વહીવટદારની નિમણૂક:AMCની ચૂંટાયેલી પાંખની મુદત પૂરી, 20 વર્ષ પછી વહીવટદાર, ફેબ્રુઆરીમાં મ્યુનિ.ની ચૂંટણી યોજાવાની શક્યતા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મ્યુનિ. કમિશનર મુકેશકુમાર આજથી ચાર્જ સંભાળી લેશે

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખની મુદત રવિવારે રાત્રે પૂરી થઈ છે. 20 વર્ષ પછી અમદાવાદ કોર્પોરેશનમાં વહીવટદાર નિમાયા છે. મ્યુનિ. કમિશનર મુકેશકુમાર આજથી વહીવટદારનો ચાર્જ સંભાળશે. અગાઉ 1 ઓક્ટોબર 2000થી 15 ઓક્ટોબર સુધી પી.કે. લહેરીની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

મ્યુનિ.ની ચૂંટાયેલી પાંખની મુદત ડિસેમ્બર મહિનામાં પૂરી થવાની હતી તે પૂર્વે ચૂંટણી યોજવી પડે તેમ હતી પરંતુ કોરોનાને કારણે નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીઓ રાજ્ય સરકારે મુલતવી રાખી હતી. જેને કારણે વહીવટદારની નિમણૂક કરવી પડી છે. હવે આગામી ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાવાની શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થતી હોવાને પગલે તાજેતરમાં જ અમદાવાદ કોર્પોરેશનને 1 હજારથી વધુ કરોડના વિકાસકામોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મેયરે પણ છેલ્લા બે દિવસથી કોમ્યુનિટી સેન્ટરના ઉદઘાટન કર્યા હતા.

વિકાસ કામોની CM-મેયર વચ્ચે ચર્ચા
મુદત પૂરી થવાની પૂર્વ સંધ્યાએ મેયર બંગલે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક પણ યોજાઈ હતી. જેમાં મ્યુનિ. ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આગામી ચૂંટણીની વ્યૂહરચના ઉપરાંત 5 વર્ષમાં કરેલા વિકાસકાર્યો માટે શાસક ભાજપે તૈયાર કરેલી બુકનું પ્રેઝન્ટેશન મુખ્યમંત્રીને બતાવવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં આ બુક પ્રસિદ્ધ કરાશે.

અન્ય સમાચારો પણ છે...