વર્લ્ડ ફૂડ સેફટી ડે:અમદાવાદની રેસ્ટોરાંના ફૂડમાંથી અનેકવાર જીવજંતુ નીકળ્યાં છતાં AMC ઊંઘમાં, અધિકારી જ છુપાવે છે સેમ્પલની માહિતી

અમદાવાદ21 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • દર મહિને ક્યાં કેટલું ચેકિંગ અને કેટલી કાર્યવાહી કરી એની કોઈ જ માહિતી લેવાતી નથી
  • ફૂડ વિભાગના અધિકારી ડો. ભાવિન જોશીને ખુદ ભાજપના જ સત્તાધીશો બચાવે છે
  • સત્તાધીશો પણ અધિકારીઓને ફૂડ મામલે હજી કોઈ સૂચના આપતા નથી

આજે 'વર્લ્ડ ફૂડ સેફટી ડે'ની ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં નાગરિકોને શુદ્ધ અને પૌષ્ટિક આહાર મળે છે કે નહીં એનું ધ્યાન રાખવાની જવાબદારી AMCના ફૂડ વિભાગની છે, પરંતુ ફૂડ વિભાગના અધિકારી પોતે ઘોર નિદ્રામાં હોવાથી શહેરમાં આવેલી હોટલ, રેસ્ટોરાં, દુકાનો વગેરે જ્યાં ખાદ્ય પદાર્થોનું વેચાણ થાય છે એમાં કોઈ ધ્યાન આપતા નથી. શહેરમાં ક્યાંય પણ ફૂડ ચેકિંગ નિયમિત થતું નથી. અધિકારીઓની આ કામગીરી બાબતે ખુદ ભાજપના સત્તાધીશો જ ધ્યાન આપતા નથી.

કેટલી કાર્યવાહી કરી એ અંગે માહિતી અપાઈ નથી
આ મામલે હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન ભરત પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ફૂડના સેમ્પલ લેવા બાબતે અવારનવાર કમિટીમાં જાણ કરી છે. તેઓ દ્વારા સેમ્પલો લઈને શું કાર્યવાહી થઈ એની માહિતી ખુદ અધિકારી દ્વારા આપવામાં આવતી નથી. ફૂડ ચેકિંગ અને કાર્યવાહી માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું પણ ધ્યાન દોરવામાં આવતું હતું. ઉનાળાની સીઝનમાં કેરીના સેમ્પલ લેવાની જાણ કરી હતી. એમાં કાર્યવાહી કરી હતી, જોકે આખી સીઝનમાં કેટલી કાર્યવાહી કરી એ અંગે માહિતી આપવામાં આવી નથી.

ફૂડ સેમ્પલ લેવા અને ચેકિંગ માટે અધિકારીઓ જતા નથી​​​​​​: ​શહેઝાદખાન
​​​​​​​વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા અને ખાસ કરીને અમદાવાદ શહેરના લોકો દેખાવા માટે જાણીતા છે અને આવા જ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ નિષ્ક્રિય છે. અધિકારીને જ્યારે શહેરમાં કેટલી હોટલો છે તે પૂછવામાં આવે છે તો તેનો તેમની પાસે જવાબ નથી હોતો. ફૂડ સેમ્પલ લેવા અને ચેકિંગ માટે અધિકારીઓ જતા નથી. શહેરમાં હજારોની સંખ્યામાં હોટલ અને રેસ્ટોસ્ટ આવેલી છે. માત્ર 13 જ ફૂડ ઇન્સ્પેક્ટરો છે અને તંત્ર નિષ્ફળ છે. મેકડોનાલ્ડ જેવી રેસ્ટોરન્ટમાં ગરોળી નીકળે એનાથી વધુ હોઈ શકે.

મેકડોનાલ્ડઃ કોલ્ડ ડ્રિંક્સમાંથી મરેલી ગરોળી નીકળી હતી.
મેકડોનાલ્ડઃ કોલ્ડ ડ્રિંક્સમાંથી મરેલી ગરોળી નીકળી હતી.

અધિકારીઓ ચેકિંગ કરતા જ નથી
નાગરિકોને ગુણવત્તાસભર ખોરાક મળે છે કે નહીં એ ચકાસણી કરવાની જવાબદારી આરોગ્ય ખાતામાં આવતા ફૂડ વિભાગની છે. ફૂડ વિભાગના અધિકારી ડો. ભાવિન જોશી આ મામલે એકદમ નિષ્ક્રિય હોય એમ જણાય છે. શહેરમાં અંદાજે એક હજાર જેટલી હોટલો અને નાની-મોટી ફૂડ કોર્ટ છે. આવી હોટલ, રેસ્ટોરાં, દુકાનો, જ્યાં ખાદ્ય પદાર્થોનું વેચાણ થાય છે ત્યાં વિભાગ દ્વારા નિયમિત ચેકિંગ કરવામાં આવતું નથી. ફૂડ વિભાગના અધિકારીઓની મિલીભગત હોવાથી કોઈપણ હોટલ કે રેસ્ટોરાંમાં ચેકિંગ કરવામાં આવતું નથી. જ્યાંથી નિયમિતપણે હપતો આવતો નથી એવી દુકાનોમાં જઈ સેમ્પલ લેવામાં આવે છે, 15-20 દિવસ બાદ એનું પરિણામ આપવામાં આવે છે. જો પરિણામ ખરાબ હોય તો ત્યાં સેટિંગ થઈ જાય તો માહિતી બહાર જાહેર નથી કરાતી અને જો સેટિંગ ન થાય તો પ્રેસનોટ જાહેર કરાય છે.

