કોર્પોરેશનને થૂંકેલું ચાટ્યું:'ઉપર'ના આદેશ બાદ AMCએ ઇંડાં-નોનવેજ લારીઓ હટાવો ઝુંબેશ અટકાવી, મહાનગરોના સત્તાધીશોના મનસ્વી નિર્ણયોથી મોવડીમંડળ નારાજ

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવાદને ટાળવા લારીઓ ન હટાવવા ભાજપના સત્તાધીશોએ આદેશો આપી દીધા છે
  • કામગીરી બતાવવા માટે ટ્રાફિક અડચણરૂપ હોય એવા કેટલાક વિસ્તારમાં લારીઓ હટાવી દેવાઈ

રાજ્યનાં મહાનગરોમાં જાહેર રોડ પર ઊભી રહેતી ઈંડાં-નોનવેજની લારીઓને હટાવવા માટે મહાનગરોના ભાજપના સત્તાધીશોએ આદેશો આપી દીધા હતા, જેને પગલે મોટો હોબાળો થતાં છેવટે મુખ્યમંત્રીને દખલગીરી કરીને સ્પષ્ટતા કરવી પડી હતી. અમદાવાદ સહિતનાં મહાનગરોમાં ભાજપના સત્તાધીશોના મનસ્વી નિર્ણયોથી લોકોમાં રોષ ફેલાતા પ્રદેશ ભાજપના નેતાઓ ખૂબ જ નારાજ થયા છે. આ વિવાદ થતાં હવે અમદાવાદમાં નોનવેજ-ઇંડાંની લારીઓને બહુ હેરાન ન કરવા અધિકારીઓને સૂચના આપી દેવાઈ છે. આમ, મ્યુનિસિપલ કોર્પોરેશનને થૂંકેલું ચાટવું પડ્યું છે અને લારી હટાવો ઝુંબેશ પર બ્રેક મારી દેવાઈ છે. કેટલાક વિસ્તારોમાં કામગીરી દેખાડવા માટે દબાણો દૂર કરવા કહ્યું છે, પરંતુ આ વિવાદ ઊભો થતાં હાલ શાંત પાડવા માટે ટ્રાફિક અડચણના નામે ઈંડાં-નોનવેજ સહિત બીજી લારીઓને પણ ઉપાડી લેવા જણાવ્યું છે.

વિવાદ શાંત પાડવા અધિકારીઓને લારી-ગલ્લા ન હટાવવા સૂચના
કોર્પોરેશનનાં સૂત્રોના જણાવ્યા મુજબ, અમદાવાદ શહેરમાંથી જાહેરમાં મુખ્ય માર્ગો ઉપરાંત ધાર્મિક સ્થાનો, સ્કૂલ, કોલેજો, ગાર્ડન, હોલ વગેરે સ્થળોએ 100 મીટરની મર્યાદામાં જાહેરમાં નોનવેજ- ઇંડાંની લારીઓ પર પ્રતિબંધના નિયમની જાહેરાત બાદ હોબાળો થયો હતો. સાંજે મુખ્યમંત્રીની સ્પષ્ટતા બાદ બીજા દિવસથી જ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ટ્રાફિક અડચણરૂપ તમામ લારીઓને ઉપાડી લીધી હતી. એક દિવસની કામગીરી બતાવવા માટે માત્ર કેટલાક વિસ્તારોમાં દબાણો દૂર કર્યાં હતાં. વિવાદને શાંત પાડવા માટે અધિકારીઓને હાલમાં ક્યાંય દબાણરૂપ લારી-ગલ્લા ન હટાવવા સૂચના આપી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ટ્રાફિક અડચણરૂપ તમામ લારીઓને ઉપાડી લીધી હતી
મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ટ્રાફિક અડચણરૂપ તમામ લારીઓને ઉપાડી લીધી હતી

'ઉપર'ની સૂચના બાદ દબાણો હટાવવાની કામગીરી ધીમી પડી
જેથી હવે જાહેરમાં ઈંડાં-નોનવેજની લારીઓ ઉપરાંત તમામ લારીઓ ઊભી રહેશે. અમદાવાદમાં એવા અનેક વિસ્તારો છે, જેમ કે ગુજરાત યુનિવર્સિટી રોડ, IIM સહિતના જગ્યાઓ, જેમાં જાહેર રોડ પર આખો રોડ રોકાય અને ટ્રાફિક થાય એમ લારીઓ ઊભી રહે છે, જોકે એસ્ટેટ વિભાગના અધિકારીઓ હવે ભાજપના સત્તાધીશોની સૂચના મુજબ દબાણો હટાવવાની કામગીરી ધીમી કરી દીધી છે.

હિતેશ બારોટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન.
હિતેશ બારોટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન.

6 દિવસ પહેલાં સ્ટેન્ડિંગ ચેરમેનને કહ્યું હતું, 'લારીઓ હટશે'
6 દિવસ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે DivyaBhaskar સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે જાહેરમાં ઈંડાં અને નોનવેજની લારીઓ અંગે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહિના પહેલાં શહેરમાં ધાર્મિક સ્થાનોની આસપાસ ઊભી રહેતી ઈંડાં અને નોનવેજની લારીઓ દૂર કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. જાહેરમાં લાઇસન્સ વગર ઈંડાં કે નોનવેજ વેચનારી લારીઓને જપ્ત કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે. જાહેરમાં નોનવેજ લાઇસન્સ વગર વેચી ન શકાય, જેથી તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચારને વિગતવાર વાંચવા અહીં ક્લિક કરો....

3 દિવસ પહેલાં TP ચેરમેને પણ કહ્યું હતું, 'લારીઓ હટશે'
ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરના મુખ્ય માર્ગો પર જે નોનવેજ અને ઇંડાંની લારીઓ ઊભી રહે છે એને દૂર કરવાના આદેશ આપી દેવાયા છે. અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ થઈ ચૂક્યો છે અને ગુજરાત હાઈકોર્ટની પણ ગાઈડલાઇન છે કે સ્કૂલ, કોલેજો, ધાર્મિક સ્થાનો, લગ્ન હોલ, કોર્પોરેશન હોલ, ગાર્ડન સહિતની જગ્યાઓના 100 મીટરમાં આવી લારીઓ ઊભી રાખી શકાય નહીં. વધુમાં તેમણે જણાવ્યું હતું કે શહેરના દરેક વિસ્તારમાં અને સાતેય ઝોનમાં આ કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચારને વિગતવાર વાંચવા અહીં ક્લિક કરો....

દેવાંગ દાણી, ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન.
દેવાંગ દાણી, ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન.

રેવન્યુ કમિટી ચેરમેને લારીઓ હટાવવા પત્ર લખ્યો હતો
થોડા સમય પહેલાં શહેરમાં જાહેરમાં લાઇસન્સ વગર ચાલતી લારીઓને બંધ કરાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારને પણ પત્ર લખી જાણ કરી હતી કે ગુજરાતની અસ્મિતા અને કર્ણાવતી મહાનગરની સાંસ્કૃતિક પરંપરાને ધ્યાનમાં રાખી શહેરના જાહેર માર્ગો, ધાર્મિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ અન્ય જગ્યાએ નોનવેજની ગેરકાયદે ધમધમતી લારીઓના દબાણ તાત્કાલિક દૂર કરાવવા જરૂરી છે. હાલમાં જાહેરમાં માંસ, મટન, મચ્છી વેચાતાં હોવાથી શહેરીજનો માર્ગ પરથી નીકળી શકતા નથી. આ ઉપરાંત શહેરીજનોની ધાર્મિક લાગણી પણ દુભાય છે. સ્વચ્છતા,જીવદયા અને સંસ્કૃતિનું પાલન કરવા પણ આ પગલું જરૂરી બન્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ફાઈલ તસવીર.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ફાઈલ તસવીર.

3 દિવસ પહેલાં CMએ કહ્યું હતું, 'લોકોને જે ખાવું હોય એ ખાઈ શકે છે'
વિવિધ શહેરોમાં નૉનવેજની લારીઓ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય અંગે ગત સોમવારે આણંદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘કોઇ વેજ ખાય કે નોનવેજ ખાય, એની સામે અમારો કોઇ પ્રશ્ન જ નથી. જેને જે ખાવું હોય એ ખાય શકે છે, પણ લારીઓમાં વેચાતા ખાદ્ય પદાર્થ આરોગ્ય માટે હાનિકારક ના હોય એટલા પૂરતી જ વાત છે. ઉપરાંત ટ્રાફિકને અડચણરૂપ લારી હટાવવા જેવી બાબત હોય એ પાલિકા, મહાપાલિકા હટાવી જ શકે એ એમાં વેજ-નોનવેજની કોઇ વાત નથી.

આ સમાચારને વિગતવાર વાંચવા અહીં ક્લિક કરો....

અન્ય સમાચારો પણ છે...