તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હરિયાળું બનશે અમદાવાદ:AMC એપ દ્વારા ઘર, ઓફિસ કે સોસાયટીમાં વૃક્ષારોપણની નિઃશુલ્ક 'સેવા' આપશે, શહેરનું ગ્રીન કવર 15 ટકા સુધી લઈ જવાનો લક્ષ્યાંક

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મ્યુનિ. કોર્પોરેશને AMC-સેવા નામની એપ્લિકેશન લોન્ચ કરી.
  • રજીસ્ટ્રેશન કરાવવા પર નિઃશુલ્ક વૃક્ષારોપણ કરી આપશે.

આજે વિશ્વ પર્યાવરણ દિવસે AMCએ ખાસ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. જેની મદદથી શહેરીજનોને પોતાના ઘર આંગણે, સોસાયટી, ઓફિસ કે સંસ્થાની જગ્યામાં વૃક્ષારોપણ માટે વૃક્ષો નિઃશુક્લ ઉપલબ્ધ કરાવાશે. આ સાથે જ અમદાવાદ શહેરનું ગ્રીન કવર વધારીને 15 ટકા સુધી લઈ જવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો લક્ષ્યાંક છે.

25જૂનથી 30 સપ્ટેમ્બર સુધી નિઃશુલ્ક વૃક્ષારોપણ
મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે જણાવ્યું હતું કે, 5 જૂન 2021થી 30 સપ્ટેમ્બર 2021 દરમિયાન AMC-સેવા મોબાઈલ એપ્લિકેશન દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોના ઘરે 25 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી નિઃશુલ્ક વૃક્ષારોપણ કરી આપવામાં આવશે.

AMC-સેવા એપ્લિકેશન દ્વારા વૃક્ષારોપણ કરાવવાના સ્ટેપ્સ

  • AMC-સેવા મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી
  • પ્લાન્ટેશન ઓન ડીમાન્ડ દ્વારા કેટેગરી અને પ્લાન્ટની જાત નક્કી કરવી
  • વૃક્ષારોપણ સ્થળ નક્કી કરવું
  • એસ.એમ.એસ દ્વારા મળેલા મેસેજની ખરાઈ કરવી
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

2021-22માં 13.40 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક
શહેરમાં ગ્રીનકવર વધારવા ધરાયેલા પ્રયાસોથી 2021-22માં 13.40 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે. તેમાં પણ શહેરમાં અત્યારે 14 લાખથી વધારે વૃક્ષો હયાત છે. છેલ્લા 2 વર્ષમાં શહેરનું ગ્રીનકવર 4.66 ટકાથી વધીને 10.13 ટકા પર પહોંચ્યું છે. 2012માં જ્યાં શહેરમાં હાથ ધરાયેલા ટ્રી સેન્સસ પ્રમાણે શહેરના ભૌગોલિક વિસ્તારના માંડ 4.66 ટકા જેટલું ગ્રીન કવર હતું. તેને ધ્યાને લઇ મ્યુનિ.એ મિશન મિલિયન ટ્રી હેઠળ આ ગ્રીન કવર 15 ટકા સુધી લઇ જવાનો લક્ષ્યાંક છે.

બે વર્ષમાં શહેરનું ગ્રીન કવર 6 ટકા વધ્યું
શહેરમાં છેલ્લા બે વર્ષમાં વૃક્ષારોપણ બાદ સરેરાશ 65 ટકા જેટલા વૃક્ષ જીવંત રહે છે. તેને કારણે શહેરમાં 6 ટકા જેટલું ગ્રીનકવર વધ્યું છે. શહેરમાં અત્યારે 283 બગીચાઓ છે. જેમાં ગયા વર્ષે 14 નવા બગીચા બનાવ્યા હતા. ચાલુ વર્ષે 17 નવા બગીચા બનશે. શહેરમાં 42 જેટલા અર્બન ફોરેસ્ટ તૈયાર કરાયા છે, જેમાં ચાલુ વર્ષે બીજા 10 નવા અર્બન ફોરેસ્ટ બનાવાશે. મિયાવાકી પદ્ધતિથી 10 પ્લોટમાં વૃક્ષારોપણ થશે. ગોતા વોર્ડમાં સ્મૃતિવન બનાવાશે, જ્યાં વડ, પીપળો, લીમડો, સહિતના વૃક્ષો વવાશે. જેમા 40 હજાર જેટલાં વૃક્ષો ઉગાડાશે. તેમજ વોક-વે, કસરતના સાધનો, વનકુટિર જેવા આકર્ષણ ઊભાં કરાશે.

વડ, પીપળો, લીમડો, ગુલમહોર જેવાં વૃક્ષ એપ મારફતે પણ મેળવી શકાય છે
શહેરીજનોને સરળતાથી વૃક્ષો મળી રહે તે માટે મ્યુનિ.ની સેવા એપ્લિકેશન મારફતે પ્લાન્ટેશન ઓન ડિમાન્ડ દ્વારા રજીસ્ટ્રેશનનો વિકલ્પ આપ્યો છે. જેમાં શહેરીજનોને વડ, પીપળો, લીમડો, બોરસલ્લી, ગુલમહોર જેવા 20થી વધુ જાતના વૃક્ષો ઘરે રોપી અપાય છે. જેમાં ચોક્કસ માગ પર તેને 5 વૃક્ષ, સોસાયટીની માગ પર 10 વૃક્ષ, કોર્પોરેટ સંસ્થાને 25 વૃક્ષ અને ઇન્સ્ટિટ્યુટને 50 વૃક્ષ ફાળવાય છે. આ એપ મારફતે ગયા વર્ષે નાગરિકોએ 60 હજાર વૃક્ષ મેળવ્યા હતા.