સૂત્રો જણાવે છે કે આ નેતાએ એવી શરત મૂકી છે કે હાર્દિકે ભાજપમાં જોડાતાં પહેલાં જાહેરમાં મારાં ત્રણ પ્રશ્નોના જવાબ આપવા પડશે, કે તેણે આંદોલન કોના કહેવાથી ચાલું કર્યું, તેના માટે નાણાં ક્યાંથી આવતા હતાં અને કોના ઇશારે આંદોલનને આગળ લઈ જવાયું. આ તરફ હાર્દિક પાટીદાર સમાજના નેજા હેઠળ નરેશ પટેલ સહિતના અન્ય નેતાઓ સાથે મુલાકાત કરીને બીજી ગોઠવણ પણ કરી રહ્યા છે.
નરેશ પટેલ હવે ક્યાંય નહીં જાય?!
ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે જે સરવે કરાવ્યો હતો તેના પરિણામ બહાર પાડ્યા નથી અને તેઓ રાજકારણમાં જોડાશે કે નહીં અને જોડાશે તો કઇ પાર્ટીમાં તે અંગે હજુ સુધી કોઇ ફોડ પડ્યો નથી. ચ્યુઇંગમની જેમ નરેશ પટેલ લોકોને આ મુદ્દો ચગળાવે રાખે છે, પરંતુ હવે એ ચ્યુઇંગમમાં કોઇ રસ રહ્યો હોય એવું લોકોને લાગતું નથી અને ગમે ત્યારે આ ચ્યુઇંગમ મોંમાંથી થૂંકી દેશે. હવે સામાન્ય જનતાને એ બાબતમાં કોઇ ખાસ રસ રહ્યો નથી કે નરેશ પટેલ શું કરશે. આ તરફ પટેલ પણ રાજકીય પાર્ટીઓ સાથે ચલકચલાણું રમી આવ્યા છે. દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓ, આમ આદમી પાર્ટીના નેતાઓ અને પ્રશાંત કિશોર સુધીના ઘર નરેશ પટેલે ગણી લીધાં છે, પરંતુ ક્યાંય કોઇ યોગ્ય જવાબ મળ્યો નથી. આ બાબત પરથી એવું લાગી રહ્યું છે કે હવે કોઇ પણ પાર્ટી ય નરેશ પટેલ આવીને જોડાઇ જાય તેવો રસ બતાવી રહી નથી અને એવી ચર્ચાઓ પણ શરૂ થઇ ગઇ છે કે નરેશ પટેલ હવે કોઇ પાર્ટીમાં જોડાશે નહીં અને તેને બદલે પોતાના ધંધા પર જ ધ્યાન આપવાનું વધુ પસંદ કરશે.
ચિંતન શિબિરમાં કોંગ્રેસે મેવાણીને આમંત્રણ આપ્યું, હાર્દિકને કેમ નહીં
કોંગ્રેસની ઉદયપુરમાં યોજાયેલી ચિંતન શિબિરમાં ગુજરાતમાંથી આઠ-દસ નેતા પહોંચ્યાં છે. પરંતુ આ શિબિરમાં કોંગ્રેસ હાઇ કમાન્ડે જાણી બૂઝીને હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ હોવા છતાં આમંત્રણ આપ્યું નથી. ગુજરાતમાંથી જેમને આમંત્રણ મળ્યું છે તેમાં પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવા, અમિત ચાવડા, પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, રાજ્યસભાના સાંસદો સહિતની એક મોટી ટીમ ત્યાં પહોંચી હતી. એટલું જ નહીં, સત્તાવાર રીતે જેમણે હજુ સુધી કોંગ્રેસમાં જોડાણ નથી કર્યું તેવા અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને બિહારના યુવા નેતા કન્હૈયા કુમારને પણ આ શિબિરમાં જોડાવવા માટે આમંત્રણ અપાયું હતું. કોંગી નેતાઓ હાર્દિકને સાફ શબ્દોમાં ચેતવણી પણ આપી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી રૂપાલાની ગુજરાત મુલાકાતને લઇને ચર્ચા કેમ તેજ થઇ
ગયા અઠવાડિયે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા ગુજરાતની મુલાકાત લઇને ગયા. તેઓ પોતાના ગૃહનગર અમરેલી અને સૌરાષ્ટ્રના એકાદ બે જિલ્લાના પ્રવાસે જ ગયા છે, પરંતુ તેમના આગમનને કારણે એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે કે શું રૂપાલા આગામી સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી બનશે. આમ તો આ સવાલ માત્ર સવાલ જ છે અને તેનો કોઇ જવાબ નથી કારણકે કેટલાંક ખૂબ જિજ્ઞાસાવૃત્તિ ધરાવતા લોકોને થયેલો કુતૂહલપૂર્વ થયેલો આ પ્રશ્ન છે. જાહેરજીવન સાથે જોડાયેલાં ઘણાં લોકોને એવું લાગી રહ્યું છે કે રૂપાલા સીએમ મટીરીયલ તો છે જ ભલે તેમને એ પદ મળે કે ન મળે. તેમાં તેમની ગુજરાત મુલાકાતને સીધી રીતે તેમના મુખ્યમંત્રી બનવાની સંભાવના સાથે જોડીને જોવામાં આવી.
અલ્પેશ ઠાકોરની દિશા કઇ તરફની છે, ગામડાં બાજુની કે શહેર ભણીની...!
થોડાં સમય પહેલાં ઠાકોર સમાજના સમૂહલગ્નમાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે પછી તેનાથી બોલાઈ ગયું કે ગમે તે થાય, કોઇ પાર્ટી ટીકીટ આપે કે ન આપે પરંતુ તે ચૂંટણી રાધનપુર બેઠક પરથી જ લડવાના છે. જોકે કેટલાંક સૂત્રો જણાવે છે કે અલ્પેશ ઠાકોરે એકવાર હારનો સ્વાદ ચાખ્યા પછી આ બેઠક પર લડવાને બદલે શહેરી બેઠકો પરથી ચૂંટણી લડવાની વિચારણા કરી છે. આ માટે અલ્પેશ અમદાવાદની વેજલપુર અને ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડવા ઇચ્છે છે. ભાજપના સૂત્રો કહે છે કે અલ્પેશ ખૂબ સ્માર્ટ છે, પોતાને વેજલપુર લડવાની ઇચ્છા છે, પણ સંકેત મળ્યો કે અહીં તેના માટે દરવાજા ખૂલે તેમ નથી એટલે તેણે ભાજપના જ અમુક ટિકિટવાંચ્છુઓને સળી કરીને તેમણે વેજલપુર માટે ટિકિટ માગવી જોઇએ તેવી સલાહ આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.