મોંઘવારી સામે પ્રદર્શન:અમિત ચાવડા ખભે ગેસ સિલિન્ડર રાખી વિધાનસભા ગયા, પટ્ટાંગણમાં કોંગી નેતાઓનો બેનર સાથે વિરોધ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ દ્વારા વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગેસના ભાવવધારામાં કરાયેલા ભાવ વધારા તેમજ વધતી મોંઘવારી અને અન્ય મુદ્દાઓને લઇને કોંગ્રેસ દ્વારા વિધાનસભાની બહાર આશ્ચર્યજનક વિરોધ દર્શાવ્યો હતો. ગેસ સિલિન્ડર લઇને કોંગ્રેસ નેતા અમિત ચાવડા વિધાનસભા પહોંચ્યા હતા. તેમની સાથે કોંગ્રેસના અન્ય ધારાસભ્યો સિલિન્ડરના બેનર સાથે જોડાઈને વિરોધ દર્શાવ્યો હતો.

કોંગ્રેસનો મોંઘવારી સામે મોરચો
કોંગ્રેસે આજે મોંઘવારી મુદ્દે વિધાનસભામાં જતાં પહેલા સરકાર સામે મોરચો માંડ્યો હતો. વિધાનસભાના પટ્ટાંગણમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ધરણા કર્યા હતા. જેમાં LPG, તેલ અને પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને કોંગ્રેસ ધારાસભ્યોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ખભે ગેસ સિલિન્ડર મૂકીને વિધાનસભા કૂચ કરી હતા.

UPA અને હાલની સરકાર સિલિન્ડરના ભાવની સરખામણી
અમિતએ ગેસ સિલિન્ડ ખભે કરીને કરેલી મોંધવારી સામેના પ્રદર્શનમાં અન્ય ધારાસભ્યો અર્જુન મોઢવાડિયા, ગેનીબેન ઠાકોર, ઇમરાન ખેડાવાલા, કાંતિ ખરાડી સહિતના વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. તેમણે હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને મોંઘવારી સામે વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં, તત્કાલિન કોંગ્રેસ શાસિત UPA સરકારમાં જે ગેસ સિલિન્ડરના ભાવ હતા અને અત્યારે જે ભાવ છે તેની સરખામણી કરતા બેનર પણ બતાવવામાં આવ્યા હતા.

તરણ સ્પર્ધાના ઈનામી રકમમાં વધારો કરાશે
રમત-ગમત અને યુવક સેવા મંત્રી હર્ષભાઈ સંઘવીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં દર બે વર્ષે યોજાતી રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારત વીર સાવરકર તરણ સ્પર્ધાના ઈનામી રકમમાં આગામી સમયમાં વધારો કરવા રાજ્ય સરકાર તત્પર છે, જે અંગેની પ્રક્રિયા આગામી સમયમાં હાથ ધરવામાં આવશે.

74 ખેલાડીઓએ કેન્દ્ર કક્ષાએ ભાગ લીધો
મંત્રીએ રાજ્યમાં અમલી 'યુવા ઉત્સવ કાર્યક્રમ' વિશે માહિતી આપતા રાજ્યના યુવાનોમાં રહેલી પ્રતિભાને જાગૃત કરવા વર્ષ 1968થી 'યુવા ઉત્સવ કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવ અંતર્ગત સાંપ્રત સામાજિક મુદ્દાએ અંગે નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, સમૂહ સંગીત, લોકનૃત્ય, સાશ્ત્રીય સંગીત વગેરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં રાજ્યના યુવાનો ભાગ લે છે. છેલ્લા બે વર્ષમાં વડોદરા, પાલનપુર અને અમરેલી જિલ્લા ખાતે રાજ્યકક્ષાના યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ 2022-23 દરમિયાન કર્ણાટક ખાતે રાષ્ટ્રીય કક્ષાના ‘યુવા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર કક્ષાની સ્પર્ધામાં રાજ્યના 74 યુવાનોએ ભાગ લીધો હતો એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

