ખાડા પૂરવા જંગી ખર્ચ:ત્રણ વોર્ડમાં ખાડા પૂરવા પાછળ AMC રૂ. 12 કરોડનો ધુમાડો કરશે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ.1 કરોડના ખર્ચમાં તો 1 કિલોમીટરનો રોડ તૈયાર થઈ જાય છે
  • અન્ય બે વોર્ડમાં ખાડા પૂરવા માટે 1.45 કરોડનો ખર્ચ અલગથી મંજૂર કરવામાં આવ્યો

શહેરમાં સામાન્ય રીતે એક કિ.મી.નો રસ્તો બનાવવા માટે એક કરોડનો ખર્ચ થાય છે. પરંતુ મ્યુનિ. તંત્ર માત્ર 3 વોર્ડ સૈજપુર, કુબેરનગર અને સરદારનગર વોર્ડમાં જ રસ્તા પરના ખાડા પૂરવામાં જ 12.29 કરોડનો ખર્ચ કરશે. આવી જ રીતે મક્તમપુરા અને વેજલપુર વિસ્તારમાં ખાડા પૂરવાના ટેન્ડરમાં માત્ર 1.45 લાખના ટેન્ડરને મંજૂરી આપી છે. ઉત્તર ઝોનના 3 વોર્ડનું આ ટેન્ડર પણ સિંગલ ટેન્ડર હોવા છતાં પણ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરીની મહોર લગાવી દીધી છે.

ઉત્તર ઝોનમાં આવેલા સૈજપુર, કુબેરનગર અને સરદારનગર વિસ્તારના રસ્તાઓ પર રસ્તા રિગ્રેડ કરી રિસરફેસ તથા પેચવર્ક જેવા કામો કરવા માટે મ્યુનિ. તંત્ર દ્વારા ટેન્ડર મગાવવામાં આવ્યું હતું. જેમાં સિંગલ કોન્ટ્રાક્ટર એન.સી.સી. ઇન્ફ્રાસ્પેશ પ્રા.લી. દ્વારા 22.90 ટકા જેટલા વધારે ભાવ સાથે રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં મ્યુનિ. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં આ રિટેન્ડર કરવાને બદલે 12.29 કરોડનું આ ટેન્ડર મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકી દેવામાં આવ્યું હતું.

સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પણ આ ટેન્ડરને મંજૂરીની મહોર લગાવી દીધી છે. જોકે આ રસ્તા પર કેટલા ખાડા છે, તેમજ કેટલા રસ્તાઓ રિસરફેસ કરવામાં આવશે તેવી વિગતો પણ મ્યુનિ. તંત્ર દ્વારા છુપાવવામાં આવી રહી છે.

ખાડા પૂરવા જંગી ખર્ચના અંદાજથી આશ્ચર્ય
મક્તમપુરા અને વેજલપુર વોર્ડમાં પણ જેટપેચરથી રસ્તા પરના ખાડા પૂરવા માટે 1.45 કરોડનું ટેન્ડર મંજૂર કરાયું છે. ઉત્તર ઝોનમાં મંજૂર થયેલા આ ટેન્ડર પ્રમાણે એક વોર્ડમાં જ 4 કરોડની રકમ ફાળવવામાં આવતાં આશ્ચર્ય સર્જાયું છે. સામાન્ય રીતે ઇજનેર શાખાની ગણતરી પ્રમાણે એક કિ.મી.નો આખો રસ્તો નવેસરથી બનાવવો હોય તો તેના માટે રૂ. 1 કરોડનો ખર્ચ થતો હોય છે, જ્યારે ખાડા તેમજ રિસરફેસની કામગીરીમાં 1 થી 5 લાખનો ખર્ચ અંદાજવામાં આવતો હોય છે. જોકે આ ટેન્ડરની પ્રક્રિયામાં આટલી મોટી રકમનું સિંગલ ટેન્ડર મંજૂર કરી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...