પોલીસ જ બુટલેગર? / લોકડાઉનમાં કડી પોલીસે બુટલેગર સાથે મળી દારૂ વેચ્યો! NDRFની ટીમે કેનાલમાંથી 55 બોટલ વીણી વીણીને શોધી

X

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 08:42 PM IST

કડી. લોકડાઉનની પરિસ્થિતિમાં એકબાજુ કોરોના વોરિયર્સ બની ફરજપરસ્ત પોલીસ ઉપર લોકો પુષ્પવર્ષા કરી રહ્યા છે. તો બીજીબાજુ કડી પોલીસની હરકતથી સમગ્ર પોલીસબેડાનું માથુ શરમથી ઝુકી ગયું છે. લોકડાઉનના કારણે વિદેશીદારૂની ઊભી થયેલી તંગીમાં ખુદ કડી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જ બુટલેગરો સાથે મળી પોલીસ સ્ટેશનમાંથી દારૂનો વેપાર માંડ્યો હતો. જેની ગંધ છેક ગાંધીનગરમાં આવતાં ડીઆઇજીની સૂચના આધારે ગાંધીનગર પોલીસે ઓચિંતી રેડ કરતાં પોલીસબેડામાં અફડાતફડી મચી ગઈ હતી અને દારૂનો વેપલો કરવામાં સામેલ પોલીસના પગ નીચેથી ધરતી સરકી ગઇ હતી. ત્યાર બાદ કડી પોલીસે બુટલેગરો સાથે મળી વધારાનો મુદ્દામાલ સગેવગે કરી દીધો હતો. પોલીસે પોલીસ સ્ટેશનથી પાંચ કિમી દૂર નરસિંહપુરા કેનાલમાં દારૂની પેટીઓ ફેંકી દીધી હોવાનું રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા અને ગાંધીનગર એસપી મયુરસિંહ ચાવડાની તપાસ દરમિયાન ખુલાસો થયો હતો. જેને પગલે આ દારૂ શોધવા માટે ફાયરબ્રિગેડની ટીમ કામે લાગી હતી, પરંતુ દારૂ મળ્યો નહોતો. ત્યાર બાદ NDRFને બોલાવવામાં આવી હતી. NDRFની ટીમે આજે 55 બોટલ દારૂ પાણીમાંથી બહાર કાઢી હતી.

પીઆઈ દેસાઈ અને પીએસઆઈ પટેલ સંપર્ક વિહોણા
લોકડાઉનમાં રિક્વિઝિટ કરેલી ગાડીઓમાં પોલીસે પોલીસ સ્ટેશનથી પાંચ કિમી દૂર નરસિંહપુરા કેનાલમાં દારૂની પેટીઓ ફેંકી દીધી હોવાનું રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા અને ગાંધીનગર એસપી મયુરસિંહ ચાવડાની તપાસ દરમિયાન ખુલતાં તેમના આદેશને પગલે પોલીસે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમના તરવૈયાની મદદથી નરસિંહપુરા નર્મદા કેનાલમાંથી દારૂ શોધવાના પ્રયાસો હાથ ધર્યાં હતા. આ દરમિયાન, કેનાલ નજીક બાવળની ઝાડીઓમાંથી વિદેશી દારૂની ખાલી પેટીઓ અને ખોખા મળી આવતાં પોલીસે કબજે કર્યાં હતા. બીજીબાજુ, દારૂની તપાસનો ધમધમાટ શરૂ કરતાં કડી પીઆઈ દેસાઈ અને પીએસઆઈ પટેલ સંપર્ક વિહોણા બની જતાં તર્ક વિતર્ક થઈ રહ્યાં છે. દરમિયાન, મહેસાણા એસપી મનિષસિંઘે જણાવ્યું કે, મેં ધ્યાને આવતાં આઇજીનું ધ્યાન દોર્યું હતું. તેમણે મને તપાસ કરવા કહ્યું, પણ તટસ્થ તપાસ થાય તે માટે મેં જ થર્ડ પાર્ટીને સોંપવા કહ્યું હતું. તપાસમાં કસુરવાર જણાશે તે તમામ સામે ચોક્કસ પગલાં લઇશું.

(તસવીર અને માહિતીઃ નવીન પટેલ, કડી )

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી