આમ તો ખાનગી સ્કૂલને કોઈ સરકારી સ્કૂલ ટક્કર આપે તે લોઢાના ચણા ચાવવા જેવી વાત કહેવાય. પરંતુ આ અશક્ય વાતને શક્ય બનાવી છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલએ. આ સ્કૂલમાં એડમિશન લેવાનો ધસારો એટલો વધારે છે કે એડમિશન માટે 200નું વેઇટિંગ ચાલી રહ્યું છે. એટલું જ નહિ આસપાસમાં આવેલી કેટલીક ખાનગી સ્કૂલઓએ તો આ સરકારી સ્કૂલને ટક્કર આપવા ફીમાં ડિસ્કાઉન્ટ ઓફર પણ મૂકી હોવાનું સામે આવ્યું છે.
વાલીઓ કેમ સરકારી સ્કૂલોમાં તરફ વળ્યાં?
છેલ્લા કેટલાક વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલમાં શિક્ષણમાં સુધારો આવ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં 11 જેટલી સ્માર્ટ સ્કૂલઓ તૈયાર થઈ ચૂકી છે અને આગામી વર્ષમાં વધુ 8 સ્માર્ટ સ્કૂલ શહેરના અલગ અલગ વિસ્તારમાં શરૂ કરવામાં આવશે. સરકારી સ્કૂલમાં શિક્ષણમાં સુધારો અને ફી ઉઘરાવવામાં ખાનગી સ્કૂલઓની મનમાની સામે વાલીઓ હવે ફરી સરકારી સ્કૂલઓ તરફ વળ્યાં છે. અમદાવાદના સૈજપુર કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલ સંકુલ કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત છે જ્યાં એડમિશન લેવા માટે ભારે ધસારો જોવા મળ્યો છે.
શિક્ષકો પણ ખૂબ સારી રીતે ભણાવે છે: પ્રિન્સિપાલ
સ્કૂલના પ્રિન્સિપાલ ચંદ્રકાન્તભાઈએ જણાવ્યું હતું કે, આ સ્કૂલમાં સરકાર તરફથી તમામ સુવિધા આપવામાં આવી છે, અહીંયા શિક્ષકો પણ ખૂબ સારી રીતે ભણાવે છે જે સૌ જાણે છે, માટે વાલીઓ પોતાના બાળકોને અહીંયા ભણવવા માંગે છે. સ્કૂલમાં શિક્ષણ સિવાયની અન્ય એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે જેમાં બાળકોને રસ પણ પડે છે.
એક ક્લાસમાં 40ની સંખ્યા
આ સ્કૂલના શિક્ષક પ્રદીપ રાજગુરુએ જણાવ્યું કે, SVP સ્કૂલમાં ગુજરાતી અને અંગ્રેજી એમ બે માધ્યમ ધોરણ 1થી 8 ચાલે છે. ગુજરાતી માધ્યમમાં ધોરણ 1થી 8માં 862 વિદ્યાર્થીઓ છે.એક ક્લાસમાં 40ની સંખ્યા છે. ગુજરાતી માધ્યમમાં એડમિશન માટે 125નું વેઇટિંગ ચાલી રહ્યું છે. જ્યારે અંગ્રેજી માધ્યમમાં ધોરણ 1થી 8માં 663 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને એડમિશન માટે 200નું વેઇટિંગ ચાલી રહ્યું છે. SVP સ્કૂલમાં એડમિશન માટે સતત વાલીઓની ઇન્કવાયરી આવતી રહે છે.
આ સ્કૂલ કેમ છે વાલીઓની પહેલી પસંદ?
અહીંની અભ્યાસની પદ્ધતિની સાથે પૌષ્ટિક મધ્યાહન ભોજન મળે, ગણવેશ સહિત તમામ વસ્તુ ફ્રી મળે છે. કોરોનામાં લોકડાઉનમાં પણ વિદ્યાર્થીઓને અહીંના શિક્ષકોએ ઓનલાઇન શિક્ષણ સતત પૂરું પાડ્યું.અહીંની આસપાસની ખાનગી સ્કૂલઓની સરખામણીમાં પણ SVP સ્કૂલ એડમિશન માટે ધસારો રહે છે. એટલે સુધી કે આસપાસની ખાનગી સ્કૂલઓએ સ્કીમ રાખી છે. કે SVP સ્કૂલમાંથી જે એડમિશન રદ કરાવી અમારી સ્કૂલમાં આવે તેઓને ફીમાં 2 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.