કડક કાર્યવાહી:​​​​​​​અમદાવાદમાં નિકોલની સંકલ્પ સ્કૂલ દ્વારા કરાયેલું ગેરકાયદેસર બાંધકામ AMCએ દૂર કર્યુ, સિલિંગ અને ડીમોલેશન ઝુંબેશ યથાવત

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ 25 મિલકતોમાં 130 કોમર્શિયલ યુનિટ અને 9 રહેણાંક યુનિટ સીલ કરાયા
  • ગુજરાત હાઇકોર્ટ દ્વારા બીયુ પરમિશન વગરની મિલકતો સામે કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અને ભાજપના કોર્પોરેશનના સત્તાધીશોની રહેમનજર હેઠળ બીયુ પરમિશન વગર બિલ્ડિંગના વપરાશ અને બાંધકામ થઇ ગયા હતા. ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફટકાર બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મિલકતોને ડીમોલેશન અને સીલ કરવાની કામગીરી કરવાની શરૂ કરાઈ છે. આજે મંગળવારે વધુ 25 જેટલી મિલકતોને તોડવાની અને તેને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

નિકોલ વિસ્તારમાં આવેલી સંકલ્પ સ્કૂલ દ્વારા કરવામાં આવેલું 3443 ચોરસફૂટ જેટલું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. નવાવાડજની સનવે અને અંજલિ હોટલ, વેજલપુરમાં અપટાઉન ટેરેસ કાફે સહિતના બાંધકામ સીલ કર્યા હતા. 15 મિલકતોમાં બીયુ પરમિશન નહિ ધરાવતા 130 કોમર્શિયલ યુનિટ અને 9 રહેણાંક યુનિટ સીલ કરાયા છે. અત્યાર સુધીમાં 529 કોમર્શિયલ અને 338 રહેણાંક મળી કુલ 867 યુનિટ બીયુ વગરના હોવાથી વપરાશ બંધ કરી સીલ મારવામાં આવ્યા છે.

ડીમોલેશન અને સિલિંગ ઝુંબેશની વધુ વિગત જોવા અહીં ક્લિક કરો...

મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અને ભાજપના સત્તાધીશોની મિલીભગતથી શહેરની અંદર આવેલી કેટલીક બિલ્ડીંગો બીયુ પરમિશન વગર અને ફાયર noc વગર ઊભી થઈ ગઈ છે. ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે થયેલી અરજી પરની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા પરમિશન વગરની મિલકતો હોય તેની વિગતો જાહેર કરી એક બે મિલકતોને તોડી દાખલો બેસાડવા જણાવવામાં આવ્યું હતું. એસ્ટેટ વિભાગના અધિકારીઓ બીયુ પરમિશન વગર ચાલતી આવી અનેક મિલકતોને પૈસાના જોરે ચાલવા દેતા હતા.

એસ્ટેટ વિભાગના અધિકારીઓને જાણ હોય છે કે બીયુ પરમિશન વગર આ કોમર્શિયલ કોમ્પલેક્ષ કે બિલ્ડિંગ વપરાશ થઈ રહ્યો છે છતાં પણ દરેક ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારી તેમજ એસ્ટેટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આવા કોમર્શિયલ કોમ્પલેક્ષને ચાલવા દેતા હતા. ભાજપના સત્તાધીશો પણ આવા કોમર્શિયલ કોમ્પલેક્સ જે ચાલુ હોય તેની જાણ હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની પણ અંદર મીલીભગત હોવાના કારણે તેઓ આવા વપરાશને બંધ કરાવવાની તસ્દી લેતાં ન હતા.

અન્ય સમાચારો પણ છે...