સીલ દુકાન ખોલવા માગ:AMCએ સિલિંગ કરેલા કોમ્પ્લેક્સની દુકાનો ખોલવા આપે મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપ્યુ

અમદાવાદ4 મહિનો પહેલા
  • બી.યુ.પરમિશન વગર બિલ્ડિંગ વપરાશની પરમિશન આપનાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ

અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા શોપિંગ કોમ્પ્લેક્સની સીલ કરવામાં આવેલી દુકાનોને તાત્કાલિક ખોલી આપવા અને બિલ્ડરો સાથે મળી બી.યુ.પરમિશન વગર બિલ્ડિંગ વપરાશની પરમિશન આપનાર કોર્પોરેશનના અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ સાથે આમ આદમી પાર્ટીએ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારને આવેદનપત્ર આપ્યું હતું.

કોઈપણ પ્રકારની નોટિસ વગર દુકાનો સીલ કરાઈ
શહેર પ્રમુખ જે.જે મેવાડાએ મ્યુનિસિપલ કમિશનરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં આવેલા કોમ્પ્લેક્સ તથા દુકાનોને કોઈપણ પ્રકારની પર્સનલ નોટિસ કે જાણ કર્યા વગર 2 જૂન 2021ની રાત્રે સીલ કરવામાં આવી છે જે અનુસંધાને વેપારીઓ દ્વારા આમ આદમી પાર્ટીને જાણ કરી છે. વેપારીઓના મત મુજબ તેઓ 30 વર્ષ જૂની ઇમારતોમાં પોતાનો ધંધો રોજગાર કરી ગુજરાન ચલાવી રહ્યા છે. જે તે સમયે તેમને દુકાન કે ઓફિસ ખરીદી ત્યારે બી.યુ. પરમિશન બાબતે બિલ્ડર તરફથી કોઈ સૂચના કે જાણ કરવામાં આવી ન હતી. ત્યારબાદ આટલા વર્ષો સુધીમાં કોર્પોરેશન દ્વારા પણ આ બાબતે વેપારીઓને કોઈ પણ જાતની પર્સનલ નોટીસ મોકલી જાણ કરવામાં આવી નથી. આમ અચાનક કોર્પોરેશન દ્વારા એક્શન લેવાતા તથા દોઢેક વર્ષથી ચાલી રહેલી કોરોનાની પરિસ્થિતિને લઇ વેપારીઓ પોતાનું ગુજરાન મોટી હાલાકીથી ચલાવી રહ્યા હતા એવામાં વેપારી પર આ પ્રકારે નાખવામાં આવેલો બોજો વેપારી મિત્રો માટે અસહનીય છે. વેપારીઓની આવક બંધ થઇ જતાં ઘર દુકાનના ભાડા, લાઇટ બીલ, દવાઓ, છોકરાઓના ભણતરના ખર્ચા માટે વ્યાજે રુપીયા લાવવા મજબુર બન્યા છે.

હાઈકોર્ટને બતાવવા નાના વેપારીઓની દુકાન સીલ કરાઈ હોવાનો આક્ષેપ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં વહીવટ યોગ્ય ચાલે તે સારું નાઞરિકોના ટેક્સમાંથી અધિકારીઓના પગાર ભથ્થા ચુકવવામાં આવે છે અને તેમની સાથે ફરજો પણ નક્કી થયેલી છે. તેમ છતાં કોર્પોરેશન દ્વારા બીયુ પરમિશન વગરની મિલકતો બનેલી છે તે માટે જે તે વિભાગના અધિકારીઓ જવાબદાર છે અને આવી મિલકતો બનવા દેવામાં તથા ઉપયોગમાં હોવા પાછળ ભ્રષ્ટ અધિકારીઓ અને બિલ્ડર જવાબદાર છે. જેતે અધિકારી અને બિલ્ડરો સામે શિક્ષાત્મક કાર્યવાહીઓ કરવાને બદલે નામદાર હાઈકોર્ટને બતાવવા આ નાના વેપારીઓની દુકાનો અને ઓફિસોને સીલ મારી રહ્યા છે તે સ્પષ્ટ થાય છે.

આમ આદમી પાર્ટીએ બે માગ કરી
1. સિલિંગ કરેલી તમામ કોમ્પલેક્ષ, દુકાનો અને ઓફીસો માનવતાના ધોરણે ખોલી આપવામાં આવે જેથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે. હાલ કોરોના મહામારી સંદર્ભે સીલ મારવાની પ્રકિયા બંધ કરી કાયદેસરની અન્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવે છે.

2. બી.યુ.પરમિશન વઞર આજદિન સુધી ચલાવનારા તમારા અધિકારી કર્મચારીઓ મોટા ભ્રષ્ટાચાર કરી આવી પ્રવૃત્તિને વેગ આપે છે, તો આની તપાસ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવી અને નાઞરિકો છેતરાય નહીં તે સારું ગેરકાયદેસર મિલકતો પર મોટા બોર્ડ લઞાવવા વિનંતી છે. તાત્કાલિક નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી સમયમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગાંધી ચીંધ્યા માર્ગે વેપારીઓને ન્યાય અપાવવા રોડ ઉપર ઉતરી પ્રદર્શનો કરશે તો નિર્ણયો ની જાણ અમોને કરવા વિનંતી છે.

અન્ય સમાચારો પણ છે...