ફૂડ વિભાગનું ચેકિંગ:અમદાવાદમાં AMCના ફૂડ વિભાગે ખાદ્ય પદાર્થના 16 સેમ્પલ લઈ 17 કિલો જથ્થાનો નાશ કર્યો; એક તેલમાં વારંવાર કેળા વેફર તળતાં ત્રણ એકમ સીલ કરાયાં

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના 48 વોર્ડ છતાં ફૂડ વિભાગે માત્ર 16 જ નમૂના લીધા

મ્યુનિ. દ્વારા શ્રાવણ માસ દરમ્યાન વેચાતા ફરાળી ખાદ્યપદાર્થ સહિતના કેટલાક પદાર્થના નમુના લઇને ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં જ મ્યુનિ.એ અલગ અલગ વિસ્તારમાંથી 64 જેટલા નમુના તપાસ માટે મોકલ્યા છે. આ ઉપરાંત એક જ તેલમાં વારંવાર તળીને કેળા વેફર બનાવતાં 3 એકમોને મ્યુનિ.એ સીલ કરી તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે.

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં છેલ્લા એક સપ્તહમાં મ્યુનિ. આરોગ્યની ટીમે શહેરના વિવિધ વિસ્તારમાં ખાદ્યપદાર્થના નમુનાઓમાં તેમને શંકાસ્પદ લાગ્યા તેના નમુના મેળવીને તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. શુક્રવારે પણ મ્યુનિ.એ શહેરમાં 16 જેટલા શંકાસ્પદ પદાર્થોના સેમ્પલ મેળવ્યા છે. સાથે 17 કિલો જેટલો બિન આરોગ્યપ્રદ જથ્થાનો નાશ કર્યો છે. સાથે 7 જેટલા બિઝનેસ ઓપરેટરોને નોટિસ પાઠવી છે.

સેટેલાઇટ, પાલડી, વેજલપુરમાં 3 એકમ સીલ

  • આરએસએસ લાઇવ કેળા વેફર, શ્રેયસ કોમ્પલેક્ષ, મકરબા રોડ, વેજલપુર
  • શ્રી સિદ્ધિ વિનાયક કેળા વેફર્સ, જોધપુર ગામ રોડ, સેટેલાઇટ
  • ગણેશપુરા વેફર્સ, અંકુર કિરાના સ્ટોર પાછળ, શાંતિવન પાલડી

કઈ કઈ વાનગીના કેટલા સેમ્પલ લેવાયા?

ખાદ્ય પદાર્થનમુનાની સંખ્યા
ફરાળી ચેવડો12
મોરૈયો4
સ્વિટ(દુધની બનાવટો)6
ખાજા12
વેફર્સ13
અન્ય13
કુલ64

નમૂના લઈ પરિક્ષણ માટે મોકલી આપ્યા

આજે શુક્રવારે ફરાળી ચીજવસ્તુઓના કુલ 16 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં ફરાળી ચેવડો, વેફર્સ, મોરૈયો સહિતની વસ્તુઓના નમૂના લઈ પરિક્ષણ માટે મોકલી આપ્યા છે. શ્રાવણ માસ દરમિયાન અત્યાર સુધીમાં ફરાળી લોટ, મોરૈયો, ચેવડો, બફાવડા અને ખાદ્યતેલના કુલ 105 જેટલા નમૂના લેવામાં આવ્યા છે.

છેલ્લા અઠવાડિયામાં 64 નમૂનાના પરિણામ હજી આવ્યા નથી
છેલ્લા અઠવાડિયામાં 64 જેટલા નમૂના લેવામાં આવ્યા છે. આ તમામના પરિણામ હજી સુધી આવ્યા નથી. છેલ્લા બે મહિનામાં 460 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં 421ના પરિણામ આવ્યા હતા. 421માં 10 મિસબ્રાન્ડેડ, 2 સબ સ્ટાન્ડર્ડ અને 6 અનસેફ હોવાનું જાહેર થયું છે જ્યારે 21ના પરિણામ આવવાના બાકી છે.