અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોના કોર્ટ કેસ સુપ્રીમ કોર્ટથી લઈ ગુજરાત હાઈકોર્ટ અને નીચલી કોર્ટમાં ચાલતા હોય છે. AMCના તમામ કોર્ટના મળી કુલ 8100 કેસો પૈકી 7,944 કેસો પેન્ડીંગ છે. કોર્પોરેશન પાસે સુપ્રીમ કોર્ટના 7, હાઈકોર્ટના 30 વકીલો અને સીટી સીવીલ કોર્ટના 5 વકીલો મળી 42 જેટલા નિષ્ણાત વકીલોની ફોજ હોવા છતાં આટલી મોટી સંખ્યામાં કેસો પેન્ડીંગ છે. પેન્ડિંગ કેસોમાં 50 ટકાથી વધુ કેસો એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ વિભાગના છે.
વિવિધ કોર્ટના મળી કુલ 8100 કેસમાંથી 7944 કેસ બાકી
આ અંગે વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ કોર્ટમાં કેસ લડવા માટે 42 જેટલા વકીલો અને કરોડો રૂપિયાની માતબર રકમ ખર્ચવા છતાં વિવિધ કોર્ટના મળી કુલ 8100 કેસમાંથી 7944 કેસ બાકી છે. મ્યુ. કોર્પો. માટે શરમજનક બાબત બની ગઈ છે અને કોર્પોરેશનની શાખ તળીયે જવા બેઠી હોય તેવી લાગણી અનુભવાય છે. મ્યુ. કોર્પો.ના લીગલ ખાતાની કામગીરી ખાડે ગઈ હોવાનું સ્પષ્ટ જણાય છે. જેથી આ બાબતે તપાસ કરી જે જવાબદાર હોય તેની સામે પગલાં ભરવા કોંગ્રેસ પક્ષની માંગણી કરવામાં આવે છે.
છેલ્લા બે વર્ષમાં વિવિધ કોર્ટના 3827 કેસોનો નિકાલ
આ મામલે લીગલ કમિટીના ડેપ્યુટી ચેરમેન ઉમંગ નાયકે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં વિવિધ કોર્ટના 3827 કેસોનો નિકાલ થયો છે. કાર્યવાહી માટે વકીલોને રૂપિયા 2 કરોડ ફીની ચૂકવણી કરી છે. કોર્પોરેશનમાં વર્ષ 2021થી જ્યારથી અમારી કમિટી રચાઈ છે ત્યારથી સૌથી વધારે કોર્ટ કેસો અમારા કાર્યકાળ દરમિયાન જીત્યા છીએ. રૂપિયા 200 કરોડના રિઝર્વ પ્લોટના કેસો અમે જીત્યા છે અને કબજો મળ્યો છે જ્યારે 40 જેટલા ટીપી રોડના કેસો પણ જીત્યા છીએ અને તે રોડ ખોલવામાં આવ્યા છે.
કેસો પેન્ડીંગ રહેવાના કારણે મ્યુ. કોર્પો. ઉપર આર્થિક ભારણ
હાલ સુપ્રીમ કોર્ટના 71 કેસ હાઇકોર્ટના 4,341 તથા સીટી સીવીલ કોર્ટના 2,494 જેટલા કેસો પેન્ડીંગ છે. તેમાં મહત્વના એસ્ટેટ અને ટી.ડી.ઓ વિભાગના કેસો બાકી છે. એસ્ટેટ અને ટી.ડી.ઓ વિભાગના સુપ્રીમ કોર્ટમાં 29, હાઇકોર્ટમાં 1897 તથા સીટી સીવીલ કોર્ટમાં 2183 કેસો મળી એસ્ટેટ અને ટી.ડી.ઓ. ખાતાના કુલ 4109 કેસો પેન્ડીંગ છે. વિવિધ કોર્ટમાં કેસો મોટી સંખ્યામાં પેન્ડીંગ રહેવાના કારણે મ્યુ. કોર્પો. ઉપર આર્થિક ભારણ વધે છે અને વિકાસ કાર્યોમાં વિલંબ પણ થવા પામે છે. જેનો બોજ સામાન્ય પ્રજાજન ઉપર આવે છે.
ખરાબ રસ્તા માટે સુપરવાઇઝરી કમિટીની રચના
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ થયેલી પી.આઇ. એલ. રિટના અનુસંધાનમાં નામ ર્કોટ દ્વારા શહેરના આશરે 169 જેટલા રસ્તા વાહન ચલાવવા યોગ્ય નહીં હોવા બાબતે સુપરવાઇઝરી કમિટીની રચના કરી હતી. તે કમિટી દ્વારા રોડના કામોની ગુણવત્તા જળવાય અને કામમાં કોઇ ગેરરીતી ના થાય તે માટે ખાસ ધ્યાન આપવામાં આવે અને તે બાબતની એફીડેવીટ કરી કોર્ટને જાણ કરે તેવો સ્પષ્ટ હુકમ આપેલો હતો. જેને કારણે મ્યુ. કોર્પો.ની શાખ ખરડાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.