કોર્પોરેશનની કડક કાર્યવાહી:અમદાવાદમાં કોલ્ડ ડ્રિંકમાંથી મરેલી ગરોળી નીકળવાના કેસમાં AMCએ મેકડોનાલ્ડને રૂ.1 લાખનો દંડ ફટકાર્યો

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દંડ ભર્યા બાદ જ એકમને ફરીથી ખોલી શકાશે
  • ત્રણ મહિના સુધી તંત્ર દ્વારા એકમની સર પ્રાઇઝ ચેકીંગ કરશે

થોડા દિવસ પહેલા અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલી મેકડોનાલ્ડમાં કોલ્ડ ડ્રિંકમાંથી મરેલી ગરોળી નીકળતાં ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. વાત સોશિયલ મીડિયામાં વાઈરલ થતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફૂડ વિભાગે મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ સીલ કરી દીધી હતી. ત્યારે હવે AMC દ્વારા મેકડોનાલ્ડને રૂ. 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ ભર્યા બાદ જ એકમને ફરીથી ખોલી શકાશે. બીજીતરફ ત્રણ મહિના સુધી તંત્ર દ્વારા એકમની સર પ્રાઇઝ ચેકીંગ પણ કરવામાં આવશે.

શું હતી સમગ્ર ઘટના?
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલી મેકડોનાલ્ડમાં ભાર્ગવ જોષી અને તેમના મિત્ર નાસ્તો કરવા માટે ગયા હતા. ત્યારે તેમણે આપેલા ઓર્ડરમાંથી કોકા કોલાની અંદર મરેલી ગરોળી નીકળતાં તેઓ ચોંકી ગયા હતા. આ અંગે તેમણે હોબાળો કરતાં મામલો બિચક્યો હતો. ભાર્ગવ જોષીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે હું જ્યાં બેઠો હતો ત્યારે મગાવેલા કોલ્ડ ડ્રિંકમાં એક-બે ઘૂંટ પીધા બાદ મેં સ્ટ્રો વડે હલાવતાં જ તળીયે રહેલી ગરોળી ઉપર આવી ગઈ હતી.

ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફૂડ વિભાગે મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ સીલ કરી દીધી હતી
ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફૂડ વિભાગે મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ સીલ કરી દીધી હતી

મેનેજરને ફરિયાદ કરી, પણ ધ્યાન ન આપ્યું
મરેલી ગરોળી દેખાતાં જ મેં આ અંગે કાઉન્ટર પર જઈને ફરિયાદ કરી તો ત્યાં મને રિફન્ડ લઈ લેવા માટે જણાવ્યું હતું. આ સમગ્ર ઘટનાથી હું ડરી ગયો હતો. બીજી તરફ, મેનેજરને પણ ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં. અવારનવાર બનતી ઘટનાઓ છતાં ખાસ કોઈ પગલાં ના લેવાતાં લોકો ભોગ બનતા રહે છે, પરંતુ આ અંગે હું છેક સુધી ફરિયાદ કરવાના મૂડમાં છું.

ગ્રાહકે કરેલું ટ્વીટ
ગ્રાહકે કરેલું ટ્વીટ

મેકડોનાલ્ડ્સે 'દિવ્ય ભાસ્કર' સમક્ષ ઘટના અંગે સ્પષ્ટતા કરી
કોલ્ડ ડ્રિંકમાંથી ગરોળી નિકળવાની ઘટના અંગે મેકડોનાલ્ડ્સે ભાસ્કર સમક્ષ એક નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે અમારા ગ્રાહકોની સુરક્ષા તથા સ્વચ્છતા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ. અમે અમદાવાદના આઉટલેટ ખાતે જે ઘટના બની છે તેની અમે તપાસ કરી રહ્યા છીએ.અમે એક સારા કોર્પોરેટ નાગરિક તરીકે સત્તાવાળાઓને સહકાર આપી રહ્યા છીએ. જોકે કંપનીએ આ ઘટનામાં સતત તપાસ કરી હોવાનો અને તેમાં કંઈ પણ ખોટુ થયું હોવાનો ઈન્કાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...