ટેક્સ માફી:AMCએ 5,521 મિલકતોને આપી પ્રોપર્ટી ટેક્સમાં રાહત, 3033 હોટલ અને 2136 રેસ્ટોરન્ટનો 11.64 કરોડ મિલકત વેરો માફ

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 61 સિનેમાઘરોના 95 લાખ, 28 મલ્ટીપ્લેક્સના 2.79 કરોડ, 263 જિમ્નેશિયમના1.85 કરોડનો ટેક્સ માફ

રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં આવેલી હોટલ, રિસોર્ટસ, રેસ્ટોરન્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટરપાર્ક, સિનેમાઘરો, મલ્ટીપ્લેક્સ અને જિમનેશિયમને એક વર્ષના સમય માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જે સંદર્ભે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલી કુલ 5,521 મિલકતોને રૂ. 47.90 કરોડ જેટલી રાહત આપવામાં આવી છે.

આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટિમાં આ તમામ 5521 જેટલી મિલકતોને ચાલુ વર્ષ 2021-22માં પ્રોપર્ટી ટેક્સના બિલમાં ઝીરો કરી રાહત આપવામાં આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. આ ટેક્સ માફીમાં 3033 હોટલ અને 2136 રેસ્ટોરન્ટને ટેક્સમાં રાહત આપવામાં આવી છે. જો કે બીજી લહેરના અંત સમયે સ્થિતિ થાળે પડી ગઈ હોવાછતાં કોરોનાના નામે હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોએ ફૂડના ભાવમાં વધારો કર્યો છે અને ટેક્સની માફી મેળવી છે.

હોટલ-રેસ્ટોરન્ટને 11.64 કરોડની ટેક્સ માફી
સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે કોરોનાના કારણે રાજ્ય સરકારે હોટલ, રેસ્ટોરન્ટ વગેરેમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહતની જાહેરાત કરી હતી. જેમાં અમદાવાદ મમ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં 3033 હોટલના 30.66 કરોડ, 2136 રેસ્ટોરન્ટના 11.64 કરોડ 61 સિનેમાઘરોના 95 લાખ, 28 મલ્ટીપ્લેક્સના 2.79 કરોડ, 263 જિમ્નેશિયમના 1.85 કરોડ એમ કુલ 47 કરોડથી વધુની રકમની રાહત આપવામાં આવી છે. જે હોટલ, રેસ્ટોરન્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક, સિનેમાઘરો, મલ્ટીપ્લેક્સ અને જિમ્નેશિયમના માલિકોએ વર્ષ 2021-22નો પ્રોપર્ટી ટેક્સ ભરી દીધો હોય તેવા 782 પ્રોપર્ટી ધારકો દ્વારા ભરવામાં આવેલા પ્રોપર્ટી ટેક્સની 8.75 કરોડ જેટલી રકમ ચાલુ વર્ષના ડિમાન્ડ ક્રેડિટ તરીકે જમા આપવામાં આવશે.

જાસપુરમાં 100 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાનને મંજૂરી
ઉપરાંત આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ 100 કરોડના ખર્ચે જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે 200 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી હતી. રૂ. 5620 લાખથી વધુના ખર્ચે શહેરીજનોની સુખાકારી માટે વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટીના વિકાસલક્ષી કામોને મંજુરી આપવામાં આવી. રૂ 973 લાખથી વધુના ખર્ચે શહેરીજનોની સુખાકારી માટે રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ કમિટીના વિકાસલક્ષી કામોને મંજુરી આપવામાં આવી હતી.

વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે RCC અને પેવરબ્લોક
રૂ.80 લાખના ખર્ચે મધ્યઝોન તથા અન્ય ઝોનના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે આર.સી.સી. એપ્રોચ રોડ, ઇન્ટરલોકીંગ પેવર બ્લોક લગાવવા, એલ.ટી., એચ.ટી. રૂમ ઉપર વેધર શેડ બનાવવાના રિવાઇઝ ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. તેમજ અન્ય જરૂરી રીપેરીંગ, રીનોવેશન કરવા, રૂ.1332 લાખના ખર્ચે પૂર્વ વિસ્તારના સરદાર પટેલ રીંગ રોડ પર આવેલ દહેગામ સર્કલથી ઓઢવ પાંજરાપોળ ચાર રસ્તા સુધીના રોડને સમાંતર હયાત ઈસ્ટર્ન ટૂંક મેઇન ડ્રેનેજ લાઇન ડીસીલ્ટીંગ કરી જરૂરીયાત મુજબ રીહેબિલિટેશન કરવાના રીવાઇઝ-ટેન્ડરને મંજુરી આપવામાં આવી હતી.

રૂ.30 લાખના ખર્ચે ઇન્ડિયા કોલોની વોર્ડમાં ડ્રેનેજ લાઇનના કામો કરાશે
રૂ.30 લાખના ખર્ચે ઉત્તર ઝોનના ઇન્ડિયા કોલોની વોર્ડમાં આવેલ ચાલીઓમાં મશીન હોલ ચેમ્બર રિપેરીંગ અને જરૂર મુજબ ડ્રેનેજ લાઈન અપગ્રેડ કરવા અને તેમાં જરૂરી સુધારા વધારા કરવા તથા અન્ય બીજી ચાલીઓમાં સિસ્ટેમેટીક ડ્રેનેજ લાઇન નાંખવા તથા જરૂરીયાત પ્રમાણે જુદી જુદી જગ્યાએ ડ્રેનેજ લાઈનમાં સુધારા વધારા કરવાના કામને મંજૂરી આપવામાં આવી હતી.

રૂ.100 કરોડના ખર્ચે ઉત્તર-પશ્ચિમ ઝોન, દક્ષિણ-પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનના ચાંદખેડા, મોટેરા, સાબરમતી અને રાણીપ વિસ્તારમાં પાણીની ભવિષ્યની જરૂરીયાતને ધ્યાનમાં લઈ જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે 200 એમ.એલ.ડી. ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કલીયર વોટર પંપહાઉસ, પ્લાન્ટના કમ્પાઉન્ડની અંદરની જરૂરી એમ.એસ. પાઈપ લાઈન નાંખવા સાથે તેમજ સમગ્ર કામના પાંચ વર્ષના ઓ. એન્ડ એમ. સહિતના કામને મંજૂરી આપવામાં આવી હતી.

મણિનગરમાં 10 લાખ લિટરની ઓવરહેડ ટાંકી બનાવવા 1.90 કરોડ મંજૂર
રૂ.1 કરોડ 90 લાખના ખર્ચે દક્ષિણ ઝોનના મણિનગર વોર્ડમાં કાંકરીયા ફૂટબોલ ગ્રાઉન્ડ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે નવી 10 લાખ લિટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી બનાવવા, જરૂરીયાત મુજબ નેટવર્કના જોડાણ કરવાના કામને મંજુરી આપવામાં આવી હતી. રૂ. 2 કરોડ 36 લાખના ખર્ચે દક્ષિણ ઝોનના ખોખરા વોર્ડમાં સિલ્વર કોટન વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે નવી 46 લાખ લિટર ક્ષમતાની ભૂગર્ભ ટાંકી તથા કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી હતી.

રૂ.12 કરોડ 88 લાખના ખર્ચે પૂર્વ ઝોનના ગોમતીપુર વોર્ડમાં હાથીખાઈ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનના ઓગમેન્ટેશન અને વિસ્તૃતિકરણના કામને મંજૂરી આપવામાં આવી હતી. રૂ.264 લાખના ખર્ચે ઉત્તર ઝોનના સરસપુર-રખિયાલ વોર્ડમાં સરસપુર-નૂતન મિલ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે નવી 15 લાખ લિટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી બનાવવા, હયાત કમ્પાઉન્ડમાં આર.સી.સી. એપ્રોચ રોડ તથા ઇન્ટરલોકીંગ પેવર બ્લોક લગાવવાના કામને મંજૂરી આપવામાં આવી હતી.