સોલિડ વેસ્ટ વિભાગની કાર્યવાહી:AMCએ જાહેરમાં કચરો નાખનાર સેન્ડવીચની દુકાન સીલ કરી, પશ્ચિમ વિસ્તારમાં ક્યાંય નક્કર કામગીરી નહીં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા મ્યુનિ. કમિશનર દ્વારા સ્વચ્છતા મામલે વધુ ધ્યાન આપવામાં આવે છે. જેના પગલે શહેરમાં ગંદકી અને ન્યુસન્સ તેમજ જાહેરમાં કચરો નાખતા વેપારીઓ સામે કાર્યવાહી કરવાના આદેશના પગલે આજે શાહીબાગ વિસ્તારમાં ડફનાળા ચાર રસ્તા પાસે આવેલી ચારભુજા સેન્ડવીચ નામની દુકાનના માલિકે જાહેરમાં કચરો નાખતા તેની દુકાન ને સીલ મારી કડક કાર્યવાહી કરી હતી. ખાડીયા વોર્ડમાં આવતા એસટી ગીતામંદિર કાપડીવાડ સહિતના વિસ્તારોમાં ચા ની કીટલી અને પાનનો ગલ્લા વગેરે કુલ 58 લોકોને ગંદકી અને જાહેરમાં કચરો નાખવા બદલ નોટિસ આપી અને 12,600 નો દંડ ફટકાર્યો હતો.

પાનના ગલ્લાવાળાને ગંદકી નહીં કરવા સૂચના
સોલિડ વેસ્ટ વિભાગે ઉત્તર ઝોનમાં આવતા નરોડા, બાપુનગર, કૃષ્ણનગર, ઠક્કરબાપાનગર, કુબેરનગર સહિતના વિસ્તારોમાં પણ ચાની કીટલી અને પાનના ગલ્લાવાળા કુલ 609 લોકોને ગંદકી અને જાહેરના કચરો નાખવા મુદ્દે નોટિસ આપી રૂ. 12,200નો દંડ ફટકાર્યો છે. ચાની કીટલી સહિત પાનના ગલ્લાવાળાને ગંદકી નહીં કરવા સૂચના આપવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરના તમામ ઝોનમાં આ સૂચના આપવામાં આવી છે પરંતુ માત્ર પૂર્વ વિસ્તારમાં જ કામગીરી થતી હોય તેવું જણાય છે.

પોતાના વ્યવહાર લઈ નીકળી જતા હોવાની ફરિયાદ
જાહેરમાં કચરો નાખનારા અને ગંદકી ફેલાવનારા લોકો સામે કાર્યવાહી કરવા માટે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ કેટલાક વિસ્તારોમાં જ કામગીરી કરતી હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ જાહેરમાં કચરો અને કાટમાળ અનેક લોકો દ્વારા નાખવામાં આવે છે પરંતુ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ કેટલીક જગ્યાએ માત્ર નામની કાર્યવાહી કરવા નોટીસ આપી અને દંડ ફટકરરવામાં આવે છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ઝોનના અને વોર્ડના કર્મચારીઓ દ્વારા કેટલીક જગ્યાએ આવી રીતે જાહેરમાં કચરો નાખવા અને ગંદકી બદલ દંડની કાર્યવાહી કરવાની વાત કરી પછી પોતાના વ્યવહાર લઈ અને દંડ કર્યા વગર ત્યાંથી નીકળી જતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...