નવી હજ પોલીસી
લઘુમતી બાબતોના મંત્રાલય-નવી દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવેલી હજ પોલીસી-2023 અંતર્ગત હજ કમિટી ઓફ ઇન્ડિયા, મુંબઈ દ્વારા હજુ-2023 માટે ફોર્મ ભરવાની આખરી તારીખ 10-03-2022-2023 નક્કી કરવામાં આવી છે. અરજદારોએ હજ કમિટી ઓફ ઇન્ડિયા, મુંબઈની વેબસાઈટ https://www.hajcommittee.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવાની તારીખમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. તેમ ગુજરાત રાજ્ય હજ સમિતિના અધ્યક્ષશ્રીની યાદીમાં જણાવાયું છે.આ ઉપરાંત વધુ જાણકારી માટે ગુજરાત રાજ્ય હજ સમિતિની વેબસાઈટ https://haj.gujarat.gov.in અને https://www.gujarathajhouse.in વેબસાઈટ પણ સમયાંતરે જોતા રહેવાનું રહેશે

ટેકાના ભાવે ઘઉં, બાજરી, જુવાર, રાગી ખરીદાશે
ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર રવી માર્કેટીંગ સીઝન 2023-24માં ઘઉં, બાજરી, જુવાર, રાગી,મકાઇની ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરશે઼. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ તા.31-03-2023 સુધી ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. ની યાદીમાં જણાવાયું છે.

જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે
ખેડૂતોએ નોંધણી માટે આધાર કાર્ડની નકલ, અદ્યતન 7-12, 8-અ ની નકલ, નમુના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતોએ તેમના નામના બેન્ક ખાતાની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જેવા જરૂરી પુરાવા સાથે લાવવાના રહેશે. ઘઉં પકવતા ખેડૂતોના પાકના લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઓનલાઇન નોંધણી ફરજીયાત હોવાથી ખેડૂતોને સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરવાનો રહેશે. તેમજ ખરીદી સમયે ખેડુતે પોતાનુ આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડુત ખાતેદારના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદમાં આવશે.

10 માર્ચથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ટેકાના ભાવે ઉત્પાદકોની ખરીદી અંગે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. રાજ્યમાં આગામી 10 માર્ચથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરુ થવાની છે. કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, વાવેતર વિસ્તારના પ્રમાણમાં ખેડૂત દીઠ 2,500 કિલો એટલે કે, 125 મણ સુધીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતો પાસેથી ખરીદેલા જથ્થાના ચૂકવણા પણ ઝડપથી થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતો પાસેથી ખરીદી કરવા માટે વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં તુવેર માટે 135, ચણા માટે 187 અને રાયડા માટે 103 ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.

તુવેર, ચણા અને રાયડાના ટેકાના ભાવ
રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી કરવા તુવેર માટે 5,550, ચણા માટે 2,20,175 અને રાયડા માટે 10,164 ખેડૂતોએ નોંધણી કરાવી છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા તુવેર માટે રૂ.6600 પ્રતિ ક્વિન્ટલ, ચણા માટે રૂ.5335 પ્રતિ ક્વિન્ટલ અને રાયડા માટે રૂ.5450 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી માટે કેન્દ્ર સરકારે પી.એસ.એસ. હેઠળ તુવેર માટે 1,00,1960, ચણા માટે 3,88,000 અને રાયડા માટે 1,25,300 મેટ્રિક ટન જથ્થો મંજૂર કર્યો છે. આ ઉપરાંત ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યની નોડ્લ એજન્સી તરીકે ગુજકોમાસોલ અને તુવેરની ખરીદી માટે ઈન્ડીએગ્રો કંસોર્ટીયમ પ્રોડ્યુસર કમ્પનીની નિમણુંક કરવામાં આવી છે.

