AMCની સ્ટેન્ડિંગ કમિટી મળી:અમદાવાદના નારણપુરાના સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ ટેન્ડર મામલે હાઇકોર્ટમાં કેસ વચ્ચે PSP કંપનીનું ટેન્ડર મંજૂર

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેષ બારોટ - Divya Bhaskar
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેષ બારોટ

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં બનનારા સ્પોર્ટસ કોમ્પ્લેક્સનો વિવાદ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે ત્યારે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેકસના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. PSP કંપનીને આ કોન્ટ્રાક્ટ આપવા માટેની દરખાસ્તને આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે અને હાઇકોર્ટમાં આ ટેન્ડરના વિવાદ મામલે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે છેલ્લા 6 મહિનાથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. 4થી વધુ કંપનીઓ ટેન્ડર પ્રક્રિયામાં આવી હતી. જે કંપની ક્વોલિફાઇડ થઈ છે તેને અમે કોન્ટ્રાકટ આપવાની મંજૂરી આપી છે. કોર્ટમાં મેટર છે અને હજી સુધી કોઈ સ્ટે નથી મળ્યો માટે કામ મંજૂર કરવામાં આવ્યું છે.

રોડ રિસરફેસના કામો ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના
અમદાવાદ શહેરમાં રોડ ની હાલત દિનપ્રતિદિન હવે બગડી રહી છે ચોમાસુ ના હોવા છતાં રોડ તૂટેલી હાલતમાં જ જોવા મળી રહ્યા છે. ચોમાસા દરમિયાન જે રોડ તૂટી ગયા હતા તેને નવા તેમજ રિસરફેસ કરવાના હતા પરંતુ હજી સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તે કામગીરી કરાઈ નથી. ભાજપના કોર્પોરેટરો માત્ર પોતાના ઘર કે ઓફિસ કે દુકાનો અને પોતાના અંગત માણસોના વિસ્તારમાં રોડ રિસરફેસ કરાવતા હોવાનું ધ્યાને આવ્યું છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ ઝોનમાં રોડના કામો ઝડપથી પૂર્ણ કરવા માટે ચેરમેન હિતેશ બારોટે તાકીદ કરી હતી. રોડ બાબતે અધિકારીઓએ તેઓને જણાવ્યું હતું કે દરેક ઝોનમાં બે મશીન અત્યારે કામ કરી રહ્યા છે.

સ્ટ્રીટલાઈટ સમયસર ચાલતી ન હોવાની ફરિયાદો પણ ઉઠી
શહેરમાં કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટના થાંભલાની લાઈટો સમયસર ચાલતી ન હોવાની ફરિયાદો પણ ઉઠી છે. જેથી તમામ વિસ્તારમાં સમયસર લાઈટો ચાલુ અને બંધ કરવા પણ સૂચના આપી છે. બોપલ અને ઘુમા વિસ્તારમાં સફાઈનો ફરી એકવાર પ્રશ્ન સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યો હતો. હાલમાં સફાઈકર્મીઓ ઓછા છે અને બોપલ-ઘુમાં વિસ્તારમાં કચરાની અનેક ફરિયાદો ઉઠી રહી છે. જેથી ઝડપથી આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે કોમેડી વેસ્ટ મેનેજમેન્ટ ખાતાના અધિકારીઓને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવામાં આવી હતી.

EWSના 10 ટકા મકાનો રિઝર્વેશન રાખવા અંગેની દરખાસ્ત લવાઈ
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા EWS આવાસ યોજનાના જેટલા પણ મકાનો અમદાવાદ શહેરમાં બની રહ્યાં છે અથવા હવે આગામી દિવસોમાં બનવાના છે તેમજ જેનો હજી સુધી ડ્રો નથી થયો તેમાં 10 ટકા મકાનો રિઝર્વેશન રાખવા અંગેની દરખાસ્ત લાવવામાં આવી હતી. જે દરખાસ્તમાં સ્ટેન્ડિંગ કમિટીએ આજે સુધારો કરી અને હવે 10 ટકાની જગ્યાએ 20 ટકા કર્યો છે. આ મામલે હિતેશ બારોટે જણાવ્યું હતું કે આગામી સમયમાં જ્યારે જરૂરિયાત પડે તો વધુ મકાનો ફાળવી શકાય તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...