AMC રાજ્ય સરકારને ગાંઠતી જ નથી!:AMCએ વેક્સિનનો વેપલો શરૂ કરાવ્યો, PPP ધોરણે ખાનગી હોસ્પિટલને 1000 રૂપિયે એક ડોઝ વેચવાનો પરવાનો આપ્યો

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર. - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર.
  • GMDC ગ્રાઉન્ડમાં એપોલો હોસ્પિટલને ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનની મંજૂરી, ઓનસ્પોટ રજિસ્ટ્રેશન થશે
  • શહેરમાં 4 સ્થળે ચાલતાં નિ:શુલ્ક ડ્રાઇવ થ્રુ વેક્સિન સેન્ટર બંધ કરી દીધાં
  • સરકારે ઓનસ્પોટ રજિસ્ટ્રેશનની ના પાડી, મ્યુનિ.એ મંજૂરી આપી દીધી
  • GMDCમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટ માટે એક્સ્ટ્રા ચાર્જ નહોતો, રસી માટે 150 વધુ લેવાશે
  • સી.આર. પાટીલ, અંજલિ રૂપાણી અને ઊર્જામંત્રી સૌરભ પટેલે એપોલોમાં જઈ કોવેક્સિન રસી લીધી હતી

મ્યુનિ. દ્વારા પીપીપી મોડલ આધારિત ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનની કામગીરીની જાહેરાત કરી છે, જેમાં એપોલો હોસ્પિટલ દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આવનાર 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને સ્પોટ રજિસ્ટ્રેશન કરીને તરત જ વેક્સિન આપવામાં આવશે. જોકે એ પેટે એપોલોને રૂ. 1000 ચૂકવવાના રહેશે. આ યોજનામાં મ્યુનિ.એ માત્ર જગ્યા અને સુવિધા આપવાની રહેશે, જ્યારે મ્યુનિ.ને કોઇ રકમ નહીં મળે. સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી આ સેન્ટર પર રોજના અંદાજે 1000 જેટલા નાગરિકોને વેક્સિન આપવામાં આવશે. આ અગાઉ જીએમડીસી ખાતે ડ્રાઇવથ્રૂ આરટીપીસીઆર માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહોતો. હવે રસીના ડોઝદીઠ 150 વધારાના આપવા પડશે.

વેક્સિનેશન બૂથની ફાઇલ તસવીર.
વેક્સિનેશન બૂથની ફાઇલ તસવીર.

એપોલો હોસ્પિટલમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં પત્ની અંજલિબેન તથા ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલે પણ એપોલો ખાતે વેક્સિન મુકાવી હતી. સી.આર. પાટીલે સુરતથી ખાસ કિસ્સામાં અમદાવાદ એપોલો ખાતે આવીને વેક્સિન લીધી હતી.

મ્યુનિ.ના ડ્રાઇવ થ્રુ રસી કેન્દ્રો બંધ કરાયાં
મ્યુનિ.એ સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા, નિકોલ ગ્રાઉન્ડ, થલતેજ ડ્રાઇવ-ઇન સિનેમા અને જોધપુર વિસ્તારમાં પણ એક પ્લોટમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ અચાનક વેક્સિનેશનના દિવસોમાં વધારા બાદ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન સેન્ટર બંધ કરી દેવાયાં.

વેક્સિનના ડોઝની કિંમત 4 ગણી વધી
શરૂઆતમાં જ્યાં તમામ ખાનગી હોસ્પિટલમાં વેક્સિનેશનની કામગીરી શરૂ કરાઇ હતી. એ સમયે ખાનગી હોસ્પિટલમાં વેક્સિનના એક ડોઝનો ભાવ રૂ. 250 નક્કી કરવામાં આવ્યો હતો. એ બાદ આ રકમ વધીને એપોલોમાં 850 પર પહોંચ્યી. જોકે એમાં પણ હવે વધારો થઇને આ રકમ રૂ. 1000 પર પહોંચી છે.

મ્યુનિ. જમીન આપશે, હોસ્પિટલ કમાશે
મ્યુનિ. દ્વારા જાહેર કરાયેલી યોજના પ્રમાણે જીએમડીસી ગ્રાઉન્ડ પર આવતીકાલ ગુરુવારથી શરૂ થનારા આ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન માટે તમામ લોજિસ્ટિક એટલે કે વેક્સિન, સ્ટાફ તથા અન્ય વ્યવસ્થા અપોલો હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે. આ વેક્સિનના ચાર્જમાંથી મ્યુનિ.ને એક રૂપિયો પણ મળશે નહીં.

રાજ્ય સરકારના હુકમને મ્યુનિ. કોર્પોરેશન સત્તાધીશોએ ફગાવી દીધો
સરકારે બે દિવસ પહેલાં જ એવી સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી કે રાજ્યમાં એડવાન્સ રજિસ્ટ્રેશન ફરજિયાત છે. 18થી 44 વર્ષના તમામ નાગરિકોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવીને જ સ્લોટ બુક કરવાનો રહેશે. અન્ય રાજ્યોમાં ઓન સ્પોટ રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને ગુજરાતમાં લાગુ નહીં કરાય. મ્યુનિ.એ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ કર્યું, જેમાં ઓન સ્પોટ રજિસ્ટ્રેશનને છૂટ આપી દીધી.

અમે કાલે આવેદનપત્ર આપી વિરોધ કરીશું
ગરીબ અને મધ્યવર્ગીય પરિવાર જ્યાં વેક્સિનેશનનો સ્લોટ શોધી રહ્યા છે તેમનું રજિસ્ટ્રેશન થતું નથી ત્યાં સરકાર પીપીપી મોડલ બતાવીને દુકાન ખોલી રહી છે. એ સામે અમે આવતીકાલે ગુરુવારે મ્યુનિ. કમિશનર, મેયરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવીશું. - નીરવ બક્ષી, કોંગ્રેસના કોર્પોરેટર.

અન્ય સમાચારો પણ છે...