રેવન્યુ કમિટીનો નિર્ણય:AMC લોકોને હવે પ્રોપર્ટી કે અન્ય ટેક્સનું નો ડ્યુ સર્ટિફિકેટ આપશે, નાગરિકો સાથે ઘર્ષણ ટાળવા કાયદેસરનો નિર્ણય

અમદાવાદ2 મહિનો પહેલા

અમદાવાદના નાગરિકો કોઈપણ મિલકત ત્યારે વેચાણ કરે છે ત્યારે ઘણા કિસ્સાઓમાં અગાઉના ભાડુઆતના પ્રોફેશનલ ટેક્સના નાણાં બાકી હોય છે, જે અંગે મિલકત ખરીદનારા નવા માલિકને જાણ હોતી નથી. જેથી આજે મળેલી રેવન્યુ કમિટીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ટેક્સ વિભાગ દ્વારા હવેથી પ્રોપર્ટી ટેકસ તથા પ્રોફેશન ટેક્સ અંગે કાયદેસર ‘નો ડ્યુ સર્ટિફિકેટ’ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકને કોઇપણ મિલકતનું ખરીદ વેચાણ કરતી વખતે પ્રોપર્ટી અને અન્ય ટેક્સ સંપુર્ણ ભરપાઇ થયો છે તેવા સર્ટિફિકેટની જરૂર હોય છે. AMCના વિવિધ ખાતાઓમાં તેમજ અન્ય સંલગ્ન સંસ્થાઓમાં કોઇપણ કામગીરી માટે પ્રોપર્ટી તથા અન્ય ભરવાપાત્ર ટેક્સ પૂરેપૂરો ભરેલો છે તેવા પુરાવા આપવાની જરૂર હોય છે. ઘણા સરકારી કચેરીઓમાં ઓફિશિયલ *નો ડ્યુ સર્ટિફિકેટ’ રજૂ કરવા અંગે આગ્રહ કરવામાં આવે છે અને આવી પ્રકારની કોઇ સુવિધા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉપલબ્ધ નથી. જેથી ઘણીવાર નાગરિકોને મુશ્કેલી પડતી હોય છે તેમજ સ્ટાફ સાથે બિનજરૂરી ઘર્ષણ થાય છે.

સામાન્ય રીતે પ્રોપર્ટી ટેક્સ અંગેની જાણકારી નાગરિકોને હોય છે, પરંતુ ઘણીવાર બાકી પ્રોફેશનલ ટેક્સ વિષે જાણકારી હોતી નથી. ઘણા કિસ્સાઓમાં અગાઉના ભાડૂઆતના પ્રોફેશન ટેક્સના નાણાં બાકી હોય છે, જે અંગે મિલકત ખરીદનાર નવા માલિકને જાણ હોતી નથી. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પ્રોપર્ટી ટેક્સ તથા પ્રોફેશન ટેક્સ અંગે કાયદેસર ‘નો ડ્યુ સર્ટિફિકેટ’ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર જે ટેનામેન્ટ નંબરની વિગત એન્ટર કરતા બાકી પ્રોપટી ટેક્સની સાથે મિલકતમાં બાકી પ્રોફેશન ટેક્સની વિગત પણ દર્શાવવામાં આવશે. તેમજ જો ટેક્સ સંપૂર્ણપણે ભરેલો હશે તો નિયત ફોર્મમાં ‘નો ડ્યુ સર્ટિફિકેટ’ આપવામાં આવશે. આ ‘નો ડ્યુ સર્ટિફિકેટ' જે તે તારીખ સુધી કોઇ પ્રોપર્ટી અથવા પ્રોફેશન ટેકસની રકમ બાકી ન હોય તે શરતે આપવામાં આવશે. ‘નો ડ્યુ સર્ટિફિકેટ' કોર્પોરેશનની કચેરીમાં રૂબરૂ આવ્યા સિવાય ફક્ત એક ક્લિકમાં ઓનલાઈન ઉપલબ્ધ થઇ શકશે. અને આ સર્ટિફિકેટ વિના મુલ્યે ઉપલબ્ધ થઇ શકશે. ઇ- ગર્વનન્સ ખાતા તરફથી આ બાબત અંગે આયોજન કરવામાં આવ્યું છે. જેથી નાગરિકોને ટુંક સમયમાં આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ થશે.

આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઇપણ ચેક રીટર્ન થાય તો તેની ઉપર કલમ 138 મુજબ ફરીયાદ નોંધાવાની જોગવાઇ છે. જેમાં રહેઠાણની મિલકતો માટે રૂ.500 અથવા ચેકની રકમના 5 ટકા (બે માંથી જે ઓછી રકમ હોય), બિન રહેઠાણ મિલકતો માટે રૂ. 1000 અથવા ચેકની રકમના 5 ટકા (બે માંથી જે વધુ રકમ હોય)ની પેનલ્ટી લાગે છે. આવા સંજોગોમાં બિનરહેઠાણની મિલકતોમાં કોઇપણ ટેક્નિકલ અથવા અન્ય કારણથી જો ચેક રીટર્ન થાય તો કલમ 138ની કાર્યવાહી ઉપરાંત ખુબ જ મોટી પેનલ્ટીની રકમ લાગે છે. જે ધ્યાને લેતાં હવે પછીથી જેન્યુઈન ટેક્સપેયરની કોઇ ક્ષતિને કારણે તેઓને ખૂબ જ મોટી રકમનો દંડ ન થાય તે હેતુથી બિન રહેઠાણની મિલકતોમાં પણ રહેઠાણની મિલકતોની જેમ ચેક રીટર્ન થાય છે. તો રૂ. 1000 અથવા ચેકની રકમના 5 ટકા બેમાંથી જે ઓછી રકમ હોય તેટલો વહીવટી ચાર્જ લગાવવા મ્યુનિસિપલ કમિશ્નર સાથે પરામર્શ કરી હતી. જરૂરી સૂચના નાણાં ખાતે આપવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવશે. જેથી કરદાતાઓને એક્સોબિટન્ટ પેનલ્ટીની રકમમાં રાહત મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...