મેકડોનાલ્ડઃ કોલ્ડ ડ્રિંક્સમાંથી મરેલી ગરોળી નીકળી
અમદાવાદના સાયન્સસિટી રોડ પર આવેલી મેકડોનાલ્ડમાં તાજેતરમાં જ કોલ્ડ ડ્રિંકમાંથી મરેલી ગરોળી નીકળવાની ઘટનાને લીધે ખૂબ હોબાળો મચ્યો હતો. ઘટના બાદ મ્યુનિસિપલ હેલ્થ અને ફૂડ વિભાગના અધિકારીઓએ ગરોળીવાળા કોલ્ડ ડ્રિંકના નમૂના લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપ્યા હતા. આ સાથે જાહેર આરોગ્ય સાથે ચેડાં કરવાના આરોપસર રેસ્ટોરાંને નોટિસ આપી સીલ કરી દીધી હતી. હવે AMC દ્વારા મેકડોનાલ્ડને રૂ. 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ઉડીપી રેસ્ટોરન્ટઃ નારિયેળની ચટણીમાંથી મરેલો વંદો નીકળ્યો
અમદાવાદના લાલ દરવાજા વિસ્તારની ઉડીપી રેસ્ટોરન્ટમાં એક યુવકે સ્પ્રિંગ ઢોસા મગાવ્યો હતો. ઢોસાની સાથે આવેલી નાળિયેરની ચટણીમાં યુવકનું ધ્યાન ગયું તો કાળા કલરની કોઈ વસ્તુ દેખાઈ હતી. તેને બહાર કાઢીને જોતાં એ નાનો મરેલો વંદો હતો. યુવકે આ બાબતે હોટલ-માલિક અને સ્ટાફને ફરિયાદ કરતાં તેમણે જાણે આવું હોટલમાં જાણે સામાન્ય બાબત હોય એમ ચટણી બદલાવી દેવાની વાત કરી હતી. આ મામલે પણ મ્યુનિ.ના ફૂડ વિભાગે કોઈ સખત કાર્યવાહી કરી નથી.

હંગામા દાલબાટીઃ દાલબાટીમાંથી ઈયળ નીકળી
ગત ફેબ્રુઆરીમાં અમદાવાદના હાથીજણ વિસ્તારની હંગામા દાલબાટી નામની રેસ્ટોરાંમાં જમવામાં ઈયળ નીકળી હતી. આનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો, જેમાં જમવાની થાળીમાં ઈયળ નીકળતાં ગ્રાહક ખૂબ જ ગુસ્સે થયેલો જોવા મળ્યો હતો. બાળકને તેઓ આ જમવાનું ખવડાવતા હતા ત્યારે અચાનક ઈયળ પર નજર પડી હતી. આ બાબતે કોર્પોરેશનના ફૂડ વિભાગે શી કાર્યવાહી કરી હતી કે પગલાં ભરાયાં હતાં એની કોઈ જ માહિતી આપવામાં આવી ન હતી.

હિના રેસ્ટોરન્ટઃ પનીરના શાકમાં મરેલો ઉંદર
ગત જાન્યુઆરી માસમાં અમદાવાદના દિલ્હી દરવાજા ખાતેની હિના રેસ્ટોરન્ટમાંથી એક પરિવાર પનીર ભૂરજીનું શાક લાવ્યો હતો. પરિવારના સભ્યો જમવા બેઠા હતા ત્યારે આ શાક ખાધું હતું. આ દરમિયાન પનીર ભુરજીની સબ્જીમાં કંઇક દેખાયું હતું. એ બાદ જોયું તો પહેલા સીમલા મિર્ચ હોવાનું જણાયું હતું. બાદમાં ડબ્બામાંથી બહાર કાઢીને સાફ કરીને જોયું હતું તો એ મરેલો ઉંદર હતો. પનીરના શાકમાં મરેલો ઉંદર જોઇને માતા અને પુત્ર ગભરાઇ ગયાં હતાં. તેમને ઊલટીઓ અને ફૂડ પોઇઝનિંગ થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...