‘પર ડ્રોપ મોર ક્રોપ’ યોજના અંગે મંત્રીનો જવાબ
‘પર ડ્રોપ મોર ક્રોપ’ અંતર્ગત ખેડૂતોને થતા લાભ અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને સુક્ષ્મ સિંચાઈ યોજના થકી ઓછા ખર્ચે મબલખ પાક મળી રહે અને ખેડૂતોની આવક બમણી થાય તે માટે રાજ્ય સરકાર ધ્યાન આપી રહી છે ‘પર ડ્રોપ મોર ક્રોપ’સુક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ રાજ્યભરના ખેડૂતોને આવરી લઈ તેમને લાભાન્વિત કરવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે તેમ કહી મંત્રીએ આ યોજના અંગે સહાય અને પાત્રતાના ધોરણો સહિતની વિસ્તૃત વિગતો આપી હતી.

આ યોજના હેઠળ કચ્છમાં 11,907 હેક્ટર જમીનને આવરી લેવાઈ
કચ્છ અને દાહોદ જિલ્લામાં 31 ડિસેમ્બર 2022ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન ‘પર ડ્રોપ મોર ક્રોપ’ અંતર્ગત થયેલી કામગીરી અંગે ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા મંત્રીએ ઉમેર્યું હતું કે, કચ્છ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ‘પર ડ્રોપ મોર ક્રોપ’ સુક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ કુલ 11,907 હેક્ટર વિસ્તારને આવરી લઈ કુલ 6291 ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે દાહોદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ‘પર ડ્રોપ મોર ક્રોપ’ સુક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ કુલ 1067 હેક્ટર વિસ્તારને આવરી લઈ કુલ 899 ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે.

છેલ્લા બે વર્ષમાં ફાયર આર્મ્સને લગતા 1522 કેસોનું FSLમાં પૃથ્થકરણ કરાયું
ગુના ઉકેલવામાં ફાયર આર્મ્સ પરીક્ષણ ખૂબ જ મહત્વનું છે, માત્ર ગુજરાત જ નહીં પણ દેશભરના ગંભીર ગુનાઓના કેસોનું સફળતાપૂર્વક પૃથ્થકરણ કરવામાં ગાંધીનગર FSL અગ્રેસર છે. ગુજરાતમાં 31 ડિસેમ્બર 2022ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી FSLમાં 1522 ફાયર આર્મ્સને લગતા કેસનું પૃથ્થકરણ કરવામાં આવ્યું છે. તેમ વિધાનસભા ગૃહમાં દસક્રોઈના ધારાસભ્ય બાબુ પટેલ દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું. પૂરક પ્રશ્નનો જવાબ આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુનાહિત કેસોના ઉકેલ માટે ફાયર આર્મ્સ પરીક્ષણ ખૂબ જરૂરી છે. ઇજા અથવા મૃત્યુ પામેલા વ્યક્તિ પાસેથી મળી આવેલ સાધનો-બુલેટ, પિસ્તોલ, દેશી કટ્ટા વગેરે આર્મ્સના પૃથ્થકરણ દ્વારા ગુનો ઉકેલવામાં મદદરૂપ થાય છે.

કોલેજોના વિદ્યાર્થીઓને FSLની સ્ટડી ટુર કરાવવા સૂચન
FSL દ્વારા યોજાતા આર્મ્સ પરીક્ષણમાં પિસ્તોલ, રિવોલ્વર, રાઇફલ, દેશી કટ્ટાનો સમાવેશ કરાય છે. FSL દ્વારા પૃથ્થકરણ થકી ગુજરાત અને ગુજરાત બહારના હત્યાના અનેક કેસો ઉકેલીને ગુનેગારને સજા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પરીક્ષણ અને રિસર્ચમાં રસ ધરાવતા વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓને FSLની સ્ટડી ટુર કરાવવા પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ધારાસભ્યોને સૂચન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...