અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડ તંત્ર દ્વારા શાહીબાગ વિસ્તારમાં આવેલા ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં લાગેલી આગમાં એક કિશોરીના મોતની ઘટના બાદ શહેરની હાઇરાઈઝ રહેણાંક બિલ્ડિંગોમાં ફાયર એનઓસી અંગેની તપાસ શરૂ કરાઈ છે. જેમાં કુલ 608 જેટલી હાઇરાઈઝ રહેણાંક બિલ્ડિંગોમાં ફાયર એનઓસી નથી. જે તમામ બિલ્ડિંગો સામેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં પ્રથમ તબક્કામાં 23 બિલ્ડિંગને નોટિસ આપી છે. જેના પાણીના કનેક્શન કાપવાની શરૂઆત ઈજનેર વિભાગ દ્વારા કરવામાં આવી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની 23માંથી થલતેજના ઇન્દ્રપ્રસ્થ, સોલા આર સી ટેક્નિકલ પાસે નિર્માણ કોમ્પ્લેક્સ, ગોતા સેવનથ ગ્રેસ બિલ્ડીંગ, જજીસ બંગલોઝ રોડ પર આવેલા પુષ્કર ટાવર અને રોયલ ટાવર સહિત 10 જેટલી બિલ્ડિંગના પાણીના કનેક્શન કાપવામાં આવ્યા છે. બાકીની બિલ્ડિંગોના કનેક્શન પણ આવતીકાલ સુધીમાં કાપી નાખવામાં આવશે.
1427 કોમર્શિયલ બિલ્ડિંગમાં ફાયર એનઓસી
ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ શહેરમાં આવેલી 3174 જેટલી રેસિડેન્સિયલ બિલ્ડિંગમાંથી 2435 જેટલી બિલ્ડિંગમાં ફાયર એનઓસી છે. જ્યારે 1389 જેટલી રેસિડેન્સિયલ કમ કોમર્શિયલ બિલ્ડિંગમાંથી 1383માં અને 1429 જેટલી કોમર્શિયલ બિલ્ડીંગમાંથી 1427 જેટલી બિલ્ડિંગમાં ફાયર એનઓસી આવેલી છે. તમામ હોસ્પિટલોએ ફાયર એનઓસી મેળવેલી છે.
દર મહિને અગાઉ વિગતો જાહેર કરાતી
અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા ગત જુન મહિનામાં કેટલી કોમર્શિયલ અને રેસીડેન્સિયલ બિલ્ડિંગોને ફાયર એનઓસી લેવાની છે તેની દર મહિને વિગતો જાહેર કરવામાં આવતી હતી. આવતા મહિને તેઓની ફાયર એનઓસી પૂર્ણ થાય છે, તો તેની તેઓ એનઓસી મેળવી લે તેવી જાણ પણ કરવામાં આવતી હતી. પરંતુ હવે અમદાવાદના ફાયર બ્રિગેડ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ફાયરબ્રિગેડ તંત્રના અધિકારીઓ હવે NOC મામલે બેદરકાર બની રહ્યા છે. શાહીબાગ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં લાગેલી આગની ઘટના અને તે મામલે ગુજરાત હાઇકોર્ટે ગંભીર નોંધ લીધા બાદ શહેરમાં આવેલી બિલ્ડિંગોમાં ફાયર એનઓસી ફાયર બ્રિગેડને યાદ આવી છે અને તેઓ દ્વારા હવે 23 બિલ્ડિંગોને પાણી અને ગટરના કનેક્શન કાપવા સુધીની કાર્યવાહી અંગેની નોટિસ આપી છે.
NOC બાકી હોય તેવી બિલ્ડિંગ્સની AMCની વેબસાઈટ પર યાદી મૂકાતી
અમદાવાદમાં આવેલી રેસિડેન્સિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગોમાં ફાયર NOC લેવાની બાકી હોય તેવી તમામ બિલ્ડિંગોની યાદી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની વેબસાઈટ પર મૂકવામાં આવતી હતી, પરંતુ અમદાવાદ ફાયરબ્રિગેડના તંત્રના અધિકારીઓની એટલી બેદરકારી છે કે તેઓ દ્વારા કોઈપણ પ્રકારની માહિતી જ મૂકવામાં આવી નથી. ફાયર એનઓસી મામલે કાર્યવાહી કરી અને નોટિસ પાઠવવામાં આવે છે, તે જે પણ બિલ્ડિંગોને નોટિસ પાઠવવામાં આવી હોય તેની પણ માહિતી મૂકવામાં આવતી હતી. પરંતુ કહેવાય છે કે જ્યારે આગ લાગે ત્યારે જ કૂવો ખોદવો પડે તેમ અધિકારીઓ જ્યારે શહેરમાં મોટી આગની ઘટના બને અને હાઇકોર્ટ ગંભીર નોંધ લે, ત્યારે ફાયર એનઓસી સહિતની કાર્યવાહી કરવાની યાદ આવે છે.
AMC ભાજપના સત્તાધીશોની પણ બેદરકારી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોની પણ ક્યાંકને ક્યાંક આમાં બેદરકારી હોય તેમ જણાઈ રહ્યું છે. શહેરમાં આવી આગની ઘટનાઓ બને અને ગુજરાત હાઇકોર્ટની ગંભીર નોંધ લેવાય, ત્યારબાદ ભાજપના સત્તાધીશો કેમ ફાયર બ્રિગેડના અધિકારીઓને પૂછે છે અને ફાયર સ્ટેશનની મુલાકાત લેવા માટે પહોંચી જાય છે. દર મહિને ફાયર બ્રિગેડમાં કેટલી બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી કેવી રીતે કાર્યવાહી થાય છે. ફાયર બ્રિગેડ દ્વારા તેની કેમ માહિતી ભાજપના સત્તાધીશો દ્વારા લેવામાં આવતી ન હતી. ઘટના બને ત્યારબાદ જ સત્તાધીશો અને તંત્રને જાગવું પડે છે. તેટલું બેદરકાર મ્યુનિસિપલ કોર્પોરેશન બની ગયું હોય તેમ લાગી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.