તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદાસ્પદ દરખાસ્ત મંજૂર:આખરે પરપ્રાંતીય મજૂરોને મકાન ભાડે આપવાની દરખાસ્તને AMCની મહોર

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કંપની 5 હજાર ભાડું વસૂલશે, જ્યારે મ્યુનિ.ને એક ફ્લેટના માત્ર 836 આપશે

પરપ્રાંતીય મજૂરો સહિત અન્યોને ઇડબલ્યુએસના મકાનો ભાડે આપવાની વિવાદાસ્પદ દરખાસ્તને મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવી છે. નોંધનીય છે કે, માંડ 836 જેટલી રકમમાં પ્રતિમાસના ભાવે એક ફ્લેટ જેટલી સામાન્ય રકમમાં આપવામાં આવેલા આ ફ્લેટ ખાનગી કંપની દ્વારા રૂ.5 હજાર કે તેથી વધુની રકમના ભાડેથી નાગરિકોને આપવામાં આવશે. તેમજ 25 વર્ષ સુધી આ બિલ્ડિંગો ખાનગી કંપનીને ફાળવી દેવામાં આવી છે.

મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરાયેલા કામમાં મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા આરંભ કરવામાં આવેલા એફોર્ડેબલ હાઉસિંગ કોમ્પ્લેક્સ સ્કીમ હેઠળ શહેરી ગરીબ, પરપ્રાતીય મજૂરો તથા આર્થિક રીતે વિસ્થાપિતો માટે આ યોજના અમલી બનાવવામાં આવી છે. જેમાં કંપનીને 25 વર્ષ માટે આ બિલ્ડિંગ ફાળવવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે, પ્રતિ એક રૂમ રસોડાના મકાનનું મહત્તમ રૂ.5 હજાર જ વસૂલાત થઇ શકશે. સતત 5 વર્ષ સુધી તેઓ ભાડામાં વધારો કરી શકશે નહી.

ઉલ્લેખનીય છે કે, કંપનીને આપવામાં આવેલી કુલ ફ્લેટ પૈકી માત્ર 80 ટકા ફ્લેટ પેટે નિકળતી રકમ જ તેઓ ચૂકવશે. જ્યારે બાકીના 20 ટકા ફ્લેટની રકમ તેઓ ચૂકવશે નહીં. આ રકમ પણ ખૂબ મોટી થાય છે. શહેરના રાજપથ ક્લબ રોડ પર ફિયાટ સર્વિસ સ્ટેશન સામે આવેલા ઇડબ્લ્યુએસના 1024 મકાનો પેટે કંપની દ્વારા 20.80 કરોડની રકમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તબક્કાવાર રીતે ચૂકવવામાં આવશે. જ્યારે થલતેજ 100 ફૂટના રોડ પર આવેલા સહજાનંદ બંગલો પાસે આવેલા ઇડબ્લ્યુએસના 352 ફ્લેટ પેટે કંપની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 8 કરોડ જેટલી રકમ ચૂકવશે. જોકે આ રકમ 25 વર્ષ માટે હશે, જ્યારે કુલ ફ્લેટના 80 ફ્લેટની જ ભાડાની રકમ પેટે આ નાણાં ચૂકવવામાં આવશે. 5 વર્ષ બાદ કંપની તેમના ભાડામાં વધારો કરી શકશે તેવી જોગવાઈ કોન્ટ્રાક્ટમાં કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...