વરસાદની વિદાય, ઠંડીની શરૂઆત:ગુજરાતમાંથી ચોમાસુ 16 ઓક્ટોબરે વિધિવત વિદાય લેશે, દિવાળી બાદ ઠંડીનો ચમકારો વધશે

અમદાવાદ2 મહિનો પહેલા

ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ગઈ છે. આ વખતે રાજ્યમાં 47.78 ઇંચ સાથે મોસમનો સરેરાશ 121.86 ટકા વરસાદ નોંધાયો હતો. ગત વર્ષે ચોમાસામાં 32.56 ઇંચ સાથે મોસમનો 98.48 ટકા વરસાદ પડયો હતો. હવામાન વિભાગ દ્વારા શુક્રવારે માહિતી રજૂ કરવામાં આવી છે કે ચોમાસુ 16 ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાંથી વિદાય લેશે. બીજી તરફ, રાજ્યમાં ડબલ ઋતુ વચ્ચે સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ શરૂ થઈ ગયો છે. દિવાળી પહેલાં જ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. નવરાત્રિમાં પણ રાત્રે 10 વાગ્યા પછી સહેજ ઠંડીનો ચમકારો અનુભવાતો હતો, પરંતુ દિવાળીના તહેવાર પહેલાં જ પરોઢથી માંડીને સવારે 10 વાગ્યા સુધી ગુલાબી ઠંડીનો ચમકારો શરૂ થયો છે. હવામાન નિષ્ણાંતોના મત મુજબ દિવાળી બાદ ઠંડીનો ચમકારો વધશે અને ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે.

હવે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે
આ વર્ષે રાજ્યમાં ચોમાસાની સીઝન લાંબી ચાલી છે. રાજ્યમાં સરેરાશ 121 ટકા જેટલો વરસાદ વરસ્યો છે જેના કારણે ગુજરાતના મોટાભાગના જળાશયો ભરાઇ ગયા છે. જેથી ઉનાળામાં નાગરિકો તથા ખેડૂતોને પાણીની તંગીનો સામનો નહિં કરવો પડે. હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઇ ગઇ છે.16થી 17 ઓક્ટોબરે ચોમાસુ વિધિવત વિદાય લેશે. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ચોમાસાની ઋતુએ વિદાય લીધી છે. ચોમાસું વિદાય લેતા તાપમાનમાં વધારો થશે. વાદળો હટી જતાં વાતાવરણ પણ સ્વચ્છ દેખાઈ રહ્યું છે. તેથી બપોરે 12 વાગ્યા પછીનું તાપમાન 35-36 સુધી જઇ શકે છે. પરંતુ હવે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. 16 નવેમ્બર બાદ ઠંડીનો અહેસાસ શરૂ થઇ જશે.

ગાંધીનગર અને અમરેલીમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
ગઈકાલે રાજ્યમાં સૌથી નીચું તાપમાન ગાંધીનગર અને અમરેલી ખાતે નોંધાવા પામ્યું હતું. ગાંધીનગર 17.7 ડીગ્રી અને અમરેલીનું 19 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું, જ્યારે રાજકોટમાં ગઈકાલે સવારે લઘુતમ તાપમાન 22.4 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે પવનની સરેરાશ ઝડપ 6 કિ.મી. હતી. અમદાવાદમાં ગઈકાલે સવારે 21.9 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાતાં ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો તેમજ વડોદરામાં ગઈકાલે સવારે 21.6 ડીગ્રી, ભાવનગરમાં 23 અને ભૂજમાં 22 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. દર વર્ષે શિયાળામાં જ્યાં શરૂઆતથી જ સૌથી વધુ ઠંડી નોંધાય છે એ ડિસામાં સવારે 23.4 ડીગ્રી અને નલિયામાં 20.2 ડીગ્રી જેટલું ઊંચું લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત સવારે દીવમાં 22.6, દ્વારકામાં 24.5, કંડલામાં 25, ઓખામાં 25.5, પોરબંદરમાં 21.4, સુરતમાં 23.7 અને વેરાવળ ખાતે 24 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં મોડી રાત્રે અને વહેલી સવારે અનુભવાશે ઠંડક
અમદાવાદમાં આજનું મહત્તમ તાપમાન 35 ડીગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડીગ્રી રહેશે તેમજ 54 ટકા ભેજનું પ્રમાણ રહેશે તેમજ મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે. તો અમરેલીમાં મહત્તમ તાપમાન ડીગ્રી અને ન્યૂનતમ તાપમાન ડીગ્રી રહેશે. તો અમરેલી જિલ્લામાં પણ મહત્તમ તાપમાન 36 ડીગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડીગ્રી રહેશે, જ્યારે આણંદમાં મહત્તમ તાપમાન 36 ડીગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડીગ્રી રહેશે. તો અરવલ્લીમાં મહત્તમ તાપમાન 36 ડીગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડીગ્રી રહેશે. અહીં પણ આકાશ એકદમ ચોખ્ખું જોવા મળશે.

બનાસકાંઠામાં દિવસે ગરમીનો અનુભવ
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 36 ડીગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડીગ્રી રહેશે તેમજ દિવસ દરમિયાન ગરમી અને રાત્રિ દરમિયાન ઠંડીનો અનુભવ થશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 35 ડીગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડીગ્રી રહેશે. તો ભાવનગરમાં મહત્તમ તાપમાન ડીગ્રી અને લઘુતમ તાપમાન 27 ડીગ્રી રહેશે. બોટાદમાં મહત્તમ તાપમાન 37 ડીગ્રી અને લઘુતમ તાપમાન 26 ડીગ્રી રહેશે, જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપમાન 34 ડીગ્રી અને લઘુતમ તાપમાન 24 ડીગ્રી રહેશે. તો દાહોદ અને ડાંગ સહિતના જિલ્લાઓમાં આકાશ ચોખ્ખું જોવા મળશે. ડાંગમાં મહત્તમ તાપમાન 29 ડીગ્રી અને લઘુતમ તાપમાન 22 ડીગ્રી રહેશે.

95 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો
આ વખતે જૂન મહિનાના બીજા સપ્તાહથી ચોમાસાનો પ્રારંભ થયો હતો. ચોમાસાની સીઝનમાં 95 તાલુકામાં 40 ઈંચથી વધુ, 130 તાલુકામાં 20થી 40 ઈંચ, 26 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ ઈંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે 10 ઈંચથી ઓછો વરસાદ પડયો હોય તેવો એકપણ તાલુકો નથી. આ વખતે જૂન મહિનામાં 20.52 ઈંચ, જુલાઇમાં 20.92, ઓગસ્ટમાં 10.37, સપ્ટેમ્બરમાં 5.91 અને ઓક્ટોબરમાં 1.04 ઈંચ વરસાદ નોંધાયો હતો. જિલ્લા પ્રમાણે વલસાડમાં સૌથી વધુ 130.43 ઈંચ, ડાંગમાં 105.27 ઈંચ, નવસારીમાં 102.48 ઈંચ સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. સરેરાસ વરસાદ 100 ટકાથી ઓછો પડયો હોય તેવા જિલ્લામાં માત્ર ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદનો જ સમાવેશ થાય છે, પરંતુ હવે ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી છે.

અન્ય સમાચારો પણ છે...