• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • AMC's Khadhotsav, Money, Pain Paritap Prajana; 3 Fractures In The Shoulder, One Broke The Lid, One Sprained The Arm After Falling Into The Pit.

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:AMCનો ખાડોત્સવ, પૈસા, પીડા પરિતાપ પ્રજાનાં; ખાડામાં પડતાં ખભામાં 3 ફ્રેક્ચર, કોઈની ઢાંકણી તૂટી, તો કોઈનો હાથ મચકોડાયો

અમદાવાદ8 દિવસ પહેલાલેખક: ચિંતન રાવલ
  • કૉપી લિંક
  • શહેરમાં એકપણ વિસ્તાર એવો નથી જ્યાં તૂટેલા રોડ કે ખાડા ન હોય, વાહનોને નુકસાનના કિસ્સા પણ વધી ગયા
  • સિવિલમાં કમર, મણકાની તકલીફવાળા દર્દીઓ 50 ટકા વધ્યા

અમદાવાદમાં વરસાદને કારણે 10 હજારથી પણ વધુ ખાડા પડી ગયા છે, જ્યારે 62 જગ્યાએ ભૂવા પડ્યા હતા. આ ભૂવા અને ખાડામાં પડવાથી સંખ્યાબંધ વાહનોને નુકસાન થયું છે, જ્યારે વાહનચાલકો પણ ઇજાગ્રસ્ત થયા છે. મ્યુનિ.ની બેદરકારીને કારણે થયેલા આ ‘ખા઼ડોત્સવ’માં વાહન સાથે પડવાથી રોજના 500 લોકોને સારવાર લેવી પડે છે. કેટલાક લોકો માટે મ્યુનિ.ના વાંકે પડેલા આ ખાડા જીવલેણ સાબિત થયા છે, જેમાં કેટલાક લોકોને ફ્રેક્ચર થયાં છે, તો ઘણાની ઢાંકણી તૂટી ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં કમર, મણકાની ગાદી ખસી જવાની તકલીફના રોજના 200થી વધુ કેસ આવતા હતા, જે વધીને 500 સુધી પહોંચ્યા છે, જેમાંથી મોટા ભાગના લોકોને ખાડાવાળા રસ્તા પર વાહન ચલાવવાથી તકલીફો થઈ હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે.

ખભાના ત્રણ હાડકામાં ફ્રેક્ચર થયું, પ્લેટ નાખવી પડી ને 22 ટાંકા આવ્યા
અદાણી શાંતિગ્રામમાં રહેતા વિરેન્દ્ર તિવારી દુકાન બંધ કરીને ઘરે જતા હતા ત્યારે ગોતા એસજી હાઈવે રોડ ખાડા ટેકરાવાળો હોઇ, પાણી ભરાયેલું હોવાથી ખાડા ન દેખાતાં એક્ટિવા ખાડામાં પટકાઇને સ્લીપ થતાં નીચે પટકાતાં ઈજા થઈ હતી. ખભાના ત્રણ હાડકાંમાં ફ્રેક્ચર હોવાનું જણાતાં ખભાનું ઓપરેશન કરી પ્લેટ નાખીને 22 ટાંકા લીધા હતા. હજુ ડોક્ટરે 2 મહિના સુધી આરામ કરવાની સલાહ આપી છે.

ટુ-વ્હિલર ખાડામાં પડતાં ત્રણ મહિનાનો ખાટલો આવી ગયો
બોપલમાં સ્કૂલથી છૂટીને રાજ(14) અને તેનો મિત્ર ટુ-વ્હિલર પર ઘરે જતા હતા ત્યારે કારના પસાર થવાથી પાણી ઉડતાં ટુ-વ્હિલરનું બેલેન્સ ગુમાવતાં ખાડામાં પછડાયું હતું અને સ્લીપ થતાં પાછળ બેઠેલા રાજના ઘૂંટણની ઢાંકણી ખુલી જતાં અંદરના હાડકાં દેખાવા લાગ્યા હતા અને રાજ ઉભો થઈ શકે તેવી હાલતમાં નહોતો. જેથી તેના મિત્ર અને લોકોએ તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો. આઈસીયુ અને ટ્રોમાં સેન્ટરના ડો.રવિ પ્રજાપતિએ તાત્કાલિક ઘૂંટણનું ઓપરેશન કર્યું હતું. ઘૂંટણના ફિમર બોર્ડ પર ફ્રેક્ચર થયું હોવાથી ત્રણ દિવસની સારવાર બાદ રજા આપવામાં આવી હતી. જો કે રાજને હજુ ત્રણ મહિના સુધી બેડરેસ્ટ જ લેવો પડશે તેવું ડોક્ટરે જણાવ્યું હતું.

ખાડામાં પગ પડતાં બેલેન્સ બગડ્યું અને હાથમાં મચકોડ આવી ગઈ
શાહવાડીમાં રહેતા પાન્ડુરંગ મોરે મોતીપુરા પાસેથી પસાર થતા હતા ત્યારે રોડ એટલો ખાડાવાળો હતો. પરંતુ પાણી ભરાયેલું હોવાથી અચાનક ખાડામાં પગ પડતાં બેલેન્સ ગુમાવતાં પડી ગયો હતો. હાથના ભાગે અસહ્ય દુખાવો થતાં, તરત જ દીકરાને બોલાવીને તાત્કાલિક હાડવૈદને ત્યાં પહોંચી તપાસ કરતાં હાથમાં મચકોડ આવ્યો હોવાથી 10 દિવસનો પાટો બાંધી આપ્યો હતો.

...અને તંત્ર શું કહે છે
10 હજારમાંથી 9 હજાર ખાડા પૂરી દીધાનો મ્યુનિ.નો દાવો

શહેરમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં વરસાદના લીધે 10 હજારથી વધુ સ્થળે રોડ પર ખાડા પડવા, તૂટી જવાની ફરિયાદ મ્યુનિ.ને મળી છે. તેમાંથી 9 હજારથી વધુ ખાડાનું રિપેરિંગ કામ કર્યાનો મ્યુનિ.એ દાવો કર્યો છે. જ્યારે 61થી વધુ ભૂવા પડ્યા છે. હજુ પણ 32 ભૂવાના રિપેરિંગની કામગીરી ચાલે છે. મણિનગરમાં શુક્રવારે આખે આખી ટ્રક ઉતરી જાય તેટલો ભૂવો પડ્યો છે.

મોટાભાગનામાં મણકાની ગાદી, કમરના દુખાવાની તકલીફ
ઓપીડીમાં રોજ 300 કમર-મણકાના દર્દીઓ આવતા હતા. પરંતુ વરસાદમાં રોડ પર ખાડા પડવાથી ઓપીડીમાં આ સંખ્તા 450-500એ પહોંચી ગઈ છે. મોટાભાગના દર્દીમાં મણકાની ગાદી ખસવી, કમરમાં દુખાવો જેવી તકલીફ જોવા મળી છે. - ડો. પીયૂષ મિત્તલ, ઓર્થોપેડિક વિભાગના એસો. પ્રોફેસર, સિવિલ

અન્ય સમાચારો પણ છે...