મ્યુનિ.માં ગ્રીન પ્રોજેક્ટના કામો માટે 200 કરોડના બોન્ડ લેવાના તંત્રની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. આ ઉપરાંત મ્યુનિ. બીજી 350 કરોડની લોન ગુજરાત સ્ટેટ ફાઈનાન્સ કોર્પોરેશન (જીએસએફએસ) પાસેથી લેશે. આ લોન પગાર, રોડ, ગટર, પાણી જેવા પ્રાથમિક કામો માટે લેવાશે. મ્યુનિ. જ્યારે 200 કરોડના બોન્ડ લેશે તે બાદ મ્યુનિ.નું દેવું 1100 કરોડ પર પહોંચવાની ધારણા છે.
GSFS પાસેથી 350 કરોડની લોન લેવાશે
મ્યુનિ. અત્યારે જે જીએસએફએસ પાસે જે 350 કરોડના લોન લેવા જઇ રહી છે તે 7 વર્ષ માટે આપશે તેમજ તેનનું વ્યાજદર હાલ અન્ય બેંકો જે વ્યાજ ચુકવે છે તેથી 0.25 ટકા જેટલું ઓછું હશે. રિવરફ્રન્ટ માટે લેવાયેલી લોનમાં જ મ્યુનિ.ને 6.75 ટકા વ્યાજ ચૂકવવાનું રહે છે. મ્યુનિ. આવક વધારવા પ્રહલાદનગર, સિંધુભવન અને રિવરફ્રન્ટ પર બની રહેલા મલ્ટિલેવલ પાર્કિંગની દુકાનો વેચશે. અગાઉ મ્યુનિ.ને સ્માર્ટ સિટી સહિત અન્ય કામગીરી માટે 700 થી 800 કરોડની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર પાસે મળતી હતી. તે રકમ જ્યારે મળે ત્યારે તે પહેલા અન્ય કામોમાં એડજસ્ટ કરી દેવાતી હતી.
રિવરફ્રન્ટની 350 કરોડની લોન ચાલે છે
SVP દર મહિને 17 કરોડની ખોટ કરે છે
એસવીપી હોસ્પિટલ કરોડના ખર્ચે બનાવ્યા બાદ તેને મેઇન્ટેન કરવા - ચલાવવા માટે મ્યુનિ.ને દર મહિને રૂ. 17 કરોડની ખોટ જઇ રહી છે. એટલે કે બાર મહિને રૂ. 200 કરોડની ખોટ જઇ રહી છે. ત્યારે હવે રાજ્ય સરકાર વાર્ષિક 200 કરોડની રકમ ચુકવે તેવી માગ મ્યુનિ. દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી છે.
વિકાસ કામો માટે 1217 કરોડ ખર્ચાશે
કઇ બાબત માટે | 2021 | 2,022 |
આવક | 1727 | 2,469 |
ખર્ચ | 2039 | 2,490 |
પગાર ખર્ચ | 278 | 333 |
વિકાસના કામો પાછળ | 963 | 1217 |
કેપિટલ ખર્ચ | 2468 | 1,216 |
(ખર્ચ રૂપિયા કરોડમાં) |
ગત વર્ષે મ્યુનિ.ની આવક 1727 કરોડ હતી. જે વધીને 2022માં 2469 કરોડે પહોંચી ગઈ છે.
કોરોનાકાળમાં 900 કરોડથી વધુ નુકસાન
કોરોનાકાળમાં મ્યુનિ.એ જે ખર્ચ કર્યો તે પેટે 459 કરોડ રાજ્ય સરકારે ચૂકવ્યા છે. તેમ છતાં મ્યુનિ.ની હાલત અંગે પૂછાતાં સ્પષ્ટતા કરવામાં આવી હતીકે, મ્યુનિ.ને તેની કેટલીક સેવાઓની આવક નહીં થવાને કારણે અંદાજે 900 કરોડ જેટલું નુકસાન થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.