તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીડિયો વાઈરલ:રામોલમાં રાત્રી કર્ફ્યૂ વચ્ચે યુવકોએ મોડી રાતે ફટાકડા ફોડી આતશબાજી કરી, પોલીસ અને યુવકો વચ્ચે બોલાચાલી

અમદાવાદ7 મહિનો પહેલા
  • સ્થાનિક લોકોએ કંટ્રોલરૂમમાં ફોન કરતા પોલીસ પહોંચી ત્યારે ત્રણ યુવકો હાજર જેમાંથી એક યુવકે પોલીસ સામે દંડો પણ ઉગામ્યો
  • જાગૃત સ્થાનિકે પોલીસ અને યુવકો વચ્ચે બોલાચાલીનો વીડિયો ઉતારી વાઇરલ કર્યો

શહેરના રામોલ વિસ્તારમાં પોલીસની કામગીરી સામે દિવસે દિવસે અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. રાત્રી કર્ફ્યૂ દરમિયાન દુકાનો ચાલુ હોય કે બર્થ ડે કેક કાપવાની ઉજવણી હોય પોલીસ કડક કામગીરી સામે હંમેશા સવાલ થયા છે. ત્યારે રામોલમાં વધુ એક ઘટના બની હતી. વસ્ત્રાલ વિસ્તારમાં શાશ્વત મહાદેવ 2 પાસે રાત્રી કર્ફ્યૂમાં બર્થ-ડે હોવાથી જાહેર રોડ પર કેટલાંક યુવકોએ મોડી રાતે આતશબાજી કરી હતી. જેનો સ્થાનિકે પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ કરતા રામોલ પોલીસ પહોંચી હતી. ત્યાં પોલીસ અને યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી.

પોલીસ પહોંચી ત્યારે કેટલાક લોકો ત્યાંથી નાસી ગયા હતા. જ્યારે ત્રણ શખસ ત્યાં ઉભા હતા જેમાંથી એક યુવક સામેથી દંડો લઈ પોલીસ સામે આવ્યો હતો. પોલીસને તેને 6થી 7 મિનિટ સુધી ધમકાવી હતી, બાદમાં બે યુવકો નાસી ગયા હતા. જેનો સમગ્ર વીડિયો કોઈ વ્યક્તિએ ઉતારી વાઇરલ કર્યો હતો. રામોલ પોલીસે આ વીડિયો વાઇરલ થતાં નાછૂટકે ફરિયાદ નોંધવી પડી હતી.

રામોલ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ આરટીઓ રોડ પર શાશ્વત મહાદેવ 2 પાસે કેટલાક યુવકો ફટાકડા ફોડી અને આતશબાજી કરે છે તેવો કંટ્રોલ મેસેજ 2 માર્ચના રોજ રાતે 12.25 વાગ્યે પોલીસને મળ્યો હતો. જેથી રામોલ પોલીસની ગાડી ત્યાં પહોંચી હતી. પોલીસની ગાડી આવતા જ યુવકો નાસી ગયા હતા. પોલીસની ગાડી ઉભી રહી ત્યારે ત્રણ યુવકો ત્યાં ઉભા હતા. જેમને પોલીસ પકડવા ગઈ ત્યારે યુવકોએ પોલીસ સાથે બોલાચાલી કરી હતી. એક સ્થાનિકે આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. 10 મિનિટ સુધી પોલીસ અને આ યુવકો વચ્ચે બોલાચાલી ગાળાગાળી થઈ હતી અને એક યુવકે પોલીસ સામે દંડો લઈને જતો હોવાનું પણ વીડિયોમાં જણાય છે. પોલીસની બીજી ગાડી આવે છે ત્યારે તેઓને પકડવા જાય ત્યારે બે યુવકો ત્યાંથી ખેતર તરફ નાસી પણ જાય છે.

પોલીસ અને યુવકો વચ્ચે આ ઘટના બને છે જેનો વીડિયો વાઇરલ થયો હતો. રામોલની ફરિયાદ મુજબ 2 માર્ચ 12.24નો કંટ્રોલ મેસેજ મળતા પોલીસ ત્યાં પહોંચી હતી અને રૂબરૂ જઈ તપાસ કરતા ત્યાં કોઈ છોકરાઓ હાજર મળી આવેલા ન હતા. જગ્યા પર કોઈ બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાયું હતું. સીસીટીવી અને બાતમીદારો મારફતે તપાસ કરતા ઓમકાર રેસિડેન્સીમાં રહેતા સંદીપ પટેલનો બર્થ ડે હતો અને તેમના મિત્રો સાથે ભેગા મળી રાતે આયોજન કર્યું હતું અને પોલીસની ગાડી આવતાં ભાગી ગયા હતા.

સંદીપ પટેલને બોલાવી અને પૂછતાં તેઓએ બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. બર્થ ડે પાર્ટીમાં બોલાવેલા મિત્રોમાં ત્રણ મિત્રોને બોલાવી પૂછતાં તેમના નામ દિપક પટેલ, સની દરબાર અને સુનિલ પટેલ હોવાનું જણાવ્યું હતું. અન્ય મિત્રોમાં યશ ગોસ્વામી, પાર્થ પટેલ અને નીરવ પરમાર હતા. રાત્રી ફરફ્યુનો ભંગ કરતા તેમની સામે જાહેરનામા ભંગની ફરિયાદ રાતે 9.30 વાગ્યાએ નોંધી હતી. પોલીસ અને યુવકો વચ્ચે ઘર્ષણ થાય છે. એક યુવકમાં દંડો જણાય છે અને ત્યાથી બે યુવકો નાસી જાય છે છતાં ફરિયાદમાં ક્યાંય તેનો ઉલ્લેખ કરવામા આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...