તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMCની લાલ આંખ:અમદાવાદમાં મ્યુનિ. કોર્પોરેશનના 140થી વધુ પ્લોટ પર ગેરકાયદેસર દબાણ, વોર્ડ ઈન્સ્પેક્ટરોને મહિનામાં પ્લોટ ક્લિયર હોવાનો રિપોર્ટ જમા કરાવવા આદેશ

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
AMCની દાણીલીમડા ઓફિસની ફાઈલ તસવીર - Divya Bhaskar
AMCની દાણીલીમડા ઓફિસની ફાઈલ તસવીર
  • 18×24 મીટરના ડ્રાફટ કે ફાઇનલ ટીપી રોડ ખોલવા માટે આદેશ
  • મધ્ય ઝોનમાં AMCના પ્લોટમાં સૌથી વધુ દબાણ કરાયું

અમદાવાદ શહેરમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ખુલ્લા પ્લોટમાં અસામાજિક તત્વો અને માથાભારે શખસો દ્વારા ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ 4000 જેટલા ખુલ્લા પ્લોટમાંથી 140થી વધુ જેટલા ગેરકાયદેસર દબાણ હોવાની સ્ફોટક વિગતો સામે આવી હતી. આજે મળેલી ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ કમિટીમાં તમામ વોર્ડ ઈન્સ્પેકટરોને ફરજિયાત લોગબુક ભરવા માટે જણાવવામાં આવ્યું છે.

એક મહિનામાં પ્લોટ ખાલી કરાવી રિપોર્ટ રજૂ કરવા આદેશ
વોર્ડ ઈન્સ્પેક્ટરોને એક મહિનામાં લોગબુક ભરી અને પ્લોટ ક્લીયર હોવાનો રિપોર્ટ કમિટીમાં રજૂ કરવા પણ આદેશ કર્યો છે. ઉપરાંત કમિટીમાં શહેરમાં 18×24 મીટરના ડ્રાફટ કે ફાઇનલ ટીપી રોડ છે તેને ખોલવામાં ન આવ્યા હોય તો તેને ખુલ્લા કરવા માટે જણાવવામાં આવ્યું છે જેથી ટ્રાફિકની સમસ્યા પણ દૂર થઈ શકે છે. કોર્પોરેશનના તમામ કોમ્યુનિટી હોલની વ્યવસ્થા જાળવવા માટે સૂચના આપવામા આવી છે.

મધ્ય ઝોનમાં સૌથી વધુ ગેરકાયદેસર દબાણ
સૌથી વધુ મધ્ય ઝોન એટલે કે કોટ વિસ્તારમાં આવેલા પ્લોટમાં ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. મધ્ય ઝોનમાં ગેરકાયદેસર બાંધકામ હોય કે પ્લોટમાં દબાણ વધુ હોવા છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી. એસ્ટેટ અધિકારીની રહેમનજર હોવાથી તેઓ જ તોડતા નથી કે કેમ ? કોર્પોરેશનના પ્લોટ પર ગેરકાયદે દબાણ થતા હોવાનું ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટિના ચેરમેનના ધ્યાને આ બાબત આવતાં તેઓએ તાત્કાલિક અધિકારીઓને પ્લોટમાં વિઝીટ કરી અને ગેરકાયદેસર દબાણો દૂર કરવાની સૂચના આપી હતી. જો કે કોર્પોરેશનના આવા પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ ન હોવાને કારણે દબાણ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. પૂર્વ વિસ્તારમાં આવેલા ઉત્તર અને દક્ષિણ ઝોનમાં તેમજ પશ્ચિમ વિસ્તારમાં દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં એકપણ પ્લોટમાં દબાણ ન હોવાનું કોર્પોરેશન તંત્રનો દાવો છે.

સમયસર હપ્તા મળી જતા દબાણ કરનાર સામે કાર્યવાહી નથી થતી!
મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની મોટી બેદરકારીથી અસામાજિક તત્વો પ્લોટમાં દબાણ કરી અને મકાનો તેમજ ઝુંપડા બાંધી દે છે અથવા કબજો જમાવી લે છે. કોર્પોરેશન તંત્ર તેમની સામે કાર્યવાહી કેમ નથી કરતું તેના પર મોટો સવાલ ઉભો થયો છે. જો કે આવા અસામાજિક તત્વો અને કબજો જમાવનાર લોકો સાથે એસ્ટેટ વિભાગના અધિકારીઓની જ મિલીભગત હોય છે અને સમયસર હપ્તા મળતા હોવાથી તેઓ આંખ આડા કાન કરતા હોવાથી તેઓની સામે કોઈ કાર્યવાહી થતી નથી. શું ચાર ઝોનમાં ખુલ્લા પ્લોટમાં થયેલા ગેરકાયદેસર દબાણ પોલીસની મદદથી આવા દૂર કરી લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે?