શાળા ખૂલ્યાના 10 દિવસે શિક્ષકોની ભરતી:સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોમાં 25,000 કાયમી શિક્ષકોની ઘટથી પ્રવાસી શિક્ષકોની ભરતી થશે, AAPને ગુજરાતમાં ઘુસવા મળ્યું મોકળું મેદાન

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
શિક્ષકની ફાઈલ તસવીર - Divya Bhaskar
શિક્ષકની ફાઈલ તસવીર
  • નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાના 20 દિવસ બાદ 1લી જુલાઈથી પ્રવાસી શિક્ષકો બાળકોને ભણાવશે

રાજ્યમાં સરકારી તથા ગ્રાન્ટેડ સ્કૂલોમાં છેલ્લા કેટલાય સમયથી ધોરણ 1 થી 12ના 25,000 શિક્ષકોની ઘટ છે. આ ઘટની સામે શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. જોકે આ વર્ષનું સત્ર શરૂ થયાના 10 દિવસ બાદ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની માત્ર જાહેરાત થઈ છે અને હજુ ભરતી થતા બીજા 10 દિવસ જેટલો સમય થશે. જેથી સત્ર શરૂ થયાના 20 દિવસ બાદ સ્કૂલોને શિક્ષકો મળશે અને એ પણ પ્રવાસી. આમ શિક્ષણ વિભાગે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ઘુસવા માટે મોકળું મેદાન આપી દીધું છે.

ગુજરાતમાં શિક્ષણ પર રાજનીતિ
આમ આદમી પાર્ટી દ્વારા શરૂઆતથી જ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં દિલ્હીની સરકારી સ્કૂલો અને ગુજરાતની સરકારી સ્કૂલો અને શિક્ષણના સ્તરની સરખામણી કરાઈ રહી છે. ત્યારે સ્કૂલો ખૂલ્યાના 20 દિવસ બાદ શિક્ષકો મળવાના કારણે આમ આદમી પાર્ટીને સરકારને ઘેરવાની વધુ એક તક મળી ગઈ છે.

ગુજરાતમાં 25 હજાર કાયમી શિક્ષકોની ઘટ
25 હજાર જેટલા શિક્ષકોની ઘટ હોવાથી સંચાલકોએ વેકેશન દરમિયાન જ પ્રવાસી શિક્ષકોની માંગણી કરી હતી. પરંતુ શિક્ષણ વિભાગે તેના પર ધ્યાન જ આપ્યું નહોતું અને હવે સ્કૂલો શરૂ થઈ છે અને પ્રવેશોત્સવ શરૂ થયો છે, ત્યારે શિક્ષણ વિભાગને ભાન થતા પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા પરિપત્ર જાહેર કર્યો છે. હજુ માત્ર જાહેરાત કરી છે. જે બાદ હવે સ્કૂલમાં શિક્ષકોની ઘટ હશે, તે મુજબ સ્કૂલ સંખ્યા સાથે DEOને જાણ કરશે અને DEO મંજુર કરશે તેટલા શિક્ષકોની સ્કૂલ દ્વારા ભરતી કરવામાં આવશે.

1લી જુલાઈ બાદ મળશે પ્રવાસી શિક્ષકો
આ સમગ્ર પ્રક્રિયામાં 10 દિવસ જેટલો સમય લાગશે એટલે 1લી જુલાઈ બાદ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જોકે સત્ર શરૂ થયાના 20 દિવસ બાદ ભરતી થતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર પડશે. પ્રવાસી શિક્ષકોની ભરતી માટે પણ કેટલીક મર્યાદા રાખવામાં આવી છે, જેમાં 5થી વધારે તાસ પણ નહીં લઈ શકે. માધ્યમિક શિક્ષકને તાસ દીઠ માનદ વેતન 175 મળશે, મહત્તમ દૈનિક તાસ 5 પૈકી મહત્તમ દૈનિક માનદ વેતન રૂ.875 અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં તાસ દીઠ માનદ વેતન રૂ.200, મહત્તમ દૈનિક તાસ 4 પૈકી મહત્તમ દૈનિક માનદ વેતન રૂ.800 કરાયું છે.

વેકેશનથી શાળા સંચાલકો રજૂઆત કરતા હતા
પ્રાથમિક શિક્ષણમાં ઉચ્ચક માસિક મહત્તમ માનદ વેતનની મર્યાદા રૂ.10,500થી વધે નહીં તે મુજબ, માધ્યમિક શિક્ષણમાં ઉચ્ચક માસિક મહત્તમ માનદ વેતનની મર્યાદા રૂ. 16,500થી વધે નહીં તે મુજબ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં ઉચ્ચક માસિક મહત્તમ માનદ વેતનની મર્યાદા રૂ.16,700 થી વધે નહીં તે મુજબ રહેશે, તે પ્રકારનો ઓર્ડર કરાયો છે. આ અંગે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, ભરતી માટે વેકેશનમાં રજુઆત કરી હતી. તેની જગ્યાએ હવે ભરતીનો ઓર્ડર થયો છે. આગામી 1 જુલાઈ સુધીમાં ભરતી પુરી થશે અને સ્કૂલોને શિક્ષકો મળશે.

અન્ય સમાચારો પણ છે...