રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો બેફામ વધી રહ્યાં છે. અમદાવાદ મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ઇંગ્લેન્ડની બે મેચમાં હજારોની મેદની ભેગી કરી કોરોના વધતાં GCAએ બાકીની ત્રણ મેચમાં કોઈ દર્શકોને પ્રવેશ ન આપવાનો નિર્ણય લીધો હતો. ત્યારે ભારત ઈંગ્લેન્ડની છેલ્લી T 20 મેચમાં GCA અને પોલીસની મોટી બેદરકારી સામે આવી છે.
બે સટોડીયાઓ મજૂર બની અંદર ઘૂસ્યા
પોલીસના ચુસ્ત લોખંડી પોલીસ બંદોબસ્ત અને GCAની સિક્યુરિટી હોવા છતાં હરિયાણાના બે સટ્ટોડીયાઓ ખાનગી સપ્લાયર કંપનીના મજૂર બની અને સ્ટેડિયમમાં ઘૂસી ગયા હતા અને T 20 મેચ પર મોબાઈલમાં સટ્ટો રમતાં હતાં. ચાંદખેડા પોલીસે તપાસ કરતાં બંને અંદર પ્રવેશ મેળવી સટ્ટો રમતાં તેમની જુગારની કલમ હેઠળ ધરપકડ કરી હતી. ચાંદખેડા પીઆઇ કે.વી પટેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, સપ્લાયર કંપનીના મજૂર બની તેઓએ પાસ મેળવ્યા હતા અને સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હતો. બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે.
બંને શખ્સ ઓનલાઇન સટ્ટો રમતા હતા
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T-20ની છેલ્લી ત્રણ મેચમાં કોરોનાના કારણે દર્શકોને પ્રવેશ ન આપવાનો નિર્ણય લેવાયો હતો. જો કે, સ્ટેડિયમમાં ખેલાડીઓ અને સ્ટેડિયમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને થ્રી-લેયર સિકયોરિટી ગોઠવાઈ છે. GCAની સિક્યોરિટી અને પોલીસના ચેકિંગ વગર સ્ટેડિયમમાં કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો નથી. ત્યારે છેલ્લી T-20 મેચમાં સ્ટેડિયમમાં સપ્લાયરના કોન્ટ્રાક્ટના બે શખ્સ મજૂર બની અને સ્ટેડિયમમાં પ્રવેશ મેળવી અને મોબાઇલમાં ઓનલાઇન સટ્ટો રમવા લાગ્યા હતા. પિલ્લર નંબર 120-121 પાસે અપર બાઉલના ભાગે થોડા થોડા અંતરે બંને શખ્સ બેસી અને અલગ અલગ વેબસાઈટ પર ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતાં હતા.
બંને હરિયાણા રહેવાસી હોવાનું ખૂલ્યું
બંને બેઠા હતા તે દરમ્યાનમાં એક વ્યક્તિને શંકા જતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે બંનેને પૂછતાં તેઓનું નામ પ્રિન્સ ગંભીર (ઉ.વ.21, રહે. પાનીપત હરિયાણા) અને આશિષ યાદવ (ઉ.વ. 26, રહે. રેવડી, હરિયાણા) હોવાનું જણાવ્યું હતું. તેમની પાસેથી બે મોબાઈલ ફોન પણ પોલીસે જપ્ત કર્યા હતા. પોલીસ સૂત્રો મુજબ બંને હરિયાણાના રહેવાસી છે. સ્ટેડિયમમાં એક સપ્લાયરનો જે કોન્ટ્રાક્ટરના મજૂરો પાસેથી બંનેએ પાસ મેળવી લીધાં હતાં અને તેઓ પાસ લઈ મજૂર બની સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યાંથી તેઓ બેસી મેચ જોવા બેસી સટ્ટો રમતાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.