ચેકિંગ પર સવાલો ઉઠ્યા:AMCએ દિવાળીના તહેવાર સમયે 300 દુકાનોમાંથી નમૂના લીધા જેમાંથી 18 જેટલા નમૂના અપ્રમાણિત ઠર્યા

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • ફૂડ ઇન્સ્પેક્ટરોએ અલગ અલગ વિસ્તારમાંથી મીઠાઈ, બેસન ,દૂધની બનાવટો, વેજ સબ્જીનમા નમૂના લીધા હતાં

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા દશેરા અને દિવાળીના તહેવાર દરમ્યાન ફાફડા- જલેબી, લોટ, મીઠાઈ, મુખવાસ વગેરેની દુકાનોમાં ભેળસેળ અંગે તપાસ કરવામા આવી હતી. શહેરમાં અંદાજે 5 હજારથી વધુ મીઠાઈ અને અન્ય ખાણીપીણીની દુકાનો આવેલી હશે. પરંતુ ફૂડ વિભાગે માત્ર 300 જેટલી જ દુકાનોમાંથી નમુના લીધા હતા અને 18 જેટલા જ નમુના અપ્રમાણિત તેમજ સબ સ્ટાન્ડર્ડ હોવાનું બહાર આવ્યું છે. કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા ચેકિંગ કરી નમુના લઈ તપાસમાં જો માત્ર 18 જ દુકાનોમાં બિન આરોગ્યપ્રદ ખાવાનું હોય તો અમદાવાદમાં મોટાભાગે આરોગ્યપ્રદ અને સ્વચ્છ ખાવાનું મળતું હોય તેવું સ્પષ્ટ થાય છે.

18 નમૂના જ અપ્રમાણિત આવતા શંકાઓ સેવાઈ
દશેરા પહેલા અને દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને ફુડ વિભાગ આગળના દિવસોમાં ચેકિંગ કરતું હોય છે. ફૂડ વિભાગના વડા ભાવિન જોશીની આગેવાનીમાં કામ કરતા ફૂડ ઇન્સ્પેક્ટરોએ અલગ અલગ વિસ્તારમાંથી મીઠાઈ, બેસન ,દૂધની બનાવટો, વેજ સબ્જી વગેરેના નમુના લીધા હતા. ફૂડ ઇન્સ્પેક્ટરોએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કુલ 300થી વધુ દુકાનોમાંથી નમુના લીધા હતા. નવરાત્રિથી 15 નવેમ્બર સુધીમાં કુલ 18 જ નમુના અપ્રમાણિત હોવાનું બહાર આવ્યું છે જે અનેક શંકા કુશંકા દર્શાવે છે. ફૂડ વિભાગની માહિતી મુજબ જો આટલા ઓછા નમુના અપ્રમાણિત આવે એનો મતલબ એમ છે કે અમદાવાદ શહેરમાં આરોગ્યપ્રદ જ મીઠાઈ અને ખાવાનું મળે છે.

તંત્રએ લીધેલા ફૂડના નમૂનાઓની વિગત
તંત્રએ લીધેલા ફૂડના નમૂનાઓની વિગત

બિનઆરોગ્યપ્રદ પદાર્થોનો નાશ કરાયો હતો
દિવાળી ટાણે લીધેલા નમૂનામાં નિયમોનું પાલન નહીં કરવા બદલ 2 લાખ 33 હજાર અને 700 જેટલો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ દરમિયાન 75 કિલો ગ્રામ બિનઆરોગ્યપ્રદ પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. અલગ અલગ 11 જેટલા નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરીએ ખાતે મોકલી આપવામાં આવ્યા હતાં. ફૂડ વિભાગ દ્વારા દિવાળીના સમયમાં ગોકુળ ડેરી નરોડા , અંબિકા ડેરી નરોડા, રાજેશ ડેરી નરોડા અને કૃષ્ણ ડેરી નરોડા ખાતે થી 2018 કિલોગ્રામ જથ્થો સ્થગિત કરવામાં આવ્યો હતો. જેની કિમત 3 લાખ 52 હજાર 300 રૂપિયા થાય છે તો બીજી તરફ યોગેશ ટ્રેડર્સ સરખેજ ખાતેના એક ફાયમસના નમૂના અપ્રમાણિત થવા પામ્યા હતા.