માનવતા મહેંકી:પગપાળા બિહાર જવા નીકળેલી પરપ્રાંતિય સગર્ભાને પોલીસે રોકી AMCએ રેનબસેરામાં આશ્રય આપ્યો, તંદુરસ્ત બાળકનો જન્મ

અમદાવાદ3 વર્ષ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • કૉપી લિંક
  • ઓઢવ પોલીસે રિંગ રોડ પર પીઆઇ જાડેજાએ મહિલા ગર્ભવતી હોવાની જાણ થતાં જ રેનબસેરામાં મોકલી આપી
  • બાળકના જન્મ બાદ પણ રેનબસેરામાં ઘોડિયાની અને તમામ સુવિધા બાળક અને મહિલાને મળી રહી છે

લોકડાઉનની પરિસ્થિતિમાં અત્યારે હજારો પરપ્રાંતિય શ્રમિકો પગપાળા વતનમાં જવાની રાહમાં અમદાવાદ તરફ નીકળી પડ્યા છે. પરપ્રાંતિય શ્રમિકોને રસ્તામાં પાણી અને જમવાનું પણ નથી મળતું ત્યારે ક્લોલના છત્રાલથી વતન માટે ચાલતા નીકળેલી પરપ્રાંતિય શ્રમિક ગર્ભવતી મહિલાની ઓઢવ પોલીસ અને કોર્પોરેશનના UCDએ મદદ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગર્ભવતી હોવાથી આગળ રસ્તામાં મહિલાને તકલીફ પડી શકે છે જેથી ઓઢવ પીઆઇ આર. જી જાડેજાએ કોર્પોરેશનના રેનબસેરામાં આશરો અપાવી અને રેનબસેરાના લોકોએ મહિલાની હોસ્પિટલમાં સફળ ડિલિવરી કરાવી હતી. હાલમાં મહિલા અને બાળકને ઓઢવમાં ભરવાડવાસમાં રેનબસેરામાં જ રાખવામાં આવ્યા છે. માતા અને બાળકનું ખાસ ધ્યાન કોર્પોરેશનના રેનબસેરા દ્વારા રાખવામાં આવી રહ્યું છે.

કલોલથી બિહાર જવા કાળઝાળ ગરમીમાં પગપાળા
લોકડાઉનની પરિસ્થિતિમાં પરપ્રાંતિય શ્રમિકો ભર ઉનાળે તડકામાં વતનની વાટ પકડી રહ્યા છે. કલોલમાં છત્રાલમાં ફેકટરીમાં મજૂરી કામ કરી પેટિયું રળતો બિહારના બે મજૂર પરિવાર અમદાવાદ તરફ નીકળ્યા હતા. તેમની સાથે નવ માસનો ગર્ભ ધરાવતી મહિલા પુનમબેન રાજાબાબુ ઠાકુર પણ છત્રાલથી પગપાળા આવી કાળઝાળ ગરમીમાં પોતાના વતન ગામ પાવા બિહાર તરફ જવા નીકળ્યા હતાં ઓઢવ રિંગ રોડ પર પહોંચ્યા ત્યારે ઓઢવ પોલીસ સ્ટેશનનાં પીઆઇ આર.જી જાડેજા અને ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી. આ પરિવારને રોકી અને પૂછતાં વતન જઈ રહ્યા છે તેવું કહ્યું હતું. પોલીસે તેઓને નાસ્તો અને પાણી આપ્યું હતું. દરમિયાનમાં પીઆઇ જાડેજાના ધ્યાને આવ્યું હતું કે મહિલા ગર્ભવતી છે. મહિલાને પૂછતાં તેને નવમો મહિનો જઇ રહ્યો છે. મહિલા આગળ ચાલતા જશે તો રસ્તામાં જ ડિલિવરી થાય તેમ છે અને બંનેની જિંદગી જોખમમાં આવી શકે છે. જેથી તેઓ તાત્કાલિક કોર્પોરેશનના UCD ડિપાર્ટમેન્ટના ભરવાડ વાસ આશ્રયગૃહનું સંચાલન કરતા સાબર સેવા ટ્રસ્ટના સેવાભાવી મયુરસિંહ વાઘેલાને જાણ કરી હતી. રેનબસેરા અને પોલીસે પુનમબેને તેમના પરિવરનું મેડિકલ સ્ક્રિનિંગ કરી ભરવાડવાસમાં રેનબસેરામાં આશ્રય આપ્યો હતો.

શારદાબેન હોસ્પિટલમાં ડિલિવરી કરાવી રેનબસેરામાં આશરો આપ્યો
બે દિવસ બાદ તેમને દુઃખાવો ઉપડતા શારદાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.  તેઓએ એક બાળકને જન્મ આપ્યો હતો. બાળકના જન્મ બાદ તેઓને ફરી રેનબસેરા ખાતે લઇ આવ્યા હતા. નાનું બાળક હોવાથી તેને ઘોડિયાની જરૂર પડે છે. રેનબસેરામાં ઘોડિયું ન હોવાથી UCD વિભાગના પૂર્વ ઝોનના ઓઢવ વોર્ડના એક મહિલા કર્મચારીએ દ્વારા બાળક માટે ઘોડિયાની વ્યવસ્થા કરી આપી હતી. એક બહેન તેમના માટે શિરો બનાવીને લઈ આવ્યા હતા. અને તેમને જરૂર જણાય તે મુજબની અત્યારે તમામ સુવિધા આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આજે માતા અને બાળક બન્ને ખુશ ખુશાલ છે.

અન્ય સમાચારો પણ છે...