તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી સુવિધા:અમદાવાદીઓને હવે મોબાઈલ પર જ પ્રોપર્ટી ટેક્સની માહિતી મળી રહેશે, KYC ફોર્મ ઓનલાઇન અથવા ઓફલાઇન ભરી વિગતો આપવી પડશે

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
AMC ઓફિસની ફાઈલ તસવીર - Divya Bhaskar
AMC ઓફિસની ફાઈલ તસવીર
  • રેલવે વિભાગ કોર્પોરેશનનો રૂ. 21 કરોડનો ટેક્સ ન ચૂકવે ત્યાં સુધી રેલવેને કોઈ રકમ ન ચૂકવવા કમિટીનો નિર્ણય
  • મ્યુનિ. કોર્પોરેશનને ચાલુ વર્ષે રૂ.630 કરોડની આવક થઈ છે

અમદાવાદ શહેરના લોકોને પ્રોપર્ટી ટેક્સની જરૂરી માહિતી અને ઓનલાઇન સર્વિસ આપી શકાય એના માટે આજે મળેલી રેવન્યુ કમિટીમાં એક નિર્ણય લેવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ટેક્સ બિલ મોકલવામાં આવે છે તેની સાથે એક KYC ફોર્મ પણ મોકલવામાં આવશે. જેમાં ટેક્સધારક મોબાઈલ નંબર, ટેનામેન્ટ નંબર સહિતની પોતાની વિગતો ભરીને નજીકમાં સિવિક સેન્ટર પર જમા કરાવશે. જેનાથી તેને તમામ માહિતી અને અપડેટ મોબાઈલ પર મળતા રહેશે.

31 ઓક્ટોબર સુધીમાં ટેક્સ બિલ આપી દેવાશે
રેવન્યુ કમિટિના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા 31 ઓક્ટોબર સુધી તમામ ટેક્સ બિલ આપી દેવામાં આવશે. ટેક્સ બિલ સાથે સાથે એક KYC ફોર્મ આપવામાં આવશે. જેમાં મિલકત ધારકોને પોતાના મોબાઈલ નંબર ઉપરાંત લાઈટ બિલ નંબર આપી અને મિલકત ધારકોના ડેટા લેવામાં આવશે. ઓનલાઇન કોર્પોરેશનની વેબસાઈટ ahmedabadcity.gov.in પર જઈ online service online service (without login) tax department-update your detail for better civic service પર માહિતી આપી અને કોર્પોરેશનના ટેક્સ અને અન્ય માહિતીની અપડેટ મેળવી શકશે.

કોર્પોરેશનને ચાલુ વર્ષે 630 કરોડની આવક
ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનને રેલવે વિભાગ પાસેથી મિલકત વેરા પેટે રૂપિયા 21 કરોડો રૂપિયા બાકી લેવાના નીકળે છે. આ રૂપિયા વસૂલવા માટે કોર્પોરેશન દ્વારા રજૂઆત કરવા છતાં રેલવે દ્વારા ટેક્સ ભરપાઈ કરવામાં આવ્યો નથી. ત્યારે આજે રેવન્યુ કમિટિ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, રેલવે વિભાગ ટેક્સની રકમની ભરપાઇ ન કરે ત્યાં સુધી કોર્પોરેશનનાં સીટી ઈજનેર અને બ્રિજ ખાતા દ્વારા રેવન્યુ કમિટીની NOC વગર રેલ્વે વિભાગને કોઈપણ રકમની ચુકવણી કરવી નહીં.

રેલવે વિભાગ પાસેથી રકમની ચુકવણી માટે અવારનવાર પત્ર લખી જાણ અને મીટીંગ છતાં કોઈ નિર્ણય ન આવતાં કમિટિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ કોર્પોરેશનને ચાલુ વર્ષે થયેલી આવક પર નજર કરીએ તો કોર્પોરેશનને કુલ 630.39 કરોડની આવક થઈ છે. જેમાં મિલકત વેરો 502.1 કરોડ, પ્રોફેશનલ ટેક્સ 77 કરોડ અને વ્હીકલ ટેક્સની 51.35 કરોડ આવક થઈ છે.