નદીમાં કોરોના વાયરસ:સાબરમતીમાં કોરોના વાયરસ હોવાની IIT ગાંધીનગરના રિસર્ચ બાદ AMCએ નદીમાંથી સેમ્પલ લીધા

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અમદાવાદના લોકોને સાબરમતી નદીમાંથી નહીં પરંતુ નર્મદાનું પાણી મળે છે, જેથી ડરવાની જરૂર નથી : વોટર કમિટિ ચેરમેન

દેશની પ્રતિષ્ઠિત IIT ગાંધીનગર સહિત 8 સંસ્થાઓએ મળી પાણીમાં કોરોના વાયરસ મામલે અભ્યાસ કર્યો હતો. જેમાં અમદાવાદની સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવમાંથી કોરોના વાયરસની તપાસ માટે પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં સાબરમતી નદીમાં કોરોના વાયરસની હાજરી જોવા મળી હતી. વર્ષ 2020ના છેલ્લા ચાર મહિનામાં 16 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 5 જેટલા સેમ્પલ પોઝિટિવ જણાયા હતા. જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દોડતું થયું છે અને તંત્ર દ્વારા પાણીના સેમ્પલ લેવાયા છે.

AMCએ નદી અને તળાવોમાંથી સેમ્પલ લીધા
સાબરમતી નદીમાં કોરોના વાયરસ હોવાની વાત સામે આવ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દોડતું થયું હતું. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. વોટર એન્ડ ડ્રેનેજ કમિટિના ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદીઓને સાબરમતી નદીમાંથી પીવાનું પાણી નથી પહોંચાડવામાં આવતું. નર્મદાની પાઇપલાઇનમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે જેથી ચિંતાનું કારણ નથી.

દેશની 8 સંસ્થાએ સાથે મળીને આ અભ્યાસ કર્યો હતો
IIT ગાંધીનગર સહિત દેશની 8 સંસ્થાએ સાથે મળીને આ અભ્યાસ કર્યો હતો. એમાં નવી દિલ્હી ખાતે આવેલી જેએનયુની સ્કૂલ ઓફ એન્વાયર્નમેન્ટલ સાયન્સીઝના સંશોધકોનો પણ સમાવેશ થાય છે. આસામના ગુવાહાટી ક્ષેત્રમાં નદીઓની તપાસ કરી તો ત્યાં પણ ભારૂ નદીમાંથી લેવામાં આવેલું એક સેમ્પલ કોરોના સંક્રમિત આવ્યું છે. સુએજ સેમ્પલ લઈને કરવામાં આવેલી તપાસ દરમિયાન કોરોના વાયરસની ઉપસ્થિતિ અંગે જાણ થઈ હતી.

અમદાવાદમાં સૌથી વધારે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ
આ અભ્યાસ બાદ પ્રાકૃતિક જળ સ્ત્રોત અંગે તપાસ કરવા ફરી અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં સૌથી વધારે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને ગુવાહાટીમાં એકપણ પ્લાન્ટ નથી માટે આ બંને શહેરોની પસંદગી કરીને સેમ્પલિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

સાબરમતી નદી ભયંકર પ્રદૂષિત
અમદાવાદ માટે પાણી ભરેલી સાબરમતી નદી અને રિવરફ્રન્ટ શાન સમાન ગણાય છે અને લોકો માટે એ નવું નજરાણું બન્યું છે, પરંતુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પર્યાવરણ સુરક્ષા સમિતિ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા અભ્યાસમાં સાબરમતીમાં ભયંકર પ્રદૂષણ છે. ખાસ કરીને અમદાવાદથી આગળ વધે છે એ પછી નદીમાં ગંદા પ્રદૂષિત પાણી સિવાય કંઇ વહેતું નથી, છેલ્લા 120 કિલોમીટરમાં એ મૃત અવસ્થામાં છે. એટલું જ નહીં, રિવરફ્રન્ટ પણ એક ગંદા પાણીના હોજથી વધુ કંઇ નથી, એવો દાવો પણ પ્રદૂષણને લગતા વિવિધ માપદંડોને ટાંકીને કરવામાં આવ્યો છે.

રિવરફ્રન્ટમાં ઉદ્યોગોનો પ્રદૂષિત પ્રવાહી કચરો અને ગટરનું પાણી
નદીનો અમદાવાદ શહેરમાં પ્રવેશ થાય ત્યારે એક ટીપું પણ પાણી રહેતું નથી. સાબરમતી રિવરફ્રન્ટમાં વચ્ચે જઇને લીધેલા પાણીના સેમ્પલમાં પણ નિયત માત્રા કરતાં વધુ પ્રદૂષણ જણાતાં રિવરફ્રન્ટ પણ પ્રદૂષિત ગંદા પાણીથી ભરેલા હોજ સમાન છે. અહેવાલનાં તારણોમાં વધુમાં જણાવ્યા મુજબ, રિવરફ્રન્ટ પછી નદીના નીચેવાસમાં નદીનું પોતાનું પાણી જ નથી. રિવરફ્રન્ટ પછીની સાબરમતીમાં જે પાણી દેખાય છે એ માત્ર નરોડા, ઓઢવ, વટવા અને નારોલના ઉદ્યોગોનો પ્રદૂષિત પ્રવાહી કચરો (એફ્લ્યુએન્ટ) અને અમદાવાદની ગટરનું ગંદુ પાણી જ વહે છે. રિવરફ્રન્ટ બનવાને કારણે ભૂગર્ભ જળમાં આ પાણી ઊતરતું બંધ થયું છતાં અમદાવાદને નર્મદાના પાણી પર જ આશ્રિત રહેવું પડે એવી સ્થિતિ સર્જાઇ ગઇ છે.

સાબરમતીના પ્રદૂષણ અંગે કાર્યવાહી કરવા સુપ્રીમ કોર્ટે પણ નિર્દેશ કર્યો હતો
સાબરમતી નદીમાં પ્રદૂષણની ગંભીરતાને જોતાં સુપ્રીમ કોર્ટે ગત તા. 22 ફેબ્રુઆરી 2017ના રોજ એક રિટ પિટિશનને ધ્યાને લઇને તંત્રને નિર્દેશ કર્યો હતો કે નદીમાં પ્રદૂષણ ફેલાવતા તમામ ઔદ્યોગિક એકમો સામે તેમજ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે ક્રિમિનલ કેસ દાખલ કરો. એમ છતાં આજદિન સુધી સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન થઇ રહ્યું ન હોવાનું જણાવીને પર્યાવરણ સુરક્ષા સમિતિએ આ મામલે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. નદીમાં ટ્રીટ કર્યા વગરનું કેમિકલયુક્ત પાણી નાખતા એકમોને સીલ મારવા આવે, પ્રદૂષણના નિયમોનું પાલન ન કરનારા એકમો સામે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ક્રિમિનલ કેસ દાખલ કરવામા આવે, પ્રદૂષણ અટકાવવામાં નિષ્ફળ રહેનારા અને બેદરકાર મ્યુનિ.અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાની માગણી કરાઇ હતી.

અમદાવાદ મ્યુનિ.એ બે ફિલ્ટર પ્લાન્ટ બનાવ્યા છે
તાજેતરમાં જ નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરતા જણાવ્યુ હતું કે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં તારીખ 13 મે 2021ની સ્થિતિએ 123.38 મીટર લેવલ પાણીના જથ્થાનો સંગ્રહ થયેલો છે. આ પાણીનો રાજ્યના નાગરિકોને ઉનાળાની સીઝનમાં પીવાનું પાણી પૂરું પાડવા અને ખેડૂતો-પશુપાલકો માટે યોગ્ય વપરાશ કરવા સમયબદ્ધ આયોજન કરાયું છે. શહેરમાં નર્મદાના પાણીને ફિલ્ટર કરવા મ્યુનિ. દ્વારા 275 એમએલડી અને 125 એમએલડીના બે વોટર ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. બંને પૈકી 275 એમએલડીના ફિલ્ટર પ્લાન્ટમાં બે વર્ષ પહેલાં જ સાડાપાંચ કરોડનો ખર્ચ કરી એને અપગ્રેડ કરવામાં આવ્યું છે.

સાબરમતીનું પાણી પીવા માટે ઉપયોગમાં લેવાતું નહીં હોવાનો મ્યુનિ.નો દાવો
સિટી એન્જિનિયર હરપાલસિંહ ઝાલાએ જણાવ્યું છે કે, પીવાના પાણીમાં કોરોના વાયરસની ઉપસ્થિતિના સમાચાર પાયાવિહોણા છે. સાબરમતીનું પાણી પીવા માટે ઉપયોગમાં લેવાતું જ નથી. અમદાવાદના ઘરોમાં નર્મદા કેનાલનું પાણી પહોંચે છે. જાસપુર, કોતરપુર, રાસકા પાસે 3 મોટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જ્યાં પાણીનું ક્લોરિફિકેશન, ફિલ્ટરેશન થાય છે.

પહેલી લહેરમાં પણ રિસર્ચ થઈ ચૂક્યું છે
આઇઆઇટી દ્વારા પહેલી લહેરમાં પણ પાણીમાં રહેલા કોરોનાના અંશો વિશે રિસર્ચ કરવામાં આવ્યું હતું. પહેલી લહેરમાં પણ આઇઆઇટીના રિસર્ચમાં ડ્રેનેજના પાણીમાં કોરોનાના અંશ મળ્યા હતા. પરંતુ કોરોનાના મળેલા અંશો કોઇ માનવને નુકશાન કરી શકે તેવા સશક્ત ન હતા.

લોકોએ ગભરાઈ જવાની કોઈ જરૂર નથી
આઇઆઇટી - ગાંધીનગરના આસિ. પ્રોફેસર મનીષ કુમારે કહ્યું- સેમ્પલમાં વાઇરસના આરએનએના અમુક જીન મળી આવ્યા છે. સેમ્પલમાં વાઇરસ નથી, પરંતુ વાઇરસનો એક નાનો જીન છે. જે માણસોને સંક્રમિત કરી શકતો નથી. અમને જે જીન મળ્યાં છે તે જીવિત છે કે મૃત છે તેની ચકાસણી થઇ નથી. લોકોએ ગભરાવાની જરૂર નથી. પરંતુ તળાવો કે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાનના પાણીનું સતત મોનિટરિંગ જરૂરી છે.