બેદરકાર અમદાવાદીઓ:‘કોરોના છે જ ક્યાં....અમને કંઈ નહીં થાય’ એમ માને છે ‘કેરલેસ’ શહેરીજનો, બેખોફ બની જાહેર સ્થળોએ ફરે છે

અમદાવાદએક વર્ષ પહેલા
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વિડિયો જારી કરવામાં આવ્યો
  • 25મી સપ્ટેમ્બરે AMCએ રિયાલિટી ચેક કર્યું હતું
  • પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર જોવા મળ્યા

રાજ્યમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં પણ દરરોજ નોંધાતા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને સ્થાનિક તંત્ર સુધી તમામ કોરોનાને ગંભીરતાથી લઈને પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે સતત કહી રહ્યા છે, પરંતુ અમદાવાદ શહેરમાં અનેક એવા શહેરીજનો છે, જે બેદરકાર બનીને બેખોફ શહેરમાં ફરી રહ્યા છે અને ભીડ કરી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વિડિયો જારી કરવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે શહેરીજનો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતની કોરોના ગાઈડલાઇન્સનું પાલન કર્યા વગર કેરલેસ થઇને ટોળે વળી રહ્યા છે અને ફરી રહ્યા છે.

પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના અલગ-અલગ સ્થળો
વિડિયોમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં અલગ અલગ સ્થળ પર લોકોની ભીડ અને કેવી રીતે તેઓ સોશિયલ ડિસ્ટન્સ વગર ફરે છે એ બતાવવામાં આવ્યું છે. 25મી સપ્ટેમ્બરના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદીઓ કોરોનાની ગાઈડલાઈન્સના પાલનનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. શહેરના પ્રહલાદનગર, ઇસ્કોન ગાંઠિયા કર્ણાવતી કલબ, કાકે કા ઢાબા રિંગ રોડ, ગુજરાત કોમર્સ કોલેજ, રાજનગર કડિયાનાકું, કાલુપુર શાકમાર્કેટ, લો- ગાર્ડન, દરિયાપુર, અસારવા કડિયાનાકા, ભદ્ર માર્કેટ, મચ્છી માર્કેટ અસારવા, ભઠિયાર ગલી, વિરાટનગર, ઠક્કરબાપાનગર, સીટીએમ કડિયાનાકા સહિતના વિસ્તારોનો વિડિયો ઉતાર્યો હતો, જેમાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર બેઠા જોવા મળ્યા હતા. માસ્ક વગર લોકો ટોળામાં બેસેલા જોવા મળ્યા હતા. અમદાવાદીઓ કોર્પોરેશનના રિયાલિટી ચેકમાં કોરોનાની ગાઈડલાઈન્સ અનુસરવામાં બેદરકાર જણાયા છે.

AMCના રિયાલિટી ચેકમાં શહેરીજનોની બેદરકારી બહાર આવી
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયેલા રિયાલિટી ચેકથી બહાર આવ્યું છે કે અમદાવાદીઓ કોરોનાને ભૂલી ગયા છે. દરેક અમદાવાદીઓએ ફરજિયાત માસ્ક પહેરવું અમે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે. અમદાવાદમાં કોરોનાની ખરાબ પરિસ્થિતિથી બચવા લોકોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે. અમદાવાદીઓ હવે કોરોનાને ભૂલી ગયા હોય તેમ જણાય છે.

હવે વધુ આકરાં પગલાઓ લેવામાં આવશે
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સાંજે યુવાનોના મોટા ટોળા દેખાય છે. માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કરતા આ તમામ યુવાનો જો સંક્રમિત થયા હશે તો મોટાભાગે તેઓ એસિમ્પ્ટોમેટીક હોવાથી તેઓને કોઇ લક્ષણો જોવા મળશે નહીં, પરંતુ તેમના ઘરમાં રહેતા માતા-પિતા, કુંટુંબીજનો અને બીજા વયોવૃદ્ધ લોકોને સંક્રમિત કરવાનું જોખમ વધારી કોરના સંક્રમણ વધારી શકે છે. તેથી એ લોકોએ પરિવારજનોની સલામતી માટે ખાસ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઇએ. શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે તમામ પગલાઓ ભરી રહી છે અને રિયાલિટી ચેકમાં ઉક્ત બાબતો ધ્યાનમાં આવ્યા બાદ વધુ આકરાં અને ઘનિષ્ઠ પગલા મ્યુનિ. દ્વારા લેવામાં આવશે.

ભાસ્કર અપીલ: એમને રોકો, ટોકો, કેમ કે એ ખોટું કરી રહ્યા છે
શું તમે પણ આમની જેમ બેદરકાર છો?

જે લોકો એવું કહે છે કે, ચિંતાનું કોઈ કારણ નથી. આ કોરોના તો મીડિયા દ્વારા ફેલાવાયેલો છે. નોર્મલ ખાંસી-શરદી છે, એ તો બધાને થાય જ. ડરવાની કોઈ વાત નથી.

પણ સાંભળો... ડરવાની જરૂર છે...
હોસ્પિટલોમાં બેડ ભરાઈ ગયા છે. ન્યૂઝપેપરોમાં શ્રદ્ધાંજલિ કોલમની જગ્યા રહી નથી. કોરોનાના દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. કોઈ દીકરો તેનાં માતાપિતાને ગુમાવી રહ્યો છે, બહેન તેના ભાઈને ગુમાવી રહી છે. માતાપિતા તેમનાં બાળકોને ખોઈ રહ્યાં છે તો કોઈના પરિવારે તેનો આધાર, મોભી ગુમાવ્યો છે. આ બધા માટે જવાબદાર છે એવા લોકો, જેઓના માટે અનલોક વેકેશન જેવું છે, જેઓ રસ્તા પર માસ્ક વિના, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વિના પાર્ટીઓ કરે છે, મોલમાં શોપિંગ કરે છે, રસ્તા પર ઊભા રહી ચા પીવે છે, ભજિયાં ખાય છે અને બિનધાસ્ત કહે છે કે, આ કોરોના-વોરોના જેવું કશું નથી. જે લોકો માસ્ક વિના દેખાય તેમને રોકો, ટોકો, કારણ કે જો આ લોકો જવાબદાર બનશે તો જ આપણે કોરોના સામેની લડાઈ જીતી શકીશું.

માસ્ક પહેર્યા વિના ઘરેથી ન નીકળશો
કૃપા કરીને માસ્ક પહેરો. માસ્ક પહેર્યા વિના ઘરની બહાર ન નીકળશો. જ્યાં સુધી વેક્સીન નહિ આવે, ત્યાં સુધી માસ્કને જ વેક્સીન માની લો. તો જ આપણે જીતી શકીશું, તો જ આપણે જીવી શકીશું.

અન્ય સમાચારો પણ